________________
૬૩૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તેને પ્રત્યક્ષ તો નહીં કહી શકાય, કારણ કે અભાવ કોઈ વસ્તુ નથી કે જેનો ઇન્દ્રિય દ્વારા સંયોગ થઈ શકે. પુસ્તક પ્રત્યક્ષ થઈ શકે, પણ પુસ્તકનો અભાવ પ્રત્યક્ષ ન થઈ શકે. માટે પુસ્તકના અભાવનું જ્ઞાન “અનુપલબ્ધિ' દ્વારા થાય છે એમ શ્રી કુમારિક ભટ્ટનો મત છે. અનુપલબ્ધિ એ અનુમાન પણ નથી, કારણ કે ઉપરના દાખલામાં કદાચ એમ માનવામાં આવે કે પુસ્તકના અભાવનું પુસ્તક નહીં જોવાથી અનુમાન થાય છે, તોપણ તે અસંગત છે, કારણ કે અદર્શન અને અભાવ વચ્ચે વ્યાપ્તિ સંબંધ (અર્થાત્ જે જે વસ્તુ દેખાય નહીં તેનો અભાવ હોય છે) પણ નથી. અનુપલબ્ધિ શબ્દપ્રમાણ કે ઉપમાન પ્રમાણ પણ નથી, કારણ કે તેનું જ્ઞાન આપ્તવાક્ય કે સાદશ્ય દ્વારા પણ થતું નથી. આથી અનુપલબ્ધિને સ્વતંત્ર પ્રમાણ માનેલું છે. શ્રી પ્રભાકર મિશ્ર અનુપલબ્ધિપ્રમાણને સ્વીકારતા નથી. એનું કારણ એ કે અનુપલબ્ધિનો જે એકમાત્ર વિષય છે તે અભાવને જ તેઓ નકારે છે. તેઓ અભાવની સ્પષ્ટતા તેની સાથે સંકળાયેલા ભાવાત્મક પદાર્થો દ્વારા કરે છે.
(III) તત્ત્વમીમાંસા
તત્ત્વમીમાંસાની દૃષ્ટિએ જોતાં મીમાંસા દર્શન વસ્તુવાદ (realism) તથા બહુતત્ત્વવાદ(pluralism)નું સમર્થન કરે છે. પદાર્થની વિચારણા કરતાં જણાય છે કે ન્યાય-વૈશેષિક દર્શનમાં દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ એમ સાત પદાર્થો માનેલા છે, પરંતુ મીમાંસા દર્શન તેમાંથી દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય તથા અભાવ એમ પાંચ જ પદાર્થનો સ્વીકાર કરે છે. બાકીના બે પદાર્થો - સમવાય અને વિશેષને માત્ર કલ્પિત પદાર્થો ગણીને નકારે છે. મીમાંસકોએ કરેલી જીવ, જગત અને ઈશ્વરની વિચારણા હવે જોઈએ – (૧) આત્મા વિષે વિચાર
મીમાંસા દર્શનના મત અનુસાર દેહ, ઇન્દ્રિય અને મનથી ભિન્ન, સ્થિર એવો આત્મા અસ્તિત્વ ધરાવે છે. આ આત્મા દ્રવ્ય છે અને તે ચૈતન્ય ગુણનો આધાર છે. ચેતના એ આત્માનો સ્વાભાવિક નહીં પણ આગંતુક ગુણ (accidental attribute) છે. આત્મા સ્વભાવથી અચેતન છે, પરંતુ મન અને ઇન્દ્રિયોના સંસર્ગમાં આવવાથી તેમાં ચૈતન્ય ઉત્પન્ન થાય છે. સુષુપ્ત અવસ્થામાં તથા મોક્ષ અવસ્થામાં આ સંયોગનો અભાવ હોવાથી તે જ્ઞાનશૂન્ય બની જાય છે. મીમાંસકોનો આ આત્મવિષયક વિચાર ન્યાય-વૈશેષિક દર્શનને મળતો આવે છે.
તેમના મત પ્રમાણે આત્મા અમર છે. તેની ઉત્પત્તિ કે વિનાશ નથી. તે બુદ્ધિ તથા ઇન્દ્રિયોથી પર છે, કારણ કે બુદ્ધિ તથા ઇન્દ્રિયો વગેરે અનિત્ય છે, જ્યારે આત્મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org