________________
ષડ્રદર્શનપરિચય - યોગ દર્શન
૬૨૩
વાયુના ચાંચલ્યના કારણે ચિત્તમાં ચંચળતા આવે છે. પૂરક, કુંભક અને રેચક એવાં પ્રાણાયામનાં ત્રણ અંગોનો અભ્યાસ કરવાથી ચિત્તમાં ધીમે ધીમે એકાગ્રતા આવવા લાગે છે. પ્રાણાયામનો પદ્ધતિસર અભ્યાસ કરવાથી શારીરિક સ્વાથ્ય, મન સ્થિરતા અને અંતરંગ શાંતિ સધાય છે. ૫) પ્રત્યાહાર – ઇન્દ્રિયોને તેના વિષયોમાંથી પાછી વાળી અંતર્મુખ કરવી તે પ્રત્યાહાર છે. પ્રત્યાહારમાં સાધક શબ્દાદિ વિષયમાં જોડાયેલી ઇન્દ્રિયોને રોકીને તે ઇન્દ્રિયોને આત્માને અનુસરનારી કરે છે. પ્રત્યાહાર સિદ્ધ થવાથી સાધકને ઇન્દ્રિયો સંપૂર્ણ વશ થાય છે. અત્યંત દઢ સંકલ્પ અને ઇન્દ્રિયનિગ્રહથી રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શનો કોઈ પણ પ્રભાવ મન ઉપર પડતો નથી.
ઉપર જણાવેલ યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર એ પાંચ અંગો બહિરંગ છે એટલે કે તે બાહ્ય ક્રિયા સાથે સંબંધ ધરાવે છે; જ્યારે ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણ અંતરંગ સાધનો છે. ૬) ધારણા – કોઈ પણ એક વિષય ઉપર મનને કેન્દ્રિત કરવું તે ધારણા છે. ધારણા એ અભીષ્ટ વિષય ઉપર ચિત્તની એકાગ્રતાની ક્રિયા છે. આ વિષય બાહ્ય પદાર્થ પણ હોઈ શકે, જેમ કે સૂર્ય, ચિત્ર, મૂર્તિ વગેરે અને પોતાના શરીરમાં પણ હોઈ શકે, જેમ કે નાભિ, હૃદય વગેરે. આમ, અમુક ખાસ વિષયમાં ચિત્તનો દઢ સંબંધ સ્થાપવો તે ધારણા છે. ૭) ધ્યાન – ધારણા દીર્ઘ કાળ પર્યત અખંડ ટકી રહે તે ધ્યાન છે. ધ્યાન એટલે વધુ ઊંડી એકાગ્રતા. ધ્યાનાવસ્થામાં મન અન્ય વિષયોમાં ભમતું અટકી જાય છે, ચિત્તને જે તરફ પ્રેર્યું હોય તેનું જ ભાન રહે છે અને બીજું બધું ભુલાઈ જાય છે. આમ, ચિત્તવૃત્તિની એકતાનતાને ધ્યાન કહેવાય છે. ૮) સમાધિ – ધ્યાન જ્યારે એટલું ઊંડું અને ઉત્કટ બને કે ધ્યાતા અને ધ્યેય બને એકરૂપ થઈ જાય તે સમાધિ છે. ધ્યાન જ્યારે બાહ્ય સ્વરૂપરહિત બનીને પોતાના ધ્યેયસ્વરૂપે જ પ્રકાશવા લાગે તે સ્થિતિને સમાધિ કહે છે. મન આ અવસ્થામાં ધ્યેયરૂપ બની જાય છે. સમાધિ અવસ્થામાં આત્મા-પરમાત્મા વચ્ચેનો, જ્ઞાતા-જોય વચ્ચેનો ભેદ દૂર થઈ જાય છે. સમાધિ એ ધ્યાનનો પ્રકર્ષ છે. ધ્યાનકાળે ધ્યેયનું અને તેના જ્ઞાનનું ભાન સાધકને હોય છે, જ્યારે સમાધિકાને કેવળ ધ્યેયનું જ ભાન સાધકને હોય છે. આના પરિણામે વિવેકજ્ઞાનનો ઉદય થાય છે.
સમાધિની પ્રાપ્તિમાં મુખ્ય નવ પ્રકારનાં અંતરાયો (વિનો) બતાવવામાં આવ્યાં છે. તે આ પ્રમાણે - ૧) વ્યાધિ (રોગ), ૨) માનસિક જડતા (કામ કરવાની અનિચ્છા),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org