________________
૪૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કરતી નથી, કરાવતી નથી, પણ જીવ પોતે જ પરનું અવલંબન લઈ સુખી-દુઃખી થાય છે. પરિસ્થિતિમાં પરિવર્તન લાવવું તે શાંતિ પ્રાપ્ત કરવાનો ઉપાય નથી એમ હવે તેને સમજાય છે. ઇન્દ્રિયોથી જે જણાય છે તે સર્વ પૌગલિક છે, પર છે અને તેમાં થતા પરિવર્તનથી જીવને કંઈ પણ લાભ કે નુકસાન થતું નથી, કારણ કે બન્ને દ્રવ્ય સ્વતંત્ર છે - આવો નિર્ણય થયો હોવાથી પરમાં થતાં પરિવર્તનોના માત્ર દ્રષ્ટા થઈને રહેવાનું તે ઉચિત સમજે છે. વસ્તુસ્વતંત્રતાનો નિર્ણય થતાં તે પોતાનાં તથા અન્યનાં કાર્યોમાં અન્યોન્ય આરોપ કરતો નથી અને તેને યથાર્થરૂપે જોવાનો અભ્યાસ કરે છે. વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિથી પોતે ભિન્ન જ્ઞાયકસ્વભાવી ચૈતન્યદ્રવ્ય છે એવું સ્મરણ સતત રાખવું તેને કર્તવ્યરૂપ લાગે છે.
સદ્ગુરુના બોધનો વારંવાર વિચાર કરવાથી મુમુક્ષુ જીવને સ્વતત્ત્વની ઓળખાણ થાય છે કે જેમ સાચા ચમકદાર હીરાનું મૂલ્ય ગમે ત્યાં અને ગમે તે સંજોગોમાં એકસરખું જ રહે છે, તેમ ચૈતન્યહીરો ગમે તે શરીર વચ્ચે, ગમે તે સંયોગો વચ્ચે હોય તો પણ તેના ચૈતન્યદ્રવ્યનું મૂલ્ય એકસરખું જ છે. અનાદિ કાળથી નિજ શુદ્ધ આત્માને જાણ્યા વિના અનંત દુઃખ ભોગવ્યાં, પરંતુ અનંત શક્તિસંપન ચૈતન્યસ્વભાવ જેવો છે તેવો જ રહ્યો છે. તે ક્યારે પણ અન્યથા થતો નથી, તેમજ તે પરભાવથી લપાતો નથી. તે કદી વિભાવરૂપ થતો જ નથી, કારણ કે રાગાદિ વિભાવભાવોનો આત્મસ્વભાવમાં પ્રવેશ થતો નથી. તેને પોતાના ચૈતન્યસ્વભાવ અને રાગની ભિન્નતાનું ભાન થાય છે. તે ત્રિકાળી શુદ્ધ સ્વભાવ અને પોતાની વિકારી અવસ્થાનું ભેદજ્ઞાન કરે છે કે ‘મારો આત્મા પૂર્ણ શુદ્ધ છે. રાગાદિ વિકારી ભાવ મારા સ્વભાવમાં નથી. જો આ રાગાદિ ભાવને આત્મભાવ માનવામાં આવે તો એને ત્રણે કાળ આત્માથી જુદા કરી શકાય નહીં; પણ એને આત્માથી અલગ કરી શકાય છે, તેથી એ આત્મભાવ નથી. મારી વર્તમાન પર્યાયમાં રાગાદિ ભાવ છે, તોપણ એ આત્માના સ્વભાવભાવ નથી; વિભાવભાવ છે, વિકાર છે. વિકાર આત્મવસ્તુમાં જ ઉત્પન્ન થતા હોવા છતાં તે આત્મવસ્તુ કદાપિ નથી. જેમ ફોડલાં દેહમાં જ ઉત્પન્ન થાય છે, પણ તે દેહ નથી, દેહનાં અંગોમાં તેની ગણના કરવામાં આવતી નથી, તે તો માત્ર દેહની તત્કાલીન વિકૃતિ છે; તેમ રાગાદિ ક્ષણિક ભાવો મારો સ્વભાવ નથી. હું રાગાદિ વિકારી ભાવરૂપ નથી. વિકાર તો આવે છે અને જાય છે, હું તે વિકારથી સર્વથા ભિન્ન છું. ગઈ કાલે ક્રોધ હતો અને હું હતો. આજે ક્રોધ નથી પણ હું છું. ક્રોધ નથી ત્યારે પણ હું તો છું. જ. ક્રોધ તો ચાલ્યો ગયો અને હું તો હજી વિદ્યમાન છું. તેથી સિદ્ધ થાય છે કે વિકારી ભાવ અને હું બન્ને પરસ્પરથી ભિન્ન છીએ. જે ગયા તે હું નથી અને જે આવવાના છે તે પણ હું નથી. હું તો તે છે કે જે જતો-આવતો નથી. આવવાજવાવાળા તો મહેમાન હોય છે, ઘરવાળા નહીં. હું મહેમાન નથી, ઘરવાળો છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org