________________
મૉન્ટેસરી પદ્ધતિ વિશે કેટલાક વાંધા અને તે સંબંધી મારા વિચારો • ૧૭૭ અવસર મળે છે અને જે વિષયની શક્તિ કે રુચિ ન હોય તે વિષયમાં જરા પણ વ્યર્થ શક્તિ કે સમય ન ખર્ચાવાથી તેનો આત્મા સતત તેજસ્વી અને ઉત્સાહમય રહે છે. ફરજિયાત હરીફાઈના ધોરણમાં જે વિષયની શક્તિ કે રુચિ ન હોય તેમાં બાળકો નિચોવાઈ જાય છે, અને તેથી આવેલી નિર્બળતા પોતાની પસંદગીના વિષયમાં પણ દોડતા બાળકને કાંઈક ખલિત કરે જ છે.
ફરજિયાત હરીફાઈથી જ્ઞાનવૃદ્ધિ કોઈ કોઈ વ્યક્તિને થઈ હોય અને થાય છે એ વાત માની લઈએ, તોપણ તે હરીફાઈની પાછળ કેટલાંક એવાં અનિષ્ટ તત્ત્વો રહેલાં છે કે જે શિક્ષણ લેનારમાં ઘૂસી જવાથી તેના આત્માને શિક્ષણથી મળેલા પ્રકાશ કરતાં પણ વધારે અંધકાર અર્પે છે. એ અનિષ્ટ તત્ત્વોમાં કાંઈ મળવાનું પ્રલોભન અને નામના એ બે મુખ્ય છે. આ બે અનિષ્ટ તત્ત્વોમાંથી (જો શિક્ષણ લેનારનો આત્મા નિર્બળ હોય તો) ઈર્ષ્યા અને અદેખાઈ જન્મે છે, અને એ અદેખાઈ જિન્દગીના છેડા સુધી આત્માને કોતરી ખાય છે. તેથી મારા વિચાર પ્રમાણે મોન્ટીસોરી શિક્ષણપદ્ધતિમાં ફરજિયાત હરીફાઈને તિલાંજલિ દેવામાં આવી છે તે, એ પદ્ધતિની ઇચ્છવાલાયક વિશિષ્ટતા છે.
હવે અતિખર્ચાળપણાના આરોપનો વિચાર કરીએ. આ આરોપનો વિચાર કરતાં બે પ્રશ્નો ઉદભવે છે. તે એ કે મોન્ટીસોરી શિક્ષણ પદ્ધતિ એ બીજી શિક્ષણપદ્ધતિ કરતાં ઊતરતા પ્રકારની છે કે બીજી પદ્ધતિઓની સમકક્ષ કે તેઓથી ચઢિયાતા પ્રકારની છે? જો બહુ ખર્ચાળપણા સિવાયની બીજી કોઈ કસોટી દ્વારા મોન્ટીસૉરી શિક્ષણ પદ્ધતિ ઈતરપદ્ધતિઓ કરતાં ઊતરતા પ્રકારની સાબિત કરી શકાય તો તે ઊતરતાપણાને લીધે જ મરણને શરણ થવા યોગ્ય છે. પણ હજી સુધી મોન્ટીસોરી શિક્ષણપદ્ધતિનું ઊતરતાપણું સાબિત કરી શકાતું નથી; એટલું જ નહિ, પણ દિવસે દિવસે વિચારકવર્ગમાં તેના ચઢિયાતાપણા વિશે ચોક્કસ અભિપ્રાય બંધાતો જાય છે, અને તેના નિઃસ્વાર્થ તથા પ્રામાણિક પ્રયોગકર્તાઓ તો બીજી કોઈ પણ શિક્ષણ પદ્ધતિ કરતાં તેને વધારે શાસ્ત્રીય અને વધારે સ્વાભાવિક માને છે. હજી એ પદ્ધતિના પ્રયોગકર્તાઓ કરતાં વધારે અનુભવ ધરાવનાર બીજો કોઈ પણ એ પદ્ધતિનું ઊતરતાપણું સાબિત કરી શક્યો નથી. તેથી બહુ ખર્ચાળપણાના આરોપનો વિચાર બીજા વિકલ્પને સ્વીકારીને જ કરવો ઘટે છે. મોન્ટીસોરી શિક્ષણપદ્ધતિની પાછળ જે શાસ્ત્રીયતા અને સાહજિકતાનું બળ છે તે જ તે પદ્ધતિના બીજી બધી પદ્ધતિઓ કરતાં ચઢિયાતાપણાની સાબિતી છે. એ પદ્ધતિના પ્રયોગો, અનુભવો અને નિયમોનો વિચાર કરતાં મને તો તેના ચઢિયાતાપણા વિશે જરાયે શક નથી. તેથી જો પ્રારંભમાં આ પદ્ધતિના અખતરામાં બહુ ખર્ચાળપણું હોય અને છે, તોય તે જાણીબૂઝીને ચલાવી લેવું એ જ સંસ્કારી પ્રજા તૈયાર કરવાને માટે યોગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org