________________
૧૦૨ - પરિશીલન કે પ્રતિષ્ઠાની વૃત્તિ બ્રાહ્મણ સમાજમાં આજે પણ જોવા મળે છે. ગદ્દગુરુ શંકરાચાર્ય કરતાં વિશિષ્ટ પંડિતનું આસન પહેલા મૂકવામાં આવે છે, એ શું સૂચવે છે? તમે કલકત્તા યુનિવર્સિટીમાં જાઓ અને વિદ્યાની પ્રતિષ્ઠા શું એ તરત જ તમને સમજાશે. આપણે ત્યાં પ્રતિષ્ઠા શુષ્ક ક્રિયાકાંડની છે. જ્ઞાનની નથી એ કમનસીબી છે. જાણે એમ લાગે છે કે આપણે ત્યાં જીવતા માણસોનો જ તોટો પડી ગયો છે. આ સ્થિતિ ટાળવી જ રહી, અને એ ટાળવાનો એકમાત્ર ઉપાય માણસો-ચેતન-ગ્રંથો તૈયાર કરવા એ જ છે.
ઇતિહાસનો અર્થ આપણે માત્ર પ્રશસ્તિ જ કરીએ છીએ. એ આપણી ભૂલ છે. એમ માનવાથી કશું કામ નહિ થાય. એમાં તો સારા-ખોટા, પૂર્ણતા-અપૂર્ણતા એ બધાંનો સમાવેશ થવો જોઈએ. એમ કરીએ તો જ નવી ભૂલો કરતાં આપણે અટકી શકીએ અને નવસર્જનમાં જરૂરી ફાળો આપી શકીએ.
વળી, મોટામાં મોટું દુઃખ તો એ કે આપણી પાસે જે છે એને નભાવવાની આપણી વૃત્તિ, દષ્ટિ કે તૈયારી નથી. આપણે ત્યાં સૌને પોતપોતાનો જુદો ચોકો જોઈએ છે અને એ માટે સૌ પોતપોતાને ગમતી રીતે નાનીમોટી સંસ્થાઓ રચવાની માયાજાળમાં ફસાયા છે. પણ ખરી રીતે તો હવે નવાં નવાં મંદિરો કરાવવાની મનોવૃત્તિના બદલે સંસ્કારોપયોગી સાધનો પાછળ નાણાં ખર્ચવા ઘટે. એમાંથી જ નવસર્જનને અનુકૂળ એવા માણસો - ચેતન-ગ્રંથો તૈયાર થઈ શકશે.
આજે એવો ચેતન-ગ્રંથ સમો – એટલે કે દક્ષિણામૂર્તિવાળા શ્રી નાનાભાઈ ભટ્ટ જેવો – એક માણસ તો આપણા સમાજમાં બતાવો, જેના નામથી ખેંચાઈને વિદ્યાર્થીઓ ચાલ્યા આવે. પોતાની આસપાસનો જ વિચાર કર્યા કરવો અને બીજે બીજે સ્થળે જે વિદ્યાધામો આદર્શ રીતે ચાલતાં હોય તે તરફ ધ્યાન ન આપવું અને આપણી જૂની દૃષ્ટિ મુજબ જ નવી નવી સંસ્થાઓ ઊભી કર્યા કરવી એ બરાબર નથી. ખરી રીતે
જ્યાં જ્યાં આદર્શ વિદ્યાધામ હોય ત્યાં જઈ કામ કરી બતાવવું અને ત્યાંથી સાચી પ્રેરણા લઈ આવવી. એ વડે જ આપણી જ્ઞાનની ભૂમિકા ઊંચી થઈ શકે. આપણે ત્યાં સૂરિઓ ઘણાય છે, પણ મારે મન તો એ જ સાચા સૂરિ છે કે જેઓ સાર્વજનિક સંસ્થામાં જઈ કામ કરી શકે.
અંતમાં મારે એટલું જ કહેવું છે કે તમે તમારા પુત્રના સમગ્ર ભવિષ્યનો જેમ વિચાર કરો છો તેમ જે વિદ્યાર્થી હોય – વિદ્યાનો અર્થી હોય – તેના ભવિષ્યનો પણ તમારા ભાઈ તરીકે જ વિચાર કરજો. આપણા ત્યાગી ગણાતા વર્ગની ભૂમિકા ઊંચી કરવી હોય અને પછીના યુગમાં તેમની પ્રતિષ્ઠા સાચવી રાખવી હોય તો મારો તમને સૌને એક જ સંદેશો છે કે માણસો – ચેતન-ગ્રંથોથી જ આપણા ત્યાગીવર્ગને સ્વતઃ પ્રેરણા મળશે, અને એ રસ્તે આપોઆપ તૈયાર થવાની ફરજ પડશે.
- પ્રબુદ્ધ જીવન, ૧ નવેમ્બર, ૧૯૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org