________________
૬૩૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન
બરાબર લાગતી નથી. દર્શનશાસ્ત્ર સાથે સંકળાયેલી કેટલીક દાર્શનિક સમસ્યાઓનો યોગ્ય ઉકેલ પણ મીમાંસા દર્શન આપી શકતું નથી. વૈદિક ધર્મનું જે સ્વરૂપ મીમાંસા દર્શનમાં વ્યક્ત થયેલ છે તે પણ અવિકસિત છે. તેમાં કર્મકાંડનું મહત્ત્વ એટલું વિશેષ જણાવ્યું છે કે દેવતાઓનું સ્થાન બિલકુલ ગૌણ બની જાય છે. કર્મ અને ઈશ્વર વચ્ચેનો કોઈ સંબંધ સ્થાપી ન શકવાના કારણે તે માણસની ખરી ધાર્મિક ભાવનાને પણ સંતોષી શકતું નથી.
બાહ્મણથી જ બધાં કર્મકાંડ થઈ શકે તેવો એકાધિકાર રચવામાં આ દર્શને મુખ્ય ભાગ ભજવ્યો છે. વળી, શૂદ્રો પ્રત્યે અસહનીય ઉપેક્ષા તથા તિરસ્કાર ઊભા કરવામાં આવ્યાં છે. પરિણામે જ્યાં સુધી ધાર્મિક સમાજ ઉપર મીમાંસકોનું વર્ચસ્વ રહ્યું ત્યાં સુધી શૂદ્રોનું અતિશય દમન થતું રહ્યું. આ દર્શને ઊંચ-નીચના ભેદો ઊભા કર્યા અને વ્યર્થ ક્રિયાઓ પાછળ સમાજને લગાડીને તેનાં ધનનો, સમજણનો અને સમયનો નાશ કર્યો એવો અનેક આલોચકોનો મત છે. દેશને પંગુ બનાવવામાં અને સમાજમાં સમાનતાની ભૂમિકા ન થવા દેવામાં તેમને મીમાંસકો મુખ્ય કારણરૂપ લાગ્યા છે. વળી, મીમાંસા દર્શને હિંસાને ખૂબ ઉત્તેજન આપ્યું છે. પશુબલિ, પશુહિંસા તથા બલિનાં જુદાં જુદાં અંગોને કેવી રીતે હોમવાં તેનાં લાંબા વિધિ-વિધાનો તેનાં શાસ્ત્રોમાં છે. કર્મકાંડ તથા પશુબલિ વિરુદ્ધ જે દર્શનોની પ્રક્રિયા શરૂ થઈ તે આ જ કારણે લોકોમાં વિશેષ સ્વીકાર્ય બન્યાં. તેથી વૈદિક ધર્મના પતનમાં અને જૈન તથા બૌદ્ધ ધર્મના ઉદયમાં મીમાંસકો જ મુખ્ય કારણ છે એવો ટીકાકારોનો મત છે.
દાર્શનિક દૃષ્ટિએ વિચારકોને પૂર્વ મીમાંસાનું મૂલ્ય ભલે ઓછું જણાય, પરંતુ વ્યાવહારિક દૃષ્ટિએ તેનું ઘણું મહત્ત્વ છે. મીમાંસા સાહિત્યમાંથી નિત્ય-નૈમિત્તિક કર્મોની વ્યવસ્થા કરવાવાળું સ્મૃતિ સાહિત્ય તેમજ વર્તમાન કાળમાં પણ હિંદુઓનાં બધાં ધર્મકર્મ ceremonies and rituals)નાં વિવેચન અને નિર્દેશ મળે છે. ‘મીમાંસા' શબ્દ જ એમ સૂચવે છે કે તેનું કાર્ય વૈદિક કર્મોની શાસ્ત્રીય વ્યાખ્યા આપી વૈદિક શબ્દોનું યોગ્ય અર્થઘટન કરવાનું છે અને તે અનુસાર વિધિ-વિધાન ગોઠવવાનું છે. વળી, ‘શબ્દ' (પ્રમાણ) વિષેનો મીમાંસાનો સિદ્ધાંત ભાષાશાસ્ત્રની દષ્ટિએ મહત્ત્વનો છે. વિરોધી વાક્યોમાં એકવાક્યતા સાધવા માટેની પ્રક્રિયા મીમાંસા દર્શને દર્શાવી છે. વેદાંત પણ અર્થઘટન માટે મીમાંસા દર્શનને પ્રમાણ માની સ્વીકારે છે, એ જ તેનું મહત્ત્વ બતાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org