________________
બનારસ યુનિવર્સિટીમાં
ગૂજરાત વિદ્યાપીઠમાં “સન્મતિતર્કનું કામ પૂરું થયું હતું. એવામાં ૧૯૩૦માં મહાત્મા ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહ માટે દાંડીયાત્રાની ઘોષણા કરી. સાબરમતી આશ્રમ અને ગૂજરાત વિદ્યાપીઠના ઘણા કાર્યકર્તાઓ આ યાત્રામાં જોડાવાના હતા. અંગ્રેજો દ્વારા ધરપકડ અને કદાચ જેલજીવનની સજા મળે તો આશ્રમમાં અને વિદ્યાપીઠમાં પાછા ફરવાનો સમય અનિશ્ચિત બને. આથી ગૂજરાત વિદ્યાપીઠ તત્કાલ પૂરતી બંધ કરવાનો નિર્ણય લેવાયો, એટલે પંડિતજીને વિદ્યાપીઠ છોડવી પડી. હવે શું કરવું? સતત પ્રવૃત્તિશીલ રહેનાર પંડિતજીએ આ સંજોગોમાં નિર્ણય કર્યો કે અંગ્રેજી ભાષાનો અભ્યાસ શરૂ કરવો. એ માટે સમર્થ વિદ્વાન રસિકલાલ પરીખ તરફ એમની નજર ગઈ. એમણે એ માટે સંમતિ દર્શાવી. રસિકલાલ પરીખે આ સમયગાળા દરમિયાન પંડિતજીને અંગ્રેજી ભાષાનો સરસ અભ્યાસ કરાવ્યો.
ગૂજરાત વિદ્યાપીઠ છોડ્યા પછી પંડિતજી પાસે વ્યવસાય તરીકે કોઈ મહત્ત્વનું કાર્ય નહોતું. દરમિયાન ૧૯૩૧માં પંડિતજીને શાન્તિનિકેતનમાં મુનિ શ્રી જિનવિજયજી સાથે સિંધી વિદ્યાપીઠમાં કાર્ય કરવા માટે નિમંત્રણ મળ્યું એટલે તેઓ ત્યાં ગયા. ત્યાંનું કાર્ય પૂરું થતાં તેઓ ગુજરાતમાં પાછા ફરતા હતા તે વખતે બનારસ યુનિવર્સિટીના કુલપતિ આચાર્ય આનંદશંકર ધ્રુવે પંડિતજીને ગુજરાત પાછા જતાં વચ્ચે બનારસ ઊતરવા માટે નિમંત્રણ આપ્યું હતું. એટલે પંડિતજી એમને ત્યાં ઊતર્યા. એ વખતે પંડિતજીને પોતાના મિથિલાના વિદ્યાગુરુ બાલકૃષ્ણ મિશ્રને ઘણાં વર્ષો પછી મળવાનો સુયોગ સાંપડ્યો હતો, એથી એમણે ધન્યતા અનુભવી. એ વખતે આનંદશંકર ધ્રુવે પંડિતજીને બનારસ યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાઈ જવાનો આગ્રહ કર્યો હતો, પરંતુ ત્યારે પંડિતજી ઘણી દ્વિધામાં હતા, એટલે તેઓ ત્યાંની જવાબદારી ન સ્વીકારતાં આગ્રા પોતાના મુકામે પહોંચી ગયા. પરંતુ ત્યાર પછી બધી બાજુનો વિચાર કરતાં પંડિતજીને બનારસમાં અધ્યાપકનું કાર્ય સ્વીકારવાનું યોગ્ય લાગ્યું. એટલે ૧૯૩૩માં તેઓ પાછા બનારસ ગયા અને આનંદશંકર ધ્રુવને વાત કરી. આનંદશંકર ધ્રુવે જૈન દર્શનના પ્રાધ્યાપક તરીકે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં પંડિતજીની નિમણૂક કરી. આથી For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International