________________
પપ
જ ધર્મ છે. પુણ્ય-પાપ-પરભવ-પૂર્વભવ જેવું કંઈ જ નથી. આવી ચર્ચા સાંભળીને રાજા મનમાં વિચારે છે કે પરોપકારાદિ કરવા એ લૌકિક ધર્મ હોઈ શકે, પુરુષનો ઉત્કર્ષ કરનાર બને, પરંતુ આત્મહિત કરનારો લોકોત્તર ધર્મ ન કહેવાય, વેદવિહિત અગ્નિહોત્રાદિ યજ્ઞો તો હિંસાથી જ ભરેલા છે તે ધર્મ ન કહેવાય, પૂર્વપુરુષોની પરંપરાથી તો ઘણી વખત અજ્ઞાનજન્ય પરંપરા પણ હોઈ શકે છે. માટે તે ધર્મ કેમ કહેવાય ! અને પ્રત્યક્ષ દેખાય તે જ પ્રમાણ માનીએ અને પુણ્ય-પાપાદિ જો ન માનીએ તો રાજા-રંક-રોગ-નિરોગી આવા પ્રકારનો જીવોમાં ભેદ કેમ ! તેથી આ ચોથો પક્ષ પણ ઉચિત નથી. માટે સાચો ધર્મ શું હોઈ શકે ? તે જો સાચા જ્ઞાની પુરુષ મળે તો જાણવું જોઈએ. એવું રાજા જેટલામાં જાણવા ઇચ્છે છે તેટલામાં જ તેમની સભામાં રાજાના બાલ્યાવસ્થાથી જ મિત્ર શ્રી મદનદત્ત નામના શ્રેષ્ઠીએ પ્રતિહારી દ્વારા રાજ આજ્ઞા મેળવીને પ્રવેશ કર્યો. રાજાએ શ્રેષ્ઠીને પૂછ્યું કે હે મદનદત્ત ! આટલાં વર્ષો તમે કયાં ફર્યા ! શું શું જોયું ! કેવું અને કેટલું ધન કમાયા ? મદનદત્તે કહ્યું કે હે રાજન ! હું ઘણા દેશ ફર્યો, ઘણું ધન કમાયો. અને અદ્ભુત એવા આ હારને પામ્યો છું, તે હારની કથા સાંભળો :
આ નગરથી નીકળીને દેશ-વિદેશોમાં ફરતાં દ્રુપદિકા નામની અટવીમાં અનેક ગુણોનો ભંડાર એવા શ્રી ગુણધર નામના સૂરિને મેં જોયા, હું તેઓની ધર્મદેશના સાંભળવા બેઠો, તેમની ધર્મપર્ષદામાં આ હાર જેણે ગળામાં પહેરેલો છે એવા એક દેવને તેની પત્ની (દેવી) સાથે મેં જોયો. તે દેવ પણ ઘણા જ પ્રેમથી વારંવાર મારા તરફ જ જોતો હતો. તેણે સૂરિ મહારાજને પૂછ્યું કે, આ માનવ ઉપર મને અતિશય પ્રીતિ કેમ થાય છે? સૂરિજીએ કહ્યું કે, કૌશામ્બી નામની નગરીમાં વિજય નામના રાજાને વિજય અને વૈજયન્ત નામવાળા બે પુત્રો હતા. બાલ્યાવસ્થામાં જ તેઓની માતા મૃત્યુ પામી. અનુક્રમે આ બન્ને બાળકો યુવાન થયા. રાજા બીજી રાણી પરણ્યા. અને પુત્રોને યુવા-અવસ્થાવાળા જોઈને યુવરાજ પદે અભિષેક કરવાની ઇચ્છા રાજાની થઇ. તે જોઈ શોક્યમાતા ઈર્ષાના કારણે તે બન્નેની હત્યા કરવા માટે વિચારવા લાગી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org