________________
કર્મગ્રંથનું કાર્ય અને શ્રી વિજયધર્મસૂરિજી સાથે મેળાપ • ૧૦૧ એમની ભલામણથી જ મણિબહેને હજાર રૂપિયાની સહાય કરવાનો નિર્ણય કર્યો હતો. એ જાણીને પંડિતજીને આનંદાશ્ચર્ય થયું. ભૂતકાળની ઘટના વિશે આચાર્યશ્રીએ મનમાં કોઈ ગાંઠ રાખી નહોતી. પોતાના એકાંત હિતૈષી અને સહાયક એવા શ્રી વિજયધર્મસૂરિજીને વંદન કરતાં પંડિતજીએ કૃતજ્ઞતાની લાગણી અનુભવી. શ્રી વિજયધર્મસૂરિજીની તબિયત ત્યારે બરાબર રહેતી નહોતી. તેઓ ત્યાંથી પાછા ઉત્તર ભારત તરફ વિહાર કરી જવાના હતા. એટલે પંડિતજીની આ મુલાકાત છેલ્લી મુલાકાત હતી. પંડિતજી નોંધે છે કે કાશીમાં છૂટા પડ્યા પછી પોતાના ગુરુ શ્રી વિજયધર્મસૂરિજીને ફરી વાર મળવાનું બન્યું એનો આનંદ મણિબહેનના હજાર રૂપિયા કરતાં પણ ઘણો બધો હતો.
પંડિતજીને કર્મગ્રંથનાં લેખન-પ્રકાશન માટે આર્થિક સહાયની અત્યંત જરૂર હતી. પૂનામાં જ્યારે એમનું આ કાર્ય ચાલી રહ્યું હતું ત્યારે ખંભાતથી એક સગૃહસ્થ રૂપિયા ચાર હજાર જેટલી માતબર રકમ મોકલાવી હતી. આ વણમાગી અને અણધારી મદદ મળવાથી પંડિતજીના અને એમના મિત્ર રમણીકલાલના મનમાં આનંદ અને ઉત્સાહનું મોજું ફરી વળ્યું. આવી મોટી રકમ આવે એટલે જવાબદારી પણ વધે. પોતાની પાસે બધી રકમ રાખવી એના કરતાં બાબુ ડાલચંદજી પાસે એ રકમ રહે એ વધુ સારું એમ માનીને પંડિતજીએ એ બધી રકમ એમની પાસે જમા કરાવી દીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org