________________
જૈન તત્ત્વજ્ઞાન ૦ ૩
વિચાર કરે છે તે તત્ત્વ શું છે ? શું એ અહંરૂપે ભાસતું તત્ત્વ બાહ્ય વિશ્વના જેવી જ પ્રકૃતિનું છે કે કોઈ જુદા સ્વભાવનું છે? આ આંતરિક તત્ત્વ અનાદિ છે કે તે પણ ક્યારેક કોઈ અન્ય કારણમાંથી ઉત્પન્ન થયું છે? વળી અહંરૂપે ભાસતાં અનેક તત્ત્વો વસ્તુતઃ જુદાં જ છે કે કોઈ એક મૂળ તત્ત્વની નિર્મિતિઓ છે? આ બધાં સજીવ તત્ત્વો ખરી રીતે જુદાં જ હોય તો તે પરિવર્તનશીલ છે કે માત્ર ફૂટસ્થ છે ? એ તત્ત્વોનો કદી અંત આવવાનો કે કાળની દૃષ્ટિ અંતરહિત જ છે? એ જ રીતે આ બધાં દેહમર્યાદિત તત્ત્વો ખરી રીતે દેશની દૃષ્ટિએ વ્યાપક છે કે પરિમિત છે ?
આ અને આના જેવા બીજા ઘણા પ્રશ્નો તત્ત્વચિંતનના પ્રદેશમાં ઉપસ્થિત થયા. આ બધા પ્રશ્નોનો કે તેમાંના કેટલાકનો ઉત્તર આપણે જુદી જુદી પ્રજાઓના તાત્ત્વિક ચિંતનના ઇતિહાસમાં અનેક રીતે જોઈએ છીએ. ગ્રીક વિચારકોએ બહુ જૂના વખતથી આ પ્રશ્નોને છણવા માંડેલા. એમનું ચિંતન અનેક રીતે વિકાસ પામ્યું, જે પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનમાં ખાસ મહત્ત્વનો ભાગ રોકે છે. આર્યાવર્તના વિચારકોએ તો ગ્રીક ચિંતકો પહેલાં હજારો વર્ષ અગાઉથી આ પ્રશ્નોના ઉત્તર મેળવવા વિવિધ પ્રયત્નો કરેલા, જેનો ઈતિહાસ આપણી સામે સ્પષ્ટ છે. ઉત્તરોનું સંક્ષિપ્ત વર્ગીકરણ
આર્ય વિચારકોએ એક એક પ્રશ્ન પરત્વે આપેલા જુદા જુદા ઉત્તરો અને તે વિશે પણ મતભેદની શાખાઓ અપાર છે, પણ સામાન્ય રીતે આપણે ટૂંકમાં એ ઉત્તરોનું વર્ગીકરણ કરીએ તો આ પ્રમાણે કરી શકાય –
એક વિચારપ્રવાહ એવો શરૂ થયો કે તે બાહ્ય વિશ્વને જન્ય માનતો, પણ તે વિશ્વ કોઈ કારણમાંથી તદ્દન નવું જ–પહેલાં ન હોય તેવું થયાની ના પાડતો અને એમ કહેતો કે જેમ દૂધમાં માખણ છૂપું રહેલું હોય છે અને ક્યારેક માત્ર આવિર્ભાવ પામે છે, તેમ આ બધું સ્થળ વિશ્વ કોઈ સૂક્ષ્મ કારણમાંથી માત્ર આવિર્ભાવ પાયે જાય છે અને એ મૂળ કારણ તો સ્વતઃસિદ્ધ અનાદિ છે.
બીજો વિચારપ્રવાહ એમ માનતો કે આ બાહ્ય વિશ્વ કોઈ એક કારણથી જન્મતું નથી. તેના સ્વભાવથી ભિન્ન ભિન્ન એવાં અનેક કારણો છે અને એ કારણોમાં પણ વિશ્વ દૂધમાં માખણની પેઠે છૂપું રહેલું ન હતું, પરંતુ જેમ જુદા જુદા લાકડાના ટુકડા મળવાથી એક નવી જ ગાડી તૈયાર થાય છે તેમ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org