________________
૯૨૦ પરિશીલન
છતાં દરેક બોલનારને મોઢે કાંઈ તાળું દેવાતું નથી; અગર દરેક લખનારના હાથ કાંઈ બંધાતા નથી, એટલે કોઈ ઉતાવળિયાઓ જ્યારે ભિન્ન મત ધરાવનારા માટે અમુક શબ્દ વાપરે ત્યારે ભિન્ન મત ધરાવનારની અહિંસક ફરજ શી છે તે છેવટે આપણે વિચારી જવી જોઈએ.
પહેલું તો એ કે પોતાના માટે જ્યારે કોઈએ નાસ્તિક કે એવો બીજો શબ્દ વાપર્યો હોય ત્યારે એટલું જ વિચારવું કે તે સામા ભાઈએ મારે માટે ફક્ત જુદો મત ધરાવનાર અથવા તેના મતને ન માનના૨ એટલા જ અર્થમાં સમભાવે અને વસ્તુસ્થિતિસૂચક શબ્દ વાપર્યો છે. એ ભાઈની એ શબ્દ વાપરવાની પાછળ કોઈ દુવૃત્તિ નથી, એમ વિચારી તેના પ્રત્યે પણ પ્રેમવૃત્તિ અને ઉદારતા કેળવવી.
જ
બીજું એ કે જો એમ જ લાગે કે અમુક પક્ષકારે મારે માટે આવેશમાં આવી નિંદાની દૃષ્ટિથી અમુક શબ્દ વાપર્યો છે ત્યારે એમ વિચારવું કે એ ભાઈની ભૂમિકામાં આવેશ અને સંકુચિતપણાનાં તત્ત્વો છે. એ તત્ત્વોનો એ માલિક છે અને જે વસ્તુનો જે માલિક હોય તે માણસ તે વસ્તુનો મરજી પ્રમાણે ઉપયોગ ક૨વા સર્જાયેલ છે. તેનામાં જો આવેશનું તત્ત્વ હોય તો ધી૨જ ક્યાંથી આવવાની ? અને જો સંકુચિતપણું હોય તો ઉદારતા ક્યાંથી પ્રગટવાની ? અને જો આવેશ અને સંકુચિતતાના સ્થાનમાં ધૈર્ય અને ઉદારતા તેનામાં લાવવાં હોય તો તે એ જ રીતે આવી શકે કે તેણે ગમે તેવા કડવા શબ્દો વચ્ચે પણ પોતાનામાં ધીરજ અને ઉદારતા કેળવવી; કારણ કે, કાદવ કાંઈ બીજા કાદવથી ન ધોવાય, પણ પાણીથી જ ધોવાય.
ત્રીજું એ કે જ્યારે કોઈ પોતાના મત અને વિચારની વિરુદ્ધ આવેશ કે શાંતિથી કાંઈ પણ કહેતો હોય ત્યારે તેના કથન ઉ૫૨ સહાનુભૂતિથી વિચાર કરવો. જો સામાના આવેશી કથનમાં પણ સત્ય લાગે તો તેને પચાવવાની ઉદારતા રાખવી અને પોતાના વિચારમાં સત્ય દેખાય તો ગમે તેટલો પ્રચંડ વિરોધ છતાં પણ, અને ગમે તેટલું જોખમ આવી પડે છતાં પણ, નમ્રભાવે એ જ સત્યને વળગી રહેવું.
જો આ રીતે વિચારવામાં આવે અને વર્તવામાં આવે તો શબ્દની મારામારીનું ઝેર ઓછું થઈ જાય. ભાષાસમિતિની અને વચનગુપ્તિની જે પ્રતિષ્ઠા લગભગ લોપ પામતી જાય છે તે પાછી જામે અને શાંતિનું વાતાવરણ ઊભું થાય. આ પુણ્ય-દિવસોમાં આપણે એટલું જ ઇચ્છીએ.
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, ૧૯૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org