________________
૬૩૬
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન મીમાંસકોના મત અનુસાર મોક્ષની અવસ્થામાં આત્મા શરીર, ઇન્દ્રિય, મન વગેરે બધાં બંધનોથી મુક્ત થાય છે અને એક વાર એ બંધનોનો નાશ થવાથી ફરીથી તે સંસારચક્રમાં ફસાતો નથી. શરીર, ઇન્દ્રિય તેમજ મનથી પૃથક થવાથી મુક્ત આત્મામાં ચૈતન્યનો વાસ રહેતો નથી અને પરિણામે તે સુખ-દુઃખના અનુભવથી પર રહે છે. અહીં મોક્ષાવસ્થાને નિષેધાત્મક રીતે તમામ સુખ તથા દુઃખ ઉભયથી રહિત વર્ણવવામાં આવેલ છે. આત્માનો આત્માથી અન્ય વસ્તુઓ સાથેનો સંબંધ એ જ બંધન છે. તેમાંથી હંમેશને માટે છૂટી જવું તે મુક્તિ. મોક્ષમાં જ્ઞાન, સુખ, દુઃખ જેવા આત્માના તમામ વિશિષ્ટ ગુણો લોપ પામે છે. તેમાં આત્માને પોતાનું જ્ઞાન પણ હોતું નથી, કારણ કે મનની પ્રવૃત્તિ તે સમયે બંધ પડે છે. આમ, મોક્ષ એટલે આત્માની સ્વાભાવિક અવસ્થાની પ્રાપ્તિ.
પૂર્વના મીમાંસકોના મત પ્રમાણે મોક્ષ એ નિર્વાણ અથવા નિષેધરૂપ સ્થિતિ છે. તેમાં જ્ઞાન વિનાનું અસ્તિત્વ અને સુખ તથા દુ:ખ બન્નેનો અભાવ હોય છે. પરંતુ પાછળથી મીમાંસકોએ મોક્ષનો જે ખ્યાલ રજૂ કર્યો તેમાં વેદાંત દર્શનના ખ્યાલને મળતો ‘આનંદની અનુભૂતિ એ મોક્ષ' એવો ખ્યાલ છે. (૨) મોક્ષ ઉપાય
મીમાંસા દર્શનનો મુખ્ય ઉદ્દેશ ધર્મની વ્યાખ્યા આપી આચારમીમાંસા રજૂ કરવાનો છે. આથી તેને વૈદિક ધર્મની સ્થાપનામાં વિશેષ રસ છે. તે વેદને નિત્ય અને અપૌરુષેય માને છે. વેદવિહિત ધર્મ તથા શાશ્વત અને નિત્ય વૈદિક વિધિવાક્યોનો પ્રશ્ન પ્રધાન છે. કર્તવ્ય-અકર્તવ્યનો નિર્ણય તેમજ તદનુસાર ઉત્તમ જીવન કઈ રીતે જીવવું તેની તે વિચારણા કરે છે. વેદની માન્યતાનો સ્વીકાર કરી, મીમાંસા કયાં કયાં કર્મો કરવાં અને કયાં કયાં કર્મોનો ત્યાગ કરવો તથા શા માટે ત્યાગ કરવો તે બાબતનું નિરૂપણ કરે છે. તેના મત પ્રમાણે મોક્ષપ્રાપ્તિ માટે જ્ઞાન એ ગૌણ કારણ છે, પ્રધાન કારણ કર્મ છે. કર્મનાં અનુષ્ઠાન વેદ અનુસાર કરવા યોગ્ય છે. વૈદિક કર્મકાંડ એ જ ધર્મ છે. વેદના આદેશોનું પાલન કરવામાં આવે તે ઉત્તમ જીવન છે. મીમાંસકો કર્મોનું વર્ગીકરણ આ પ્રમાણે કરે છે – ૧) નિત્ય કર્મ – દૈનિક પ્રાર્થના, સ્નાન, પૂજા, સંધ્યાવંદન વગેરે કરવાં જરૂરી છે. એ કરવાથી પુણ્ય ન મળે, પણ ન કરવાથી પાપ જરૂર લાગે છે. ૨) નૈમિત્તિક કર્મ – વિશેષ પ્રસંગે થતાં કર્મો, જેવાં કે રહણ વખતે સ્નાન, જન્મમૃત્યુનાં સૂતક, શ્રાદ્ધ વગેરે. એ કરવાથી વિશેષ લાભ નથી, પણ ન કરવાથી પાપ લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org