________________
૧૬. જૈન સમાજ: હિંદુ સમાજ
પ્રિય પંડિતજી,
ગુજરાતીમાં લખું છું, માફ કરશો. અર્થમાં વિપર્યાસ શ્રી દલસુખભાઈ હોવાથી નહિ થાય. મારે થોડા વખતમાં વધારે પતાવવું છે. સામાન્ય રીતે મારો વિચાર નીચે પ્રમાણે છે.
હિંદુ સમાજ એ માત્ર વૈદિક સમાજ નથી; એનો ખરો અર્થ અતિ વિશાળ છે. હિંદુસ્તાનમાં જેનાં મૂળ શાસ્ત્રો રચાયાં, મૂળ પુરુષો થયા અને તીર્થો પણ છે તે બધા હિંદુ સમાજમાં આવે; એટલે હિંદુસ્તાનના જે જૂના નિવાસી હોય તે બધાય નિવાસી હિન્દુ સમાજમાં આવે. જૈન સમાજનાં કે નાના-મોટા સંઘનાં મૂળો પૂર્વવૈદિક છે, કદાચ પૂર્વદ્રાવિડિયન પણ છે. ગમે તે હો, છતાં એ લઘુમતી હોવા છતાં વૈદિકોથી, ખાસ કરીને બ્રાહ્મણોથી, અર્વાચીન નથી જ. એવી સ્થિતિમાં જૈન સમાજ હિંદુ સમાજ નહિ તો બીજું શું છે? જેન સિવાયના બીજા સમાજો હિંદુ સમાજમાં આવે છે અને તે કોઈ કોઈ સ્થાનિક બહુમતીમાં પણ છે. તેટલામાત્રથી જૈન સમાજ હિંદુ સમાજનું અંગ કેમ મટી શકે ? હિંદુ સમાજ શરીરસ્થાને છે. તેનાં જે અંગો છે તે પૈકી એક અંગ જૈન સમાજ પણ છે.
વળી ખાનપાન, વ્યાપારધંધો અને કેટલીક વાર લગ્નવ્યવહાર એ બધું તો મોટે ભાગે સમાન અને પરસ્પર સંબદ્ધ છે. એટલે સામાજિક દૃષ્ટિએ જૈન સમાજ હિંદુ સમાજથી જુદો છે એમ કહેવું એ તો હિંદુ સમાજનો વૈદિક સમાજ એવો સંકુચિત અર્થ જ માની ચાલવા બરાબર છે. અલબત્ત, વ્યવહારમાં હિંદુ સમાજનો વૈદિક સમાજ એવો અર્થ ઘણાખરા સમજે અને કરે છે, પણ તેથી મૂળ અર્થ ખોટો છે અગર વિસારે પાડવો જોઈએ એમ કોઈ પણ કહી નહિ શકે. જેમ ઘણાખરા રૂઢિચુસ્તો જૈન' એવો સામાન્ય શબ્દ માત્ર દિગંબર પરંપરા માટે જ વાપરે છે અને વિશેષ માટે શ્વેતાંબર જૈન ઈત્યાદિ યોજે છે, તે જેમ સાચું નથી તેમ હિંદુ સમાજ એ સામાન્ય શબ્દને માત્ર વૈદિક સમાજ અર્થમાં વાપરવો કે સમજવો બરાબર નથી. દિશા જ્ઞાન અને સત્યની હોય તો જ્યાં અજ્ઞાન અને અસત્ય દેખાય ત્યાં પણ બીજા સુધારાઓની પેઠે સુધારો કરવો રહ્યો.
For Private & Personal Use Only
Jain Education International
WWW.jainelibrary.org