________________
૧૬૪
ભારતીય તત્ત્વજ્ઞાન
દોષરહિત શુદ્ધ છે એવી ખાતરી કરાવી આપનાર ત્રીજું જ્ઞાન કોઈક કારણથી ઉત્પન્ન થાય તે માટે રાહ જોવી પડશે, કારણ કે જ્યાં સુધી દોષરહિત શુદ્ધ કારણ દોષરહિત શુદ્ધ છે એ જ્ઞાત ન થાય ત્યાં સુધી તે દોષરહિત શુદ્ધ કારણ અસ્તિત્વ ધરાવતું હોવા છતાં અસ્તિત્વ ન ધરાવતું હોવા બરાબર છે. વળી આ ત્રીજા જ્ઞાનના કારણને દોષરહિત શુદ્ધ હોવાની ખાતરી કરાવી આપવામાં આવે પછી જ તે પ્રમાણ ગણાય. આ જ સમસ્યા ચોથા જ્ઞાનની બાબતમાં ખડી થશે અને આ પ્રક્રિયાનો અંત જ નહિ આવે - અનવસ્થા થશે. બીજી બાજુ કુમારિલનું કહેવું છે કે જો જ્ઞાનનું પ્રામાણ્ય તેનો સ્વભાવ જ હોય તો તેને પોતાનું કાર્ય ‘વિષયનો નિશ્ચય’ કરવા માટે વધારાના ક્શાની અપેક્ષા જ રહેતી નથી અને દોષના અજ્ઞાનથી (અનુપલબ્ધિથી) અનાયાસે જ તેનું અપ્રામાણ્ય દૂર થઈ જાય છે. (પોતાની ટીકામાં પાર્થસારથિ મિશ્ર કહે છે : દોષો જ્યારે જ્ઞાત થાય છે ત્યારે જ પ્રામાણ્યને હણે છે. તે દોષોનું અજ્ઞાન જ પ્રામાણ્યના વિરોધી અપ્રામાણ્યને દૂર કરે છે અને દોષોનું અજ્ઞાન વિના આયાસે સિદ્ધ છે, એટલે અહીં અનવસ્થાને કોઈ અવકાશ નથી.) આમ જ્ઞાન પોતે જ્ઞાનસ્વરૂપ છે એટલા માત્રથી જ તે પ્રમાણ પુરવાર થાય છે. અને જ્યારે આપણને જણાય કે તેનો વિષય તે જેવો વર્ણવે છે તેવો નથી કે તેનું કારણ દોષયુક્ત છે ત્યારે જ આ તેની પ્રમાણતા દૂર થઈ જાય છે.
*
અહીં એ સહેલાઈથી આપણે પકડી પાડીએ છીએ કે કુમારિલની આખી દલીલ દોષજ્ઞાનાભાવને (દોષાજ્ઞાનને) દોષાભાવ સાથે ખોટી રીતે એક ગણી લેવા ઉપર જ ટકી રહી છે. કુમારિલને યોગ્ય રીતે જ એવું લાગે છે કે પ્રમાણ પણ ન હોય અને અપ્રમાણ પણ ન હોય એવું જ્ઞાન સંભવતું જ નથી. પરંતુ વધારામાં તેનું સૂચન કે જો અને જ્યાં સુધી જ્ઞાન અપ્રમાણ પુરવાર ન થાય તો અને ત્યાં સુધી તે પ્રમાણ જ છે, ખરેખર બુદ્ધિવિરોધી અને વિચિત્ર છે. જ્ઞાનને આધારે પ્રવૃત્ત થવા માટે જ્ઞાનના પ્રામાણ્યનો નિશ્ચય હોવો જરૂરી નથી એ કુમારિલની વાત સાચી છે. પરંતુ તેમાંથી તેણે એ તારવવું ખોટું છે કે બધાં જ જ્ઞાનો પ્રમાણ છે અથવા જો અને જ્યાં સુધી તેઓ અપ્રમાણ પુરવાર ન થાય તો અને ત્યાં સુધી તેઓ પ્રમાણ છે.
૧૫. અને આ રહી પ્રભાકરની પોતાના પક્ષની રજૂઆત ઃ “જ્યારે જ્ઞાનનો વિષય બીજી વસ્તુ સાથે સમાનતા ધરાવતો હોય અને તે જ્ઞાન પોતાના વિષયમાં રહેલા પેલી વસ્તુથી તેને જુદા પાડતા ધર્મોને ધ્યાનમાં લેવામાં નિષ્ફળ જાય ત્યારે તે જ્ઞાન જ્ઞાતામાં પેલી વસ્તુનું સ્મરણ જન્માવે છે પરંતુ જ્ઞાતા પોતે એ હકીકતથી અજ્ઞાત છે કે પોતાને સ્મરણરૂપ જ્ઞાન થઈ રહ્યું છે. આમ છીપમાં રજતનું જ્ઞાન જેવા જ્ઞાનોને સમજાવવામાં આવે છે. (આના ઉપરની પોતાની ટીકામાં શાલિનાથ કહે છે : કદાચ કોઈ એમ કહે કે વિષયને લગતા જ્ઞાનમાં પ્રગટ થતો સ્વભાવ જ વિષયનો સ્વભાવ હોવો જોઈએ, એવું જ હોય તો ભ્રાન્ત જ્ઞાનો સંભવે નહિ, અને જો ભ્રાન્ત જ્ઞાનો સંભવતા હોય તો વિષયને લગતા જ્ઞાનમાં પ્રગટ થતો સ્વભાવ તે વિષયનો જ હોવો જોઈએ એવું ન બને. આના ઉતરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org