________________
બુદ્ધ અને ગોપા • ૬૧ જે અનેક વિદ્યાઓ અને કળાઓમાં પોતાનું ચઢિયાતાપણું બતાવે છે તે રામ, કૃષ્ણ આદિ બીજા કોઈના લગ્નપ્રસંગમાં આપણે નથી જોતા. બીજા અનેક રોમાંચકારી પ્રસંગોમાં સૌથી ચડી જાય એવો પ્રસંગ તો એ છે કે, ગોપા સાસુ-સસરા અને બીજાં અનેક વડીલો સમક્ષ જરા પણ પડદો ન કરવાની પોતાની મક્કમ વૃત્તિનું એક ભવ્ય, ઉદાત્ત અને કુશળ તેમ જ વીર નારીને શોભે તેવી દલીલોથી સમર્થન કરે છે. એ સમર્થન આજની સમજદાર, શિક્ષિત અને સંસ્કારી વીર કન્યાના સમર્થન કરતાં જરાય ઊતરે એવું નથી. જે લેખકે લલિતવિસ્તરમાં આ પ્રસંગ આલેખ્યો છે, તેનામાં શ્રમણપરંપરા અને તેમાંય ખાસ કરી બૌદ્ધ પરંપરામાં સ્થપાયેલી સમાનતા અને મુક્તતાની ભાવના બુદ્ધ અને ગોપાનો વરણ-પ્રસંગ લઈને હૂબહૂ રજૂ કરી છે. લેખક ગમે તે પ્રદેશનો હોય, ગમે તે કોમ કે જાતિનો હોય, છતાં એણે બુદ્ધ અને ગોપાના પાત્રાલેખનમાં સ્ત્રી-પુરુષની સમાનતાની ભાવના એટલી બધી ઊંચી કક્ષાએ રજૂ કરી છે કે તે આજે સર્વત્ર માન્ય થાય તેવી છે. બુદ્ધ ને ગોપા એ બંને પાત્રો કપિલવસ્તુનાં નિવાસી છે. બંને શાક્ય જેવા પ્રસિદ્ધ કુળનાં સંતાન છે; નેપાળ જેવા પર્વતીય પ્રદેશની મુક્ત હવામાં ઊછરેલાં છે. એ બધું હોવા છતાં છેવટે બંનેનો સંબંધ બૌદ્ધ પરંપરામાં પર્યવસાન પામે છે અને બૌદ્ધ પરંપરાનું સ્ત્રી-પુરુષનું સમાનતાનું ધોરણ બીજી કોઈ પણ પરંપરા કરતાં તેટલા પ્રાચીન સમયમાં પણ કેટલું ચઢિયાતું હતું એ વસ્તુ બુદ્ધ અને ગોપાના સંવાદ, મિલન અને પરીક્ષણ-પ્રસંગોમાં આપણે વાંચીએ છીએ. મને લાગે છે કે લલિતવિસ્તરનો આટલો ભાગ જુદી જુદી ભાષાઓ દ્વારા સામાન્ય જનતા સમક્ષ આવતો રહ્યો હોત, તો ગમે તેટલાં વિદેશી આક્રમણો અને બીજાં ભયસ્થાનો હોવા છતાં પણ, ભારતીય નારીનું, ખાસ કરી સવર્ણ ગણાતી કોમોના નારીવર્ગનું, આટલું બધું પતન ન થાત અને આજે અનેકવિધ છૂટો ભોગવવા જે યુરોપ-અમેરિકાના નારીવર્ગનો દાખલો લેવો પડે છે, તે કરતાં પણ સરસ દાખલો એકમાત્ર ગોપાના પ્રસંગમાંથી મળી રહેત. આ દૃષ્ટિએ બુદ્ધ ને ગોપાના એ વરણ-પ્રસંગનું આખું ચિત્ર વાચકો સમક્ષ રજૂ કરવા જેવું લાગવાથી પ્રસ્તુત પ્રયત્ન છે.
બને તેટલું ટૂંકાવાની વૃત્તિ હોવા છતાં એ પ્રસંગ એટલો બધો મધુર છે કે તેને સાવ ટૂંકાવવા જતાં એનો આત્મા જ હણાઈ જાય; પણ વાંચનાર ધીરજ રાખશે તો એને એ લંબાણ કંટાળો નહિ આપે. લગ્નનું કહેણ
એક વાર એકત્ર મળેલા મોટા મોટા અનેક શાક્યોએ શુદ્ધોદનને કહ્યું કે કુમાર સિદ્ધાર્થ ઉંમરલાયક થયો છે. જ્યોતિષીઓ અને સામુદ્રિકોની ભવિષ્યવાણી છે કે કાં તો તે ધર્મપ્રવર્તક થશે અને કાં તો તે ચક્રવર્તી. એટલે જો એનું લગ્ન કરી દેવામાં આવે તો તે ઘરમાં વસી, સ્ત્રીસુખમાં પડી ન્યાયી રાજ્ય કરશે અને અનેક વીરપુત્રોને જન્મ આપી શાક્યકુળ દીપાવશે. શુદ્ધોદને જવાબ આપ્યો કે કન્યાની તપાસ કરીશું. ઉપસ્થિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org