________________
માટે અન્યધર્મની ઇચ્છા કરવી તે દૂષણ રૂપ છે. ધર્મના આચારપાલનના ફળને વિષે પૂર્ણપણે વિશ્વાસ જો ન રાખવામાં આવે તો દઢતાપૂર્વક પાલન જ ન થાય, માટે ફળમાં સંદેહ રાખવો તે દોષ છે. તથા બાલદીક્ષા, લાંબી તપશ્ચર્યા, વધારે મૂર્તિમંદિરો બનાવવાની પ્રથા, કેટલાક કડક આચારો, તથા સકારણ ચાલતા મતભેદો ઇત્યાદિ જોઇને પણ શાસન તરફ અણગમો હૈયામાં લાવવો તે પણ ત્રીજો દોષ છે. માત્ર જૈન શાસનમાં જન્મેલા હોય, બાહ્ય રીતે જૈનધર્મ પાલતા હોય પરંતુ જૈનશાસનની મર્યાદા વિરુદ્ધ પ્રવચન-પ્રચાર-અને પ્રવર્તન કરતા હોય, સર્વથા અનુચિત શિથિલાચાર હોય જેનાથી અનેક લોકો ધર્મથી વિમુખ બને તેમ હોય, તેવા જીવો પ્રત્યે ભાવકરૂણા સહિત જે અણગમો કરવો અથવા સામનો કરવો તે વિતિગિચ્છા દોષ ગણાતો નથી.
મિથ્યાત્વીઓની પ્રશંસા અને પરિચય શરમાવર્તી જીવોને, અપુનબંધકજીવોને અને માર્ગાનુસારી જીવોને સમ્યકત્વપ્રાપ્તિમાં બાધા ઉપજાવનાર છે. સમ્યકત્વ પામેલા જીવોને પણ લલચાવનાર છે. તે તરફ આકર્ષવા દ્વારા કાલાન્તરે શિથિલ કરનાર છે. માટે શાસ્ત્રમાં તે બન્ને દોષરૂપે જણાવ્યા છે. પરંતુ ગીતાર્થ, ગંભીર, અને વિચક્ષણાદિ ગુણોપેત દઢ સમ્યકત્વી મહાત્માઓ ત્યાં જઈને જૈનશાસનની પ્રભાવના કરવાની શક્તિ ધરાવતા હોય તેવા આત્માઓને આ દોષ રૂપ નથી. લાભાલાભને સમજનારા, ત્યાં જઈને પણ પ્રભાવ પાડનારા અને અધર્મીને પણ ધર્મી બનાવનારા મહાત્માઓને આ આચરણા દોષ રૂપ નથી આવા મર્મને નહી સમજનારા કેટલાક લોકો જૈનોની નિંદા કરતા પણ દેખાય છે કે જેનો ધર્માન્ય છે. એકલપેટા છે. બીજાના ગુણોના અસહિષ્ણુ છે. પોતાના ધર્મના કદાગ્રહી છે. પોતાના અનુયાયી વર્ગને બીજા સ્થાને જતો અટકાવી વાડાબંધી કરનારી છે. બીજાના મંદિરોમાં જવાનો અને અન્ય દેવોને નમવાનો નિષેધ કરનારા છે. પોતાના અનુયાયી વર્ગને પકડી રાખનારા સંકુચિત મનોવૃત્તિવાળા છે ઇત્યાદિ જે કંઈ કહેવામાં આવે છે તે વાસ્તવિક તત્ત્વને નહીં સમજવાથી બોલાય છે. જ્યાં સુધી પતનના ભયો હોય છે ત્યાં સુધી બધાં જ બંધનો તે જીવને વાસ્તવિકપણે ઉપકાર કરનારા જ હોય છે અને નિર્ભય થયા પછી કોઇ બંધન બંધનરૂપે હોતાં નથી. ૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org