________________
૨૦૮
જિનમાર્ગનું અનુશીલન સમસ્યાઓના ઉકેલ માટે સદા ય એમની સલાહ લેવાતી. રાજકાજના રસિયા આ. મંત્રીશ્વર જેનધર્મની ધર્મકરણીના પણ ઠીકઠીક રસિયા હતા. એક શ્રાવકને છાજતાં નિત્ય-નિયમો અને ધર્મકાર્યોનું આચરણ કરવામાં એ સદા ય તત્પર રહેતા. તેમણે પોતાની ધર્મભાવનાના પ્રતીક રૂપે પાટણમાં એક “સાન્તવસહિકા' નામનું જિનમંદિર પણ બંધાવ્યું હતું.
એક દિવસનો સમો છે. મંત્રીશ્વર શાન્ત મહેતા હાથી ઉપર બેસી રાજવાડીએથી પાછા ફરતા હતા. વચમાં સાનુવસહિકા જિનમંદિર આવ્યું અને દેવાધિદેવ વીતરાગજિનેશ્વરને નમસ્કાર કરવાની મંત્રીશ્વરને ભાવના થઈ આવી. એ હાથીના હોદ્દેથી નીચે ઊતર્યા અને વિધિપૂર્વક દેવમંદિરમાં દાખલ થયા. પણ અંદર પ્રવેશ કરતાં જ જે દશ્ય એમણે નિહાળ્યું એથી એ ક્ષણભર સ્તબ્ધ થઈ ગયા. એમણે જોયું કે શ્વેતવસ્ત્રધારી ચૈત્યવાસી યતિ કામુકતાભર્યા પ્રેમના આલાપ-સંલાપમાં ભાન ભૂલી એક વારવનિતા(વેશ્યા)ના ગળામાં હાથ નાખી એને આલિંગન આપી અશ્લીલ ચેષ્ટાઓ કરતો હતો – અને તે પણ એક જિનેશ્વરદેવના મંદિરમાં! મંત્રીશ્વરની વિમાસણનો કોઈ પાર ન રહ્યો; તેમને થયું પરમાત્મા મહાવીરદેવે સંઘવ્યવસ્થા કરતી વેળા જેના ઉપર શાસનની ધુરાને વહન કરવાની જવાબદારી મૂકી, એ યતિ-સમુદાયની આવી અધોગતિ ? તો પછી એ શાસનની ધુરાના કેવા બેહાલ થવાના? જેમ નાગણી પોતાનાં જ બચ્ચાંઓને ખાઈ જાય છે, તેમ ધર્મના પાલણહાર અને રાખણહાર ગણાતા ગુરુ જ જો ધર્મનું આવું ભક્ષણ કરે તો પછી ધર્મમાર્ગનું રક્ષણ થાય જ શી રીતે ? જોયેલું દિશ્ય એવું કારમું હતું કે મંત્રીશ્વરના દુઃખનો કંઈ પાર ન રહ્યો. પણ દુઃખમાં ભાન ભૂલે એવા એ મંત્રીશ્વર ન હતા. સમયસૂચકતા અને વિચક્ષણતા એ શાન્ત મહેતાના ખાસ ગુણો હતા. એમણે શાસનના ભાવી લાભનો વિચાર કર્યો અને ઝેર જેવો કડવો ઘૂંટડો ગળે ઉતારતા હોય એમ એ કટુ પ્રસંગને ગળી જઈને પોતાના હૃદયને સ્વસ્થ બનાવી દીધું. તેમણે બળના બદલે કળથી ને આવેશના બદલે શાંતિથી કામ લેવાનો નિર્ણય કર્યો.
બીજી બાજુ પેલા ચૈત્યવાસીની ભોંઠપનો પણ કોઈ પાર ન હતો; આખર તો એ પણ એક માનવી જ હતો નેઅને ત્યાગ-માર્ગના પ્રતીક સમા સાધુજીવનનાં વસ્ત્રો એની કાયાને શોભાવતાં હતાં ને ! આવી અશ્લીલ પ્રેમચેષ્ટા કરતાં પકડાઈ જવા કોઈ પણ માનવી તૈયાર ન જ હોય ! એ પણ મનમાં ને મનમાં લાજી મરતો હતો. શરમના માર્યા એની આંખો જાણે જમીન ઉપર જડાઈ ગઈ હતી અને એ પોતે જાણે નિચેતન બનીને પૂતળા જેવો સ્થિર બની ગયો હતો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org