________________
મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદ : આ કારણોને લઈને આઠ પ્રકારનાં કર્મોના બંધના કારણે તેના ફળ સ્વરૂપે આ ચારગતિમય-સંસારમાં આપણે અનાદિકાળથી ભટકી રહ્યા છીએ.
સંસારના સુખાદિ ઉપરના તીવ્ર રાગને અને સંસારના દુઃખાદિ ઉપરના તીવ્ર દ્વેષને લઈને આત્માની જે રાગાદિની પરિણતિ છે; તેને સામાન્યથી મિથ્યાત્વ કહેવાય છે. એ મિથ્યાત્વની પરિણતિના કારણે શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચન ઉપર જીવને શ્રદ્ધા થતી નથી. સંસારના સુખાદિ ઉપર ભયંકર એવી આસક્તિ હોય છે અને દુઃખાદિ ઉપર ભયંકર(ઉત્કટ) દ્વેષ હોય છે. તેથી સુખાદિને પામવા અને દુઃખાદિને ટાળવા એ જીવો ગમે તે કરતાં અચકાતા નથી. ગમે તેને તેઓ દેવ માને, ગમે તેને ગુરુ માને અને ગમે તેને તેઓ ધર્મ માને; એટલું જ નહિ શુદ્ધ એવા દેવ, ગુરુ અને ધર્મને પણ સંસારના સુખને પામવા અને દુઃખને દૂર કરવા આરાધતા હોય છે. મોક્ષની વાત જ નહિ. સુખ જ ગમે, દુઃખનું તો નામ પણ ન ગમે; પાછું એનું દુઃખ પણ ન હોય. સંસારના સુખને અને સુખના સાધનાદિને ઉપાદેય (ગ્રહણ કરવા યોગ્ય) માને અને દુઃખ કે દુઃખના સાધનાદિને હેય માનીને રાત-દિવસ તેને દૂર કરવાનો તેઓ પ્રયત્ન કરતા હોય છે. લૌકિક અને લોકોત્તર, હેય અને ઉપાદેય, હિત અને અહિત, ઇત્યાદિના વિવેકથી રહિત એવા તે મિથ્યાત્વી જીવો હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org