________________
ભારતીય તત્ત્વજ્ઞાન
૩૪
કૂતરારૂપે જન્મેલો જીવ પ્રથમ વાર હાડકું ચાટવા-કરડવા જાય ત્યારે તેને તે જ્ઞાન હોવું જોઈએ કે તેમ કરવાથી તેને સુખ થશે. આવું જ્ઞાન તેને તો જ સંભવે જો તેણે પહેલાં હાડકું ચાડ્યું-કરડ્યું હોય અને તેથી તેને સુખાનુભવ થયો હોય. હકીકતમાં, આ પહેલાં તે અનંત વાર કૂતરારૂપે જન્મી ચૂકેલો છે ને તેને એવો અનુભવ થઈ ચૂકેલો છે. એ અનુભવના સંસ્કારો ચિત્તમાં પડેલા હતા. એ સંસ્કારો કૂતરાજાતિમાં જન્મ કરાવનાર જાતિવિપાકી કર્મોએ જેવું પોતાનું ફળ આપવા માંડ્યું તેવા જ તે જાગૃત થઈ ગયા. તે સંસ્કારો જાગૃત થવાથી તેને સ્મૃતિ થઈ કે હાડકું ચાટવા-કરડવાથી સુખ થાય છે અને તે હાડકું ચાટવાકરડવા લાગી સુખ ભોગવવા લાગ્યો. જ્યારે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ ત્યારે કર્મસંસ્કારો ચિત્તમાં પડે છે અને પ્રવૃત્તિકાળે થયેલ અનુભવના સંસ્કારો પણ તે જ વખતે પડે છે. આમ અ-પ્રવૃત્તિ અ-કર્મસંસ્કારોને અને અ-અનુભવસંસ્કારોને એક સાથે ચિત્તમાં પાડે છે. એટલે અ-કર્મસંસ્કારો જ્યારે વિપાકોન્મુખ બને છે ત્યારે પોતાની સાથે અ-અનુભવના સંસ્કારોને પણ જગાડે છે – બીજા અનુભવસંસ્કારોને જગાડતા નથી. ન્યાય-વૈરોષિક દર્શનમાં કર્મ અને પુનર્જન્મ
ન્યાય-વૈશેષિક દાર્શનિકો આત્માને નિત્ય ગણે છે. નિત્યનો અર્થ છે અનાદિ-અનંત. આનો અર્થ એ કે આત્મા વર્તમાન દેહની ઉત્પત્તિ પહેલાં અને તેના પાત પછી પણ અસ્તિત્વ ધરાવે છે. બીજા શબ્દોમાં, પૂર્વજન્મ અને પુનર્જન્મ બન્ને છે. પૂર્વજન્મ પુરવાર થતાં પુનર્જન્મ પુરવાર થઈ જ જાય છે, એટલે ન્યાય-વૈશેષિકો પૂર્વજન્મને ચીવટપૂર્વક પુરવાર કરે છે, તેમની મુખ્ય દલીલો નીચે પ્રમાણે છે :
નવજાત શિશુના મુખ પર હાસ્ય દેખી તેને થયેલ હર્ષનું અનુમાન થાય છે. ઇષ્ટ વિષયની પ્રાપ્તિ થતાં જે સુખ જન્મે છે તેને હર્ષ કહેવામાં આવે છે. વિષયને આપણે ઇષ્ટ ત્યારે જ ગણીએ છીએ જ્યારે આપણને સ્મરણ થાય કે તજ્જાતીય વિષયે પહેલાં આપણને સુખાનુભવ કરાવેલો. આમ વર્તમાન વિષય ઇષ્ટ છે એવું ભાન તો જ શક્ય બને જો તજ્જાતીય વિષયનો પૂર્વાનુભવ થયો હોય, તે અનુભવના સંસ્કારો પડ્યા હોય, તે સંસ્કારો વર્તમાન વિષય ઉપસ્થિત થતાં જાગૃત થયા હોય અને પરિણામે સ્મરણજ્ઞાન થયું હોય કે વર્તમાન વિષયની જાતિના વિષયે મને પહેલાં સુખકર અનુભવ કરાવેલો. નવજાત શિશુ અમુક વિષયને ઇષ્ટ કેવી રીતે ગણી શકે ? આ જન્મમાં તજ્જાતીય વિષયનો પહેલાં એને કદી અનુભવ થયો ન હોઈ, તે અનુભવના તેવા સંસ્કારો પડ્યા નથી; તેથી તેવા પ્રકારની સ્મૃતિ જન્મી શકે નહિ. એટલે તજ્જાતીય વિષયનો અનુભવ પૂર્વજન્મમાં તેને થયેલો અને તે અનુભવના જે સંસ્કાર પૂર્વજન્મમાં પડેલા તે આ જન્મમાં શિશુના આત્મામાં છે એમ સ્વીકારવું પડે છે. આ રીતે પૂર્વજન્મ સિદ્ધ થાય છે. (જુઓ ન્યાયસૂત્ર ૩.૧.૧૯).૧
જો જન્મપ્રવાહ અનાદિ હોય તો જીવે અનંત વાર મનુષ્ય, બળદ, વાનર અને કૂતરારૂપે જન્મ ધારણ કર્યો હોવો જોઈએ અને તે બધા જન્મોના સંસ્કાર પણ તેનામાં હોવા જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org