________________
૨૦. વડોદરાના અનુભવો
વિ. સં. ૧૯૭૨નું ચોમાસું વડોદરામાં રહ્યો. હું ચોમાસું આવ્યા પહેલાં જ ત્યાં પહોંચી ગયેલો તે પહેલાં કદી નહિ જોયેલ એવાં રસપૂરીનાં મોટાં સંઘજમણોના સ્વાદનો ભાગીદાર પણ થયો. પ્રવર્તકજીને તેમના શિષ્યમંડળના સ્વભાવની મીઠાશ ને ઉદારતા તેમજ શ્રી જિનવિજયજીની હાજરી એ બે બાબતો ઉપરાંત વડોદરા રહેવા માટે મારું ત્રીજું અને સબળ આકર્ષણ પણ હતું. હિન્દુસ્તાનનાં બધાં જ દેશી રાજ્યોમાં વડોદરા વધારે પ્રગતિશીલ છે. ત્યાં પ્રાથમિક શિક્ષણ અનિવાર્ય છે. હરિજનો માટે પણ કેળવણી આપવાનો અલાયદો પ્રબંધ છે, ઈત્યાદિ છાપાં દ્વારા જાણેલ હકીકતોએ વડોદરામાં રહી તેમાં વિશિષ્ટ પરિચય સાધવાનો મનોરથ પહેલેથી જ જન્માવ્યો હતો. સયાજીરાવે સર્જેલ નવા વડોદરાને ઊંડાણથી જોવાની અભિલાષા સફળ થવાનો હવે અવસર આવ્યો. ભણનાર એકમાત્ર મુનિ પુણ્યવિજયજી. તેથી એ કામમાં સમય બહુ આપવો ન પડતો. એટલે બીજી પ્રવૃત્તિઓ તરફ મન સહેજે વળ્યું. ગીતારહસ્ય દ્વારા થયેલ મરાઠી ભાષાના થોડા પરિચયને લીધે તેના વિશિષ્ટ પરિચય માટે પ્રેરાયો. વડોદરામાં સગવડ પણ હતી એટલે કર્વેની મરાઠીમાં લખાયેલ આત્મકથા દ્વારા ભાષાનો પરિચય વધાર્યો અને સાથેસાથે સ્તરી કેળવણીના અસાધારણ હિમાયતી ને તપસ્વી કર્વેના જીવનનો પણ પ્રેરક પરિચય સાધ્યો. વડોદરામાં મારું આકર્ષક સ્થાન ઓરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ હતું. સદ્દગત સી. ડી. દલાલ ત્યાંના મુખ્ય. તેઓ શરીરે જેટલા દુર્બળ અને અશક્ત તેટલું જ સંશોધનનું કામ વધારે કરતા. રાષ્ટ્રોઢવંશ મહાકાવ્ય, નરનારાયણ કાવ્ય, કાવ્યમીમાંસા આદિ અનેક ગ્રન્થોનું તે સંશોધન-સંપાદન કરતા. પોતાના એસિસ્ટન્ટ રંગસ્વામીને મારી પાસે મોકલે ને હું રાષ્ટ્રઢવંશ મહાકાવ્ય આદિને શુદ્ધ કરી આપું. આ કામમાં મને રસ પડ્યો, પણ જ્યારે સી. ડી. દલાલે બૌદ્ધ વિદ્વાન શાન્તરક્ષિતના દુર્લભ મહાન ગ્રન્થ તત્ત્વસંગ્રહનું સંપાદન કરવા મને કહ્યું ત્યારે એના સંપાદનની બીજી બધી યોગ્યતા અને સગવડ હોવા છતાં મારી ટૂંકી બુદ્ધિ આડે આવી. ભણાવવું એ જ વિદ્યાવિકાસનો માર્ગ છે એ પૂર્વસંસ્કારે એ કામ સ્વીકારતાં રોકયો. આગળ જતાં મને લાગ્યું કે મેં એ તકને વધાવી ન લીધી તે મોટી ભૂલ જ કરી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org