________________
સ્વતંત્રતાનો અર્થ • ૧૪૧ ઉપરની દૃષ્ટિને અનુસરી સ્વરાજ્યપ્રાપ્તિના મંગલદિને સ્વતંત્રતાનો અર્થ સંક્ષેપમાં આ પ્રમાણે તારવી શકાય: (૧) ઇતિહાસને વફાદાર રહી વર્તમાન પરિસ્થિતિનું તટસ્થ અવલોકન કરી ભાવિ મંગલનિર્માણની દૃષ્ટિ રાખી જે અનેકવિધ ફેરફારો કરવા પડે તે કરવામાં પૂર્ણ ઉલ્લાસ ને રસ અનુભવવો. (૨) જીવનનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં જે દોષો અને ખામીઓ જડ ઘાલી બેઠેલ છે એમ દેખાય તેનું નિર્મૂળ નિવારણ કરવામાં, હવે સ્વરાજ્ય મળ્યા પછી કોઈ બહારનું તત્ત્વ અંતરાયરૂપ કે આડખીલીરૂપ નથી એ વિશ્વાસે, દરેક પ્રકારની ખોડો દૂર કરવા કટિબદ્ધ થવું. (૩) કોઈ પણ વ્યક્તિ કે પ્રજા પોતાને પ્રાપ્ત થયેલ સિદ્ધિઓ સાચવવાનું કામ અને નવી સિદ્ધિઓ મેળવવાનું કામ પૂરેપૂરી જવાબદારી ઉઠાવવાની અને તે માટે ખપી જવાની કર્તવ્યપરતંત્રતા પચાવ્યા સિવાય સાધી શકે નહિ, એવી સમજણ અંદરથી કેળવવી.
ઉપર સૂચવેલ છે તે અર્થો આપણને ઈશાવાસ્ય’ના મૂળ મંત્રને મુદ્રાલેખ બનાવવા પ્રેરે છે. તે મુદ્રાલેખ એ છે કે જો કોઈ વ્યક્તિ કે પ્રજા લાંબું, સુખી અને સંવાદી જીવન જીવવા ઇચ્છે તો તેણે આવશ્યક બધાં જ કર્તવ્યો કરતાં રહેવું જોઈએ; અર્થાત્ પુરુષાર્થહીનતામાં ધર્મ માનવો ન જોઈએ. વ્યક્તિ અને સમષ્ટિના મધુર સંબંધો ટકી રહે અને વધે તે માટે એ મંત્ર સૂચવે છે કે સ્વકર્તવ્યના ફળનો ઉપભોગ ત્યાગપૂર્વક જ કરવો ઘટે, અને બીજાનાં શ્રમફળની લાલચના પાશથી છૂટવું ઘટે.
ઈશાવાસ્યના એ મંત્રનો ઉક્ત સાર ધર્મ, જાતિ, અધિકાર અને સંપત્તિઓના સ્વામીઓને સ્વરાજ્યપ્રાપ્તિને દિવસે એમ કહે છે કે તમે પોતપોતાની સત્તાના લોભે તરેહતરેહના દાવાઓ આગળ ન ધરો અને જનતાના હિતમાં જ પોતાનું હિત સમજો. નહિ તો, અંગ્રેજોના શાસન પહેલાં હતી તે કરતાં પણ વધારે મૂંડી અરાજકતા ઊભી કિરવાના કારણ બનશો અને વિદેશી આક્રમણને ફરી નોતરી પોતે જ પહેલાં ગુલામ બનશો.
- પ્રબુદ્ધ જૈન, ૧-૯૪૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org