________________
૧૦૮ • મારું જીવનવૃત્ત
તપસ્વીની ઇચ્છાને માન આપવાની ને પાઠશાળામાં કેટલી પ્રગતિની શક્યતા છે એ જોવાની પણ આ વખતે તક મળી. વેણીચંદભાઈ તેમજ તેમનું આખું તંત્ર એટલું બધું સાંપ્રદાયિક, એકદેશીય અને જડ લાગ્યું કે ત્યાંથી સત્વર મુક્તિ મેળવવાનું જ મન થયું. મહેસાણા છોડી આગ્રા જાઉં તો ભગવાનદાસ વગેરે મિત્રો સાથે ચાલી શકે તેમ ન હોવાથી તેમનું અધ્યયન બંધ પડે તેમ હતું. કોઈ પણ હિસાબે તેમનું અધ્યયન ચાલુ રાખવું એવી મારી વૃત્તિ ખરી. તે બધા ભાઈઓ મને બુદ્ધિ અને વૃત્તિની દૃષ્ટિએ યોગ્ય જણાયેલા હતા એટલે તેમના પ્રત્યે મારું આકર્ષણ વધ્યું હતું.
વીરમગામ પાઠશાળામાં
અણધાર્યું આમંત્રણ વીરમગામથી આવ્યું. ત્યાં એક ગૃહસ્થ પાઠશાળા ચલાવતા, પણ યોગ્ય અધ્યાપક ન મળે. મને તેઓ અને હું તેમને જાણતો. ભગવાનદાસ વગેરે મિત્રોનો વીરમગામ સાથે નિકટ સંબંધ એટલે તેમણે પણ મને વીરમગામ આવવા સમજાવ્યો. હવે અમારું ધામ વીરમગામ બન્યું. ભગવનદાસ, પ્રભુદાસ અને હીરાચંદ ઉપરાંત બીજા ત્રણેક વિદ્યાર્થીઓ હતા. કાશીથી ટ્રેનમાં પ્રવાસ કરી જનાર મોહનવિજ્યજી પણ ત્યાં આવ્યા. હું કાશી જૈન પાઠશાળા પહેલવહેલો ગયો ત્યારે વીરમગામમાંની પાઠશાળાની ઑફિસમાં એક જટાશંકર પંડિતે મારી પરીક્ષા લીધેલી. તે જ જટાશંકર પંડિત પણ હવે વીરમગામમાં મારી પાસે ભણવા આવતા. આમ મહેસાણામાં હતું તેવું વિદ્યા-વાતાવરણ વ્યાપારપ્રધાન વીરમગામના બજાર વચ્ચે જામ્યું. મિત્રો અને પરિચિતો વધતા ચાલ્યા. સખત ગરમીમાં પણ સખત અધ્યયન-અધ્યાપન એકસરખું ચાલતું. મહેસાણામાં બંધાયેલી અને ગાઢ થયેલી મિત્રતાએ શ્રી જિનવિજયજીને પણ વીરમગામ ખેંચી લીધા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org