________________
નિશાળનું જીવન • ૧૭ નિશાળજીવનના બોધપ્રદ પ્રસંગો
મૃતિમાં તાદશ અને કાંઈક બોધપ્રદ એવા નિશાળજીવનના થોડાક પ્રસંગો ટાંકી સામાન્ય જીવન તરફ વળવા ઇચ્છું છું. પાંચમીક ચોપડીમાં હઈશ. ભીંત ઉપર કાંઈક જૂનો એવો નકશો ટાંગેલો. આંગળીમાં પરોવેલા કાગળના ભૂંગળા વતી માસ્તરે પૂછેલ ગામ, નદી વગેરે અમે શોધી આપતા. કોણ જાણે મનમાં તરંગ ઊઠ્યો અને બેંચ ઉપર બેઠા પછી સંકલ્પ કર્યો કે, જો “શેખવા પીર' સાચા હશે તો આ નકશો તૂટી પડશે. માસ્તર વચ્ચે ઊઠી બહાર ગયેલા. કોણ જાણે શું બન્યું કે થોડી વારમાં ઉપરની ડાંડીથી તૂટી નકશે નીચે પડ્યો. માસ્તરે ધમકાવીને પૂછ્યું કે નકશો કોણે તોડ્યો? અમે સૌએ ના પાડી. ખરી રીતે તૂટ્યો તે વખતે અમે બધા બેંચ ઉપર જ બેઠા હતા. અલબત્ત, કાંઈક પહેલાં તો સૌની આંગળી નકશા ઉપર વારાફરતી પડેલી. કોઈની ધીમે તો કોઈની ભારપૂર્વક, પણ આંગળી પડી હશે, પણ એ તો નકશો તૂટ્યો અને સંકલ્પ કર્યા પહેલાંની વાત છે. માર પડ્યા છતાં કોઈએ મીનો તો ભણ્યો જ નહિ. કેમ કે તે વખતે નકશા પડવા સાથે કોઈની આંગળીના ધોંકાનો સીધો સંબંધ ન જ હતો. વાત પતી, પણ મારા મનમાં ગ્રહ બંધાયો કે આપણા ગામના શિખવા પીર’ સાચા છે. ગામ આખું એ પીરની માનતા માનતું. અમારું ઘર પણ એમાં પછાત ન હતું. હું નાની ઉંમરથી ઘણી વાર નાળિયેર વધેરવા અને નિવેદ ચડાવવા જતો તે વખતે આ ઘટના અને બંધાયેલ પ્રહ વિષે વિચાર કરવાનું સામર્થ્ય હતું જ નહિ. માસ્તર કે બીજા કોઈની પાસે મનની આ વાત કરેલી પણ નહિ, પરંતુ જેમ જેમ મન સ્વતંત્રપણે વિચાર કરતું થયું અને બહુ આગળ જતાં ભૂત તેમજ દેવ-દેવીઓની સૃષ્ટિ વિર્ષના શાસ્ત્રવાચન ઉપરાંત માનસતત્ત્વનું કંઈક સ્વતંત્ર પરિશીલન કર્યું ત્યારે મને એમ જ લાગ્યું છે કે એ ઘટના માત્ર “કાકતાલીય' ન્યાયે બનેલી અને પીર વિષે જે ગ્રહ બંધાયો તે નાની ઉંમરથી પડેલ વહેમી સંસ્કારનું પરિણામ હતો. જો એમ ન હોય અને પીર સાચે જ જીવતા-જાગતા હોય તો એમના દેખતાં દેખતાં એમના ભક્તો અને ગામ ઉજ્જડ જેવાં ન થાત.
એક વાર બળદેવસિંહ નામના એક પુરવિયાએ નિશાળના ચોકમાં ખાવાની કમાવેલી તમાકુ સૂક્વી. એની સુગંધથી હું લલચાયો. કોઈ ન દેખે એમ એમાંથી થોડી ચાવી. થોડો વખત જતાં જ ચક્કર આવવા શરૂ થયાં. તબિયતના બહાને માસ્તર પાસેથી રજા લઈ ઘેર જતાં રસ્તામાં જ પડી ગયો, બેભાન અવસ્થામાં જ મને ઉઠાવી ઘેર લઈ જવામાં આવ્યો. કેટલીક ઊલટીઓ અને બીજા ઉપચારો પછી કેફ ઊતર્યો અને સ્વસ્થતા આવી ત્યારે વિચારવા લાગ્યો કે આ શું થયું? બીજાઓ તો કારણ જાણતા જ નહિ. કાંઈક બીમારી સમજી ઈલાજ કરતા, પણ જ્યારે પુરવિયા દ્વારા સૌને માલૂમ પડ્યું કે એનાં ઘટેલાં પાંદડાં મેં જ ચાવ્યાં છે ત્યારે સૌને સમાધાન થવાથી નિરાંત વળી અને તમાકુ ખાવાના પરિણામનો બોધપાઠ મળ્યો, પણ આ બોધપાઠ અધૂરો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org