________________
બીજો જન્મ ૦ ૩૯ અનુભવાય. આ કરવું અને આ ન કરવું એવી સલાહ ગમે તેટલી હિતાવહ હોય તોય તે વખતે એ સાંભળતાંવેંત મન ક્ષુબ્ધ કરી મૂકે. હવેના જીવનની વાટ વસમી હતી અને કોઈ સમાધાનકારક માર્ગ સૂઝતો નહિ છતાં જિજીવિષા અને જીવનશક્તિ વહારે ધાયાં. બાળક પડતાં-આખડતાં જ ચાલતાં શીખે છે તેમ મારે વિષે પણ બન્યું. અથડામણીઓ અને મુશ્કેલીઓએ જ નવો રસ્તો શોધતો કર્યો. હું દેખતો ત્યારે જ એક નવો ઉપાશ્રય બંધાઈ રહ્યો હતો. તે હવે સાવ તૈયાર થઈ ગયો હતો. એ તદ્દન ઘર પાસે આવેલો અને એની બધી જ ગોઠવણ પરિચિત તેમ જ અનુકૂળ હતી. નવા ઉપાશ્રયે લોકોમાં નવો ધર્મોત્સાહ પ્રેરેલો. ઘરડા, જુવાન અને કુમારો બધા જ સવારે ઉપાશ્રયમાં જાય અને એકાદ સામાયિક લઈ તેમાં સૌ, મરજી પ્રમાણે, મોઢેથી ધાર્મિક પાઠ કરે કે ચોપડીમાં જોઈ વાંચે. કોઈ જાત જાતના છંદ બોલે તો કોઈ સ્તવનસજ્ઝાય ગાય. એકસાથે નાનામોટા બધાના જુદા જુદા સ્વર અને જુદા જુદા રાગની દિશાઓમાં વહેતો ધાર્મિક પાઠ આપણાં મંદિરોમાં ભક્ત-ભક્તાણીઓ દ્વારા સ્વચ્છંદ ગવાતાં સ્તુતિ-સ્તવનના શંભુમેળાની યાદ આપે તેવો હતો, પણ મારા માટે એ ધાર્મિક પાઠ આશીર્વાદરૂપ નીવડ્યો. હું સામાયિક લઈ બેસતો. જે પહેલેથી આવડતું તે મુખપાઠે બોલી જતો અને બીજાઓના કંઠેથી નવાંનવાં સંભળાતાં છંદો, સ્તવનો, અને સાયો સહેજે યાદ કરી લેતો. ગૂંગળાતી શક્તિને ખોરાક મળ્યો, અને દુ:ખાદ્વૈતમાં સુખ તેમ જ આશ્વાસને દ્વૈત ઊભું કર્યું. એ દ્વૈતે ઉત્તરોત્તર વધારે ને વધારે સામાયિકો કરવા પ્રેર્યો. સામાયિકના શાન્ત અવકાશમાં ગમે તેની મદદથી કાંઈ ને કાંઈ કામનું કે નકામું, પણ ધાર્મિક ગણાતા પુસ્તકમાં હોય તે, યાદ કરી લેવા લાગ્યો. એટલે નવો રસ્તો મળતાં મન કાંઈક ઠર્યું. સામાયિક અને ક્રોધનો વિસંવાદ
મનની આ શાન્તિ માત્ર ઉપાશ્રય પૂરતી અને બહુ તો વડીલો અગર મિત્રો વચ્ચે બેસું તેટલા વખત પૂરતી હતી. ઘેર પહોંચું અને મન કાબૂમાં ન રહે. શકુન્તલા જેવી નિર્દોષ ભોજાઈ ઉ૫૨ મારું દુર્વાસામન અકારણ કોપ કરી બેસે, પણ જાણે નાના-મોટા બધા કુટુંબીઓએ મને જરાય ન દૂભવવાની ગાંઠ વાળી હોય તેમ કોઈ મને કશું જ કહે નહિ. મારા અન્યાયની પ્રતિક્રિયા ધીરે ધીરે મન ઉપર શરૂ થઈ એમ અત્યારે લાગે છે. કેમ કે એક તરફ સામાયિક-પ્રતિક્રમણ અને બીજાં વ્રતનિયમોના વર્તુળનું જીવન અને તેને લીધે મિત્રો તેમ જ ગામમાં ધાર્મિક તરીકે જામતી પ્રતિષ્ઠા અને બીજી ત૨ફ જરાય સામું બોલ્યા વિના, સહજ ભાવે સેવા કરનાર ઉપર વગર કારણે જ તપી જવાનું બાળ-તપ આ બે વચ્ચે એટલો બધો દેખીતો વિસંવાદ હતો કે તે તદ્દન જડ ન થઈ ગયું હોય તેવા મનમાં લાંબા વખત સુધી પચી શકે નહિ. તેથી એક દિવસ એક . સાધારણ પ્રસંગમાંથી જ પોતાના એ અન્યાય્ય વર્તનનું તીવ્ર ભાન પ્રગટી ઊઠ્યું. અને ભ્રમ ભાંગતાં જ મનનું વલણ બદલાઈ ગયું.
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org