________________
૬િ૬૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
તેનો અધ્યાત્મવાદ છે. આત્માના અસ્તિત્વમાં દઢ વિશ્વાસ અને તેના મૂળ સ્વરૂપને જાણવાની ઇચ્છા એ જ માનવજિજ્ઞાસાનું લક્ષ્ય છે. આ આધ્યાત્મિક લક્ષ્ય ભારતીય દર્શનોને તેનાં નીતિશાસ્ત્ર અને ધર્મના ક્ષેત્રથી ઉપર ઉઠાવે છે.
મુક્તિનો માર્ગ હંમેશાં આત્મવિકાસનો માર્ગ મનાયો છે અને મોક્ષને અંતિમ આદર્શ માની તેની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ કરવા માટે ભારતીય તત્ત્વજ્ઞાન શીખ આપે છે. પ્રો. હિરિયાણા લખે છે કે –
“ભારતીય તત્ત્વજ્ઞાનનાં સર્વ દર્શનોમાં આ બે તત્ત્વો સમાન છે - મોક્ષને અન્તિમ આદર્શ માની તેની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ; અને તેની સિદ્ધિ માટે બતાવેલી સાધનામાં રહેલી ત્યાગ અને સંન્યાસની ભાવના. આ બે વસ્તુઓ એમ સૂચવે છે કે ભારતવર્ષમાં જેને તત્ત્વજ્ઞાન માન્યું છે તે નર્યો બુદ્ધિવાદ નથી તેમ નર્યો નીતિધર્મ પણ નથી. એ તત્વજ્ઞાન બુદ્ધિવાદ અને નીતિધર્મ બંનેને પોતાના સ્વરૂપમાં સમાવી લે છે; પણ એટલેથી ન અટકતાં આગળ જાય છે.”
વ્યક્તિનો પ્રયત્ન ઉચ્ચતર પરમાનંદની પ્રાપ્તિનો છે. તે પરમાનંદનું સ્વરૂપ દરેક દર્શનમાં ભલે ભિન્ન હોય, તેની પ્રાપ્તિ માટેના માર્ગો પણ ભિન્ન બતાવ્યા હોય, છતાં પશ્ચિમના દેશોની જેમ ભારતમાં માત્ર જ્ઞાન ખાતર જ્ઞાન નહીં, પણ મોક્ષપ્રાપ્તિ માટે જ્ઞાનપ્રાપ્તિની આવશ્યકતા બતાવી છે. દુઃખમાંથી મુક્ત થવાની ઝંખનાએ ભારતીય દર્શનોને જન્મ આપ્યો છે. તેનો ઉદ્દેશ જગતનાં પ્રાણીઓને દુઃખમુક્તિનો માર્ગ દેખાડવાનો છે. દુઃખ અને અજ્ઞાનથી મુક્ત કરે એ જ સાચું જ્ઞાન. જ્ઞાનપ્રાપ્તિ દ્વારા જ અંતિમ આદર્શ સિદ્ધ થાય છે. ચાર્વાક દર્શન સિવાય સહુ આ મંતવ્યને ટેકો આપે છે.
ભારતીય વિચારકો એકી અવાજે કહે છે કે દુઃખ છે, દુઃખનું કારણ છે, દુઃખનો સમૂલ નાશ શક્ય છે (મોક્ષ) અને દુ:ખનો સમૂલ નાશ કરવાનો ઉપાય છે. અવિદ્યા અથવા અજ્ઞાન સર્વ દુઃખ અને અનિષ્ટોનું મૂળ છે અને વિદ્યા અથવા જ્ઞાન તેમાંથી મુક્તિ અપાવે છે. આ અજ્ઞાન જ માનવીને સંસારપાશમાં જકડી રાખે છે. એ અજ્ઞાન દૂર કરી સમ્યજ્ઞાન કરાવવાનો ભારતીય તત્ત્વજ્ઞાનનો આદર્શ છે. જ્ઞાનપ્રાપ્તિ થયા પછી જાત અને જગત પ્રત્યેની દૃષ્ટિ જ બદલાઈ જાય છે. દરેક દર્શન તે જ્ઞાનપ્રાપ્તિ માટેનાં સાધનોનું તથા સાધનામાર્ગનું નિરૂપણ કરે છે.
આધ્યાત્મિક અનુભવ ઉપર વિશેષ ભાર મૂકવા છતાં બૌદ્ધિક કસોટીમાં પાર ઊતરે એવાં અનેક સત્યોનું ભારતીય દર્શન નિરૂપણ કરે છે. ભારતીય તત્ત્વજ્ઞાનનું મૂળ સ્વના સાક્ષાત્કારમાં હોવા છતાં તે તર્ક અને દલીલને યોગ્ય સ્થાન આપે છે. શ્રી ૧- પ્રો. હિરિયાણા, ‘ભારતીય તત્ત્વજ્ઞાનની રૂપરેખા', પૃ.૨૮ (ગુર્જરાનુવાદ : ડૉ. ઇન્કલાબહેન
ઝવેરી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org