________________
૬. બુદ્ધ અને ગોપા
લગ્ન એ એક મંગળ વિધિ છે, એકમાંથી અનેક થવાનો ઉપનિષદમાં આવતો બ્રહ્મસંકલ્પ છે. પણ એ વિધિની માંગલિકતા લગ્નમાં જોડાનાર બંને પાત્રોની સ૨ખી સમજણ અને સમાનતા ઉપર અવલંબિત છે. જ્યારે એવી સમજણ અને એવી સમાનતા બંનેમાં હોય ત્યારે જ તે લગ્ન આદર્શ છે નમૂનારૂપ છે એમ કહી શકાય. બુદ્ધ એક મહાન ક્રાંતિકારી વિચારક તરીકે અને મધ્યમમાર્ગે સમતોલપણે ચાલનાર લોકોદ્ધારક પુરુષ તરીકે જાણીતા છે. એમનું વિચાર અને આચારનું સૂક્ષ્મત્વ અને સમતોલપણું અધ્યાત્મમાર્ગમાં અને તત્ત્વચિંતનમાં તો સર્વત્ર સુવિદિત છે; પણ એમની એ વિચારસૂક્ષ્મતા અને આચારની સમતોલતા છેક નાની ઉંમરથી કેવી હતી અને ખાસ કરી તેઓ જ્યારે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશવાલાયક થયા ત્યારે કેવી હતી એ બહુ ઓછા જાણે છે. બુદ્ધનું જીવનચરિત્ર પાલિગ્રંથોમાં છે, પણ તેમાં એ વિગત નામમાત્રની છે. પાલિપિટક પછીના સંક્રમયુગમાં જે મહાયાન સાહિત્ય રચાયું, તેમાં બુદ્ધના ગૃહસ્થાશ્રમપ્રવેશને લગતું ચિત્ર વિસ્તારથી આવે છે. આવો એક ગ્રંથ છે લલિતવિસ્તર.’ એની રચના ઈસવી સનનાં પ્રારંભિક શતકોમાં થયાનું મનાય છે. એની ભાષા પાલિમાંથી સંસ્કૃત તરફ જતી એક મિશ્ર ભાષા છે. ‘લલિતવિસ્તર’નો અર્થ છે બુદ્ધની જીવનલીલાનો વિસ્તાર. એની શૈલી પૌરાણિક છે અને એમાં કાવ્યચમત્કાર પણ જેવોતેવો નથી. જે કાંઈ કહેવામાં આવ્યું છે, તે બધું ઐતિહાસિક છે એમ ન સમજવું; પણ બુદ્ધ પોતે ઐતિહાસિક છે, એમનું લગ્ન એ પણ ઐતિહાસિક છે; આટલી મૂળ વસ્તુ વિશે તો પ્રશ્ન છે જ નહિ, પણ એમના લગ્નવર્ણનમાં લલિતવિસ્તરના લેખકે જે રંગો પૂર્યા છે, જે ભાવનાઓ ૨જૂ કરી છે તેમ જ જે લગ્નજીવનને સ્પર્શતા પણ દરેક દેશ અને કાળના સમાજને ઉપયોગી થાય અગર અનુકરણીય બને એવા જે મુદ્દાઓ આહ્લાદક શૈલીમાં કાવ્યબદ્ધ કર્યા છે, તે બુદ્ધના જીવનમાં બન્યા ન હોય તોપણ એના વ્યક્તિત્વને શોભાવે તેમ જ ઉઠાવ આપે તેવા છે; એટલું જ નહિ, પણ જો વાંચનાર સમજદાર હોય તો એને એમાંથી ઘણું શીખવા જેવું પણ છે. તેથી પ્રસ્તુત લેખમાં બુદ્ધના લગ્નપ્રસંગને લગતી એ ‘લલિતવિસ્તર'માંની ોમાંચક વિગતો લિપિબદ્ધ કરવા ધારી છે.
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org