________________
૧૦ - મારું જીવનવૃત્ત
વલોવતાં, માખણ કાઢતાં અને ઘણી ખરી રસોઈ પણ કરતાં. જોકે ઘરમાં કામ કરનાર હવે ભોજાઈ આવી જ ગયાં હતાં. અને ગામેમાં એક સગાં ફઈ પણ હતાં, છતાં ઘરનો બધો ભાર તો મા જ ઉઠાવતાં.
પુરુષમાતા ભઈજી
ઘરનો ભાર માને ભાગે હતો ખરો, પણ અમને છએ ભાંડરુઓને ઉછેરવાનો ભાર તો એક અદ્ભુત પુરુષમાતા ઉપર હતો. એ અદ્ભુત પુરુષ સાયલાના નિવાસી અને દૂરના સગા હતા. મારા પિતાજી એમને મૂળજીકાકા કહેતા અને અમે તથા આખું ગામ એમને ભઈજી કહેતાં. એ અમારે ત્યાં કરતા તો નોકરી, પણ હતા ઘરના રાજા. મા કરતાં પણ વધારે હેતાળ એમની લાગણીને કારણે અમને સગી મા કે ઓરમાન માનો વિયોગ ખરી રીતે કદી સાલ્યો જ નથી. હું તો બારેક વર્ષની ઉંમરનો થયો ત્યાં લગી એમની સાથે જ સૂતો અને રાતે જ્યાં લગી ભઈજી વાતો ન માંડે અને પૂરી ન કરે ત્યાં લગી સૂતો જ નહિ. એ વાંસો પંપાળે, સુખદ ચોંટકા ભરે પછી જ ઊંઘ આવે. ભઈજી શરીરે ખૂબ પુષ્ટ અને રૂપાળા પણ હતા. ભણેલ ધૂળી નિશાળે, પણ એમનું ધાર્મિક જ્ઞાન અદ્ભુત હતું. કોઈ વિદ્વાન સાધુ કે સાધ્વી આવે અને વ્યાખ્યાન વાંચે ત્યારે જીકારો ભઈજી જ આપે. અને શાસ્ત્રની બધી વાતો સમજે તેમ જ વક્તા કાંઈ ભૂલે તો યાદ આપે. મેં એમની પાસેથી સેંકડો વાતો સાંભળેલી, જે મોટે ભાગે જૈનપરંપરા સાથે સંબંધ ધરાવતી.
નિશાળના માસ્તર મારે કે ધમકાવે, કાકા, પિતા કે બાપુ વઢે અગર બીજું કોઈ ધમકાવવા આવે ત્યારે મારા માટે એ ભઈજીની સોડ જ ત્રાણસ્થાન બનતી. એમની પાસે હું કે અમે કોઈ ભાઈ-બહેનો પહોંચ્યાં એટલે કોઈની મગદૂર નહિ કે અમને વઢી શકે. ભઈજી મા અને પિતાને પણ સંભળાવી દે કે, શું છોકરાને મારી નાંખવાં છે ? જમતાં જમતાં અપૂર્ણ ભોજને અમારી પિરચર્યા માટે રોજ એ ઊઠી જાય અને ઘણી વાર એમની થાળી કૂતરાં ચાખે પણ ખરાં. ખાવા-પીવાની જોઈતી ગમે તે ચીજ કોઈના વિરોધની પરવા કર્યા વિના માંદગીમાં પણ આપે. આવી સ્વર્ગીય હૂંફને લીધે કદી નાની ઉંમરમાં માતા કે પિતાનું વહાલ યાદ આવ્યું નથી. મને માતા નીકળ્યાં અને સન્નિપાત જ્વરમાં હું રાતે ઊઠીને ક્યાંય ચાલ્યો જાઉં ત્યારે પણ એ જ ભઈજી જાગતા હોય. છેક વિ. સં. ૧૯૫૫માં જ્યારે તેઓ અમાશ ઘરથી ઘણાં વર્ષે છૂટા થયા અને સાયલા ગયા ત્યારે અમને બધાંને ખરી જીવતી માતા ગયાનું ઊંડું દુઃખ થયેલું. છપ્પનિયાના દુષ્કાળમાં તેઓ લીમલી આવેલા અને ત્યાર બાદ પણ બેએક વાર આવેલા, પણ એમના વહાલની ઊંડી અસર મારા મન ઉપર એટલી બધી તાજી હતી કે હું તેમને ભૂલી શકતો નહિ અને તેમના છેલ્લા આર્થિક સંકટના દિવસો વિષે સાંભળી દુઃખી થઈ જતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org