________________
વારસાનું વિતરણ • ૯૭ એ પ્રશ્નો આ રહ્યા : યજ્ઞો શાશ્વત સુખ આપે છે? દાન-તપ એ આપે છે? આ સુખની ઇચ્છા એ શું છે ? કોણે એ ઇચ્છાને જન્મ આપ્યો? મૃત્યુ શું છે ? પુનર્જન્મ છે ખરો? કે વાયુ સાથે વાયુ ભળી ગયા પછી કશું રહેતું જ નથી ? જીવ, જગત ને ઈશ્વર વચ્ચે શો સંબંધ છે ? બધું એકાકાર છે કે અલગ અલગ? કોણ આ રચે છે? કોણ ભાંગે છે? શું છે આ બધી ભાંજગડ ?” ઈત્યાદિ. આવા પ્રશ્નોના ચિંતનને પરિણામે પ્રકૃતિ અને દેવોની બ્રહ્માંડગત વિવિધતામાં એકતા જોવાની વેદકાલીન પ્રાચીન ભાવના પિંડોમાં એકતા જોવામાં પરિણમી કે જે “તત્ત્વમસિ' જેવાં વાક્યોથી દર્શાવવામાં આવી છે. આવો ભાવનાપરિપાક કૂદકે કે ભૂસકે ભાગ્યે જ થઈ શકે. તેનું ખેડાણ સદીઓ લગી અને અનેક દ્વારા થયેલું છે. એ ખેડાણમાં ક્ષત્રિયવર્ગનો ક્રાંતિકારી સ્વભાવ મુખ્ય ભાગ ભજવે છે અને બ્રાહ્મણો પણ કેવા નવનવવિદ્યા-તરસ્યા કે જેઓ ગમે તેવાં સંકટ વેઠીને પણ વિદ્યા મેળવે. આનું ઉદાહરણ નચિકેતા જેવા અનેક આખ્યાનો પૂરું પાડે છે.
તે કાળે યજ્ઞનો મહિમા ઓસરતો જતો હતો, છતાં સામાન્ય જનસમાજ ઉપર તેની પકડ હતી જ, એમ કહી લેખકે (૧) યજ્ઞને સહેલે માર્ગે વળવું, પુરુષાર્થ બાજુ પર રાખવો, (૨) બ્રાહ્મણ પુરોહિતોની સર્વોપરિતા, (૩) યજમાન-પુરોહિત બંનેનું પરસ્પરાવલંબન, આદિ જે યજ્ઞયુગનાં ત્રણ પરિણામો સૂચિત કર્યા છે તે યથાર્થ છે.
સાતમા પ્રકરણમાં શ્રમણધર્મના બે સમકાલીન આગેવાનો – બુદ્ધ અને મહાવીરનું ચિત્રણ છે. બુદ્ધ અને મહાવીરના આચારવિચારમાં મુખ્ય સામ્ય શું છે તે સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે અને બુદ્ધની જીવનકથા ઠીક ઠીક વિસ્તારપૂર્વક આપી તેનાં અનેક પાસાં દર્શાવવામાં આવ્યાં છે. ઉપનિષદના વિચારકોમાં ક્ષત્રિયો હતા, પણ તેમના સંઘો અસ્તિત્વમાં આવ્યા જાણ્યા નથી; જ્યારે બુદ્ધ અને મહાવીરના સંઘો માત્ર અસ્તિત્વમાં જ ન આવ્યા, પણ તે દેશના અનેક ભાગોમાં અને દેશ બહાર પણ ફેલાયો, એનું શું કારણ? એ પ્રશ્ન ઉઠાવી લેખકે જે જવાબ આપ્યો છે તે યથાર્થ છે. જવાબ એ છે કે - બુદ્ધ અને મહાવીર પોતે સિદ્ધ કરેલ કરુણા અને અહિંસામૂલક આચારને સ્વપર્યાપ્ત ન રાખતાં સમાજવ્યાપી કરવાની વૃત્તિવાળા હતા અને તેથી જ તેમના સંઘોને અનાર્યો, આદિવાસીઓ તેમ જ ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર વગેરે અનેક વર્ગોનો ટેકો મળી ગયો.
આઠમા પ્રકરણમાં ધ્યાન ખેંચે એવી મુખ્ય ચર્ચા એ છે કે ગણરાજ્યોમાંથી મહારાજ્યો કેવી કેવી રીતે અને ક્યા કારણથી અસ્તિત્વમાં આવ્યાં. મહારાજ્યના વિચારનો મજબૂત પાયો નાખનાર ચાણકય કહેવાય છે. તેની ચકોર રાજનીતિનું દિગ્દર્શન તેના અર્થશાસ્ત્રના આધારે કરાવવામાં આવ્યું છે, જે ચાણક્યની અનુભવસિદ્ધ કુશળતાનું પ્રતિબિંબ પાડે છે. ચંદ્રગુપ્ત પછી વધારે ધ્યાન ખેંચે એવી વ્યક્તિ છે અશોક. તેનો યુદ્ધવિજય ધર્મવિજયમાં કેવી રીતે પરિણમ્યો, ને તે જોતજોતામાં ચોમેર કેવી રીતે પ્રસર્યો એનું હૃદયહારી વર્ણન લેખકે આપ્યું છે.
નવમા પ્રકરણમાં આર્યોએ આપેલ સંસ્કૃતિનાં અંગોનો નિર્દેશ કરી તેનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. તે અંગો આ છે : Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org