________________
૬૧૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
સ્વરૂપ છે. વાસ્તવિક રીતે તે શરીરનાં બંધનો અને માનસિક વિકારોથી મુક્ત છે, પણ અજ્ઞાનના કારણે તે ચિત્તની સાથે પોતાનું તાદામ્ય કહ્યું છે. ચિત્ત (બુદ્ધિ) પ્રકૃતિનો પ્રથમ વિકાર છે, જેમાં રજો ગુણ અને તમો ગુણની ઉપર સત્ત્વ ગુણની પ્રબળતા રહેલી છે. ચિત્ત સ્વભાવથી તો જડ છે, પણ આત્માની સૌથી નિકટ સંપર્કમાં હોવાના કારણે તે આત્માના પ્રકાશથી પ્રકાશિત થાય છે. જ્યારે ચિત્તનો કોઈ પણ વિષય સાથે સંપર્ક થાય છે ત્યારે તે, તે જ વિષયનો આકાર ધારણ કરી લે છે. આ વિષયોને અનુરૂપ ચિત્તવિકારો દ્વારા આત્માને વિષયોનું જ્ઞાન થાય છે. જો કે આત્મામાં પોતાનાં કોઈ વિકાર કે પરિણામ હોતાં નથી, તોપણ પરિવર્તનશીલ ચિત્ત-વૃત્તિઓમાં પ્રતિબિંબિત થવાના કારણે તેમાં પરિવર્તનનો આભાસ થાય છે.
યોગ દર્શન અનુસાર ચિત્તની વૃત્તિઓ પાંચ પ્રકારની છે - ૧) પ્રમાણ (સત્ય જ્ઞાન), ૨) વિપર્યય (મિથ્યાજ્ઞાન), ૩) વિકલ્પ (કલ્પના), ૪) નિદ્રા (ઊંઘ) અને ૫) સ્મૃતિ (સ્મરણ). જ્યારે ચિત્ત કોઈ વૃત્તિમાં પરિણમે છે, ત્યારે તેના ઉપર આત્માનો પ્રકાશ પડે છે અને તે આત્મસાત્ થઈ જાય છે, એટલે કે આત્માને એમ પ્રતીત થાય છે કે આ મારી જ અવસ્થા છે, તેથી એમ ભાસે છે કે પુરુષ (આત્મા) જ બધું વિચારે છે અને કરે છે. જન્મ, મરણ વગેરે ક્રિયાઓ શરીરની છે. ઊંઘવું, જાગવું વગેરે ક્રિયાઓ મનની છે. ધ્યાન, આગ્રહ, સ્મૃતિ એ બધી મનની વૃત્તિઓ છે. આત્મા આ બધા વિકારોથી પર છે. તે એમાં જોડાયેલો એટલા માટે લાગે છે કે તે ચિત્તમાં પ્રતિબિંબિત થયો છે, જેવી રીતે દર્પણમાં મનુષ્યનું પ્રતિબિંબ પડે છે. - જ્યાં સુધી ચિત્તમાં વિકાર અને પરિણામ હોય છે, ત્યાં સુધી તેના ઉપર આત્માનો પ્રકાશ પડ્યા કરે છે અને વિવેકજ્ઞાનના અભાવમાં આત્મા તેમાં જ પોતાને જોવા લાગે છે. તેના ફળસ્વરૂપે તે સાંસારિક વિષયોથી સુખ-દુઃખનો અનુભવ કરવા લાગે છે અને તેમાં રાગ-દ્વેષના ભાવ કરે છે. આ જ આત્માનું બંધન છે. આ બંધનથી મુક્ત થવા શરીર, ઇન્દ્રિય, મન અને ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવો આવશ્યક છે. જ્યારે કાર્યચિત્તનો ધારાપ્રવાહ બંધ થઈ જાય છે અને તે કારણચિત્તના રૂપ(શાંત અવસ્થા)માં આવે છે, ત્યારે આત્માને પોતાના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થાય છે તથા તે પોતાને આ મન અને શરીરથી ભિન્ન, નિત્ય, મુક્ત, શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં જુએ છે. ચિત્તવૃત્તિઓના નિરોધ વડે જ આત્મસાક્ષાત્કાર કરવો તે યોગ દર્શનનો ઉદ્દેશ છે. (૨) વિશ્વ વિષે વિચાર
સાંખ્ય દર્શનની જેમ યોગ દર્શન પણ સત્કાર્યવાદ સ્વીકારે છે. સત્કાર્યવાદ અનુસાર અસત્ની ઉત્પત્તિ થઈ શકતી નથી અને સત્નો નાશ થઈ શકતો નથી. જે છે જ નહીં તેને ઉત્પન્ન કરી શકાતું નથી. જે અવ્યક્ત રૂપથી છે તે વ્યક્ત અવસ્થામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org