________________
૨૩. પૂનાના અનુભવો
પૂનામાં પ્રવેશતાં જ ધૂર્તનો અનુભવ
વિ. સં. ૧૯૭૩ના ઘણું કરી અષાઢ સુદ બીજને દિવસે અમે કાશીથી ઊપડ્યા. મારી સાથે હૅરજીવન અને હરખચંદ બંને હતા. સહ્યાદ્રિના પાણી ટપકતાં બુગદાઓ નીચેથી પસાર થતી ટ્રેનનો વિલક્ષણ આનંદ અનુભવતાં પૂના સ્ટેશન પહોંચ્યા. જ્યારે હું કાશી પહેલવહેલો ગયેલો ત્યારે એક સ્થાનકવાસી સાધુએ વારાણસી ધૂર્તવત્” એમ કહેલું તેથી સ્ટેશન ઉપરથી જ કાશીના ધૂર્તોથી બચવાની કાળજી સેવેલી, પણ ગોખલે-તિલકના પૂનામાંય સ્ટેશન ઉપર જ આવા લૂટારુઓનો ભેટો થશે એ તો કલ્પનાય ન હતી. ટિકિટચેકરે કહ્યું – તમે પુસ્તકો બિસ્તરામાં રાખ્યાં છે તે તો તોળાવો. અમને વરસતે વરસાદે તોળાવવામાં બહુ હાડમારી પડે તેમ હતું. છતાં અમે તોળાવવા તૈયાર થયા. દરમિયાન એક મજૂરે આવી કહ્યું કે તમે કાંઈક આપી દ્યો ને ? શા માટે હેરાન થાઓ છો ? હું નવાઈ પામ્યો. હમણાં તો એ તોળાવવાનું કહી રહ્યો છે ને વળી આ કાંઈક આપવાનું કહે છે એનો શો અર્થ ? મજૂરે કહ્યું - આટલી લાંબી સફર એટલે વજન વધશે તો બહુ આપવું પડશે. તેથી પાંચેક રૂપિયા આપી દ્યો એટલે પતે. મેં તોળીને જ વધારાનો ચાર્જ આપવાની હઠ લીધી ત્યારે છેવટે સામાન તોળાયો ને મારે માત્ર અઢી રૂપિયા આપવા પડ્યા. આ વખતે મને જે હેરાનગતિ થઈ તે ઉપરથી પૂનાના પ્રથમ પ્રવેશે જ એવો વિચાર આવ્યો કે પૂનામાં શિક્ષણ ને રાજકારણનું ધોરણ ઊંચું હશે તોય એની સાથે લુચ્ચાઈનું ધોરણ ૫૨ ઊતરતું નથી.
-
પૂના છાત્રાલયમાં ધર્મશિક્ષણ
રાહતુક૨ના બંગલામાં છાત્રાલય હતું. ત્યાં પડાવ કર્યો. વિદ્યાર્થીઓ ઘણાખરા ગુજરાતી જ હતા. માત્ર બે-ચાર દક્ષિણી ખરા, પણ હતા બધા જૈન. અમે અમારા કાશીના ક્રમ પ્રમાણે બોર્ડિંગના ગૃહપતિને કહી દીધું કે અમારે દૂધ-ઘી ન જોઈએ. અમે માત્ર અનાજ ને શાક જ વાપરવાના. વિદ્યાર્થીઓનું ધોરણ સમભાવી ને પક્ષપાત વિનાનું હોવાથી ગૃહપતિએ કહ્યું કે તમે કેવળ અનાજ ને શાક લેશો તોય તમારે ભોજનચાર્જ વરાડે પડતો સૌના જેટલો જ આપવો પડશે. મેં એ કબૂલી લીધું. એકાદ માસ પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org