SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨૦ પરિશીલન ન હોત તો તેમનો ભિક્ષુસંઘ ભિન્ન ભિન્ન સંસ્કારવાળા દેશદેશાંતરમાં જઈ શકત કે કામ કરી શકત નહિ અને જાતજાતના લોકોને આકર્ષી કે જીતી શકત નહિ. મધ્યમમાર્ગ બુદ્ધને સૂઝ્યો એ જ સૂચવે છે કે તેમનું મન કોઈ પણ એકાંગી પૂર્વગ્રહથી કેવું મુક્ત હતું ! નજરે તરી આવે એવી બુદ્ધની મહત્ત્વની એક વિશેષતા એ છે કે તેઓ પોતાની સૂક્ષ્મ ને નિર્ભય પ્રતિભાથી કેટલાંક તત્ત્વોનાં સ્વરૂપોનું તલસ્પર્શી આકલન કરી શક્યા અને જ્યારે જિજ્ઞાસુ તેમ જ સાધક જગત સમક્ષ બીજો કોઈ તે વિશે તેટલી હિંમતથી ન કહેતો ત્યારે બુદ્ધે પોતાનું એ આકલન સિંહની નિર્ભય ગર્જનાથી, કોઈ રાજી થાય કે નારાજ એની પરવા કર્યા વિના પ્રગટ કર્યું. તે વખતના અનેક આધ્યાત્મિક આચાર્યોં યા તીર્થંકરો વિશ્વના મૂળમાં કયું તત્ત્વ છે અને તે કેવું છે એનું કથન, જાણે પ્રત્યક્ષ જોયું હોય તે રીતે, કરતા, અને નિર્વાણ યા મોક્ષના સ્થાન તેમ જ તેની સ્થિતિ વિશે પણ ચોક્કસ નજરે નિહાળ્યું હોય તેવું વર્ણન કરતા; ત્યારે બુદ્ધે, કદી પણ વાદવિવાદ શમે નહિ એવી ગૂઢ અને અગમ્ય બાબતો વિશે કહી દીધું કે હું એવા પ્રશ્નોનું વ્યાકરણ કરતો નથી, એનાં ચૂંથણાં ચૂંથતો નથી. હું એવા જ પ્રશ્નોની છણાવટ લોકો સમક્ષ કરું છું કે જે લોકોના અનુભવમાં આવી શકે તેવા હોય અને તે વૈયક્તિક તેમ જ સામાજિક જીવનની શુદ્ધિ તેમ જ શાંતિમાં નિર્વિવાદપણે ઉપયોગી થઈ શકે તેવા હોય. દેશકાળની સીમામાં બદ્ધ થયેલ માણસ પોતાની પ્રતિભા કે સૂક્ષ્મ બુદ્ધિને બળે દેશકાળથી પર એવા પ્રશ્નોની યથાશક્તિ ચર્ચા કરતો આવ્યો છે, પણ એવી ચર્ચાઓ અને વાદવિવાદોને પરિણામે કોઈ અંતિમ સર્વમાન્ય નિર્ણય આવ્યો નથી. એ જોઈ વાદવિવાદના અખાડામાંથી સાધકોને દૂર રાખવા અને તાર્કિક વિલાસમાં ખરચાતી શક્તિ બચાવવા બુદ્ધે તેમની સમક્ષ એવી જ વાત કહી, જે સર્વમાન્ય હોય અને જેના વિના માનવતાનો ઉત્કર્ષ સાધી શકાય તેમ પણ ન હોય. બુદ્ધનો એ ઉપદેશ એટલે આર્યઅષ્ટાંગિક માર્ગ તેમ જ બ્રહ્મવિહારની ભાવનાનો ઉપદેશ. ટૂંકમાં કહેવું હોય તો વૈર-પ્રતિવૈરના સ્થાનમાં પ્રેમની વૃદ્ધિ અને પુષ્ટિનો ઉપદેશ. બુદ્ધની છેલ્લી અને સર્વાકર્ષક વિશેષતા એમની અગૂઢ વાણી તેમ જ હૃદયસોંસરાં ઊતરી જાય એવાં વ્યવહારુ દૃષ્ટાંતો અને ઉપમાઓ મારફત વક્તવ્યની સ્પષ્ટતા એ છે. દુનિયાના વાદ્ગમયમાં બુદ્ધની દૃષ્ટાંત અને ઉપમાશૈલીનો જોટો ધરાવે એવા નમૂના બહુ વિરલ છે. એને જ લીધે બુદ્ધનો પાલિભાષામાં અપાયેલ ઉપદેશ દુનિયાની સુપ્રસિદ્ધ બધી ભાષાઓમાં અનુવાદિત થયો છે ને રસપૂર્વક વંચાય છે. એની સચોટતા, તેમ જ પ્રત્યક્ષ જીવનમાં જ લાભ અનુભવી શકાય એવી બાબતો ઉપર જ ભાર, એ બે તત્ત્વોએ બૌદ્ધ ધર્મની આકર્ષકતામાં વધારેમાં વધારે ભાગ ભજવ્યો છે અને એની અસરનો પડઘો ઉત્તરકાલીન વૈદિક, આદિ પરંપરાના સાહિત્યે પણ ઝીલ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy