________________
વારસાનું વિતરણ - ૯૯ એવી તૃપ્તિ તો ચમત્કારી કિસ્સાઓ દ્વારા અને બીજી ઘણી રીતે આપી શકાય; પણ ઈતિહાસશિક્ષણનું ખરું અને મૂળ પ્રયોજન તો એ છે કે ભણનાર વિદ્યાર્થી એ દ્વારા પ્રત્યેક બનાવનો ખુલાસો મેળવી શકે કે આ અને આવાં કારણોને લીધે જ એ બનાવ બનવા પામ્યો છે; તેની કાર્યકારણભાવની સાંકળ સમજવાની શક્તિ સાચું ઇતિહાસશિક્ષણ એટલી હદ સુધી કેળવી શકે કે એવો વિદ્યાર્થી અમુક પરિસ્થિતિ જોઈને જ કહી શકે કે આમાંથી આવું અને આ જ પરિણામ નીપજશે. ખરી રીતે ઇતિહાસશિક્ષણ જૂના અનુભવોને આધારે કેળવેલ કાર્યકારણભાવના જ્ઞાન દ્વારા માણસને સાચો પુરુષાર્થ કરવા પ્રેરે છે, અને ભૂતકાળની ભૂલોથી બચી જવાનું જ્ઞાન સામર્થ્ય પણ અર્પે છે. પ્રસ્તુત પુસ્તક એ માત્ર ઘટનાઓ કે બનાવોનું વર્ણન નથી કરતું, પણ દરેક ઘટના અને પરિણામની પૃષ્ઠભૂમિકામાં કેવી પરિસ્થિતિ હતી કે જેને લીધે તેવાં પરિણામ આવ્યાં, એવી કાર્યકારણભાવની શૃંખલા જોડતું એક સંકલિત નિરૂપણ છે. તેથી જ આ પુસ્તક ગુજરાતી ઐતિહાસિક સાહિત્યમાં એક ગણનાપાત્ર ફાળો ગણાવું જોઈએ.
લેખકે જે જે મુખ્ય સામગ્રીને આધારે પ્રકરણો લખ્યાં છે તે તે સામગ્રીનો પ્રકરણવાર નિર્દેશ અંતમાં કર્યો છે, જેથી પોતાનું કથન કેટલું સાધાર છે એ વાચકને માલુમ પડે અને વધારામાં જેઓ આ વિષયનો મૂળગામી અભ્યાસ કરવા ઇચ્છતા હોય તેઓને આવી સામગ્રીનો પરિચય થાય.
એકંદર શ્રી મનુભાઈનો આ પ્રયત્ન બહુ જ સફળ થયો છે, જેની પ્રતીતિ હરકોઈ વાચકને થયા વિના નહિ રહે. એમની ભાષા તો સિદ્ધહસ્ત ગુજરાતી લેખકની ભાષા છે, એ એમનાં લખાણો વાંચનાર સૌ કોઈ જાણે છે, પણ એમનું જે વિશાળ વાચન છે, જે વિચારની સમૃદ્ધિ છે અને તેથીયે ચડી જાય એવું તેમનામાં જે મધ્યસ્થતાનું ને નિર્ભયતાનું બળ છે – એ બધું તેમના આ લખાણને ચિરંજીવી અને સર્વપ્રિય બનાવવા માટે પૂરતું છે. શ્રી મનુભાઈ મૅટ્રિક પણ નથી થયા અને છતાં એમણે જે વ્યવસ્થિત, સાધાર અને તર્કસંગત નિરૂપણ સમતોલપણે કર્યું છે, તે સૂચવે છે કે જેનામાં સહજ પ્રતિભા અને પુરુષાર્થનો સુભગ યોગ હોય તે મહાવિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયોનાં આંગણાંમાં ગયા સિવાય પણ ધાર્યા ફળો નિપજાવી શકે છે. જેઓને ગુજરાતી ભાષાની શક્તિ વિશે – અર્થપ્રકટન-સામર્થ્ય વિશે – થોડી પણ શંકા હોય તેઓને આ પુસ્તક ખાતરી કરી આપશે કે વિદ્યાનાં વિવિધ ક્ષેત્રો ખેડવાની શક્તિ ગુજરાતી ભાષામાં કેટલી છે? આ પુસ્તક વિનીત કક્ષાના વિદ્યાર્થીઓને અને શિક્ષકોને પણ ઉપયોગી થઈ પડે તેવું છે. એક વાર વાંચવું શરૂ કરીએ કે પૂરું કર્યા સિવાય ઊઠવાનું મન ન થાય એવી સરસ શૈલી હોવાથી તે હરકોઈ સંસ્કૃતિપ્રિય જિજ્ઞાસુને આકર્ષ્યા વિના નહિ જ રહે.*
* શ્રી મનુભાઈ પંચોળી - ‘દર્શક’–ના પુસ્તક “આપણો વારસો અને વૈભવની પ્રસ્તાવના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org