________________
ષદર્શનપરિચય - સાંખ્ય દર્શન
૬૧૧ પ્રકાર સાંખ્ય દર્શને સ્વીકાર્યા છે, જીવન્મુક્તિ અને વિદેહમુક્તિ. જીવન્મુક્ત વ્યક્તિ કાર્યરત રહે છે. તેનાં પ્રારબ્ધ કર્મો તો ચાલુ જ રહે છે, પરંતુ નવા કર્મો તેને બંધનરૂપ નીવડતાં નથી. બુદ્ધિરૂપી ભૂમિમાં ક્લેશરૂપી જળનું સિંચન થવાથી કર્મબીજ અંકુરિત થાય છે, પરંતુ તત્ત્વજ્ઞાનરૂપી ગરમીના કારણે ક્લેશરૂપી જળ સુકાઈ જવાથી પડતર જમીનમાં કર્મબીજ કઈ રીતે ઊગે? નિરપેક્ષ દ્રષ્ટા, સાક્ષીસ્વરૂપ પુરુષ પ્રકૃતિને બરાબર સમજી લે છે અને વિવેકજ્ઞાનના કારણે તે ફરીથી પ્રકૃતિના બંધનમાં પડતો નથી. તે જીવન્મુક્તાવસ્થા છે. સમ્યજ્ઞાન પ્રાપ્ત થતાં ધર્માદિ કારણ અટકી જાય છે, છતાં જ્ઞાની ફરતા ચાકડાની જેમ સંસ્કારને વશ શરીર ધારણ કરતો રહે છે. શરીરનો નાશ થયા પછી તે વિદેહમુક્તિ પ્રાપ્ત કરે છે. દેહનો પાત થતાં કૃતાર્થ થયો હોવાથી, પ્રકૃતિની નિવૃત્તિ થતાં, પુરુષ ઐકાંતિક અને આત્યંતિક એમ બન્ને પ્રકારનું કૈવલ્ય પ્રાપ્ત કરે છે. શ્રી વિજ્ઞાનભિક્ષુના મત મુજબ આ વિદેહમુક્તિ એ જ વાસ્તવિક મુક્તિ છે. સાંખ્યમત મુક્તાવસ્થામાં આનંદનો અનુભવ થાય છે એમ સ્વીકારતો નથી. દુઃખના અભાવમાં સુખની ઉપસ્થિતિ પણ રહેતી નથી. મુક્તાવસ્થામાં પણ એક જીવથી બીજા જીવનો ભેદ રહે છે, માટે જ સાંખ્ય દર્શન મુક્તાવસ્થામાં પણ મુક્ત જીવોની સંખ્યા અનંત માને છે. (૨) મોક્ષ ઉપાય
જો સ્વભાવથી પુરુષ બદ્ધ જ હોય તો તે ક્યારે પણ મુક્ત થઈ શકે નહીં અને જો તે સ્વભાવથી મુક્ત જ હોય તો મોક્ષ માટે પ્રયત્નો કરવા વ્યર્થ છે. સાંખ્યમત અનુસાર પુરુષ ન તો બદ્ધ છે અને ન તો બંધનથી મુક્તિ પામે છે. પુરુષ નિત્યમુક્ત છે, શુદ્ધ છે, બુદ્ધ છે. ગુણોથી શૂન્ય છે. પ્રકૃતિ તથા તેનાં પરિણામોથી પોતાને અભિન્ન સમજવાના કારણે બંધનનો ભ્રમ થાય છે. પુરુષનો બંધ અને મોક્ષ કાલ્પનિક છે, વાસ્તવિક નથી. પુરુષ બંધ અને મોક્ષથી પર છે. અવિવેકના કારણે તે બદ્ધ પ્રતીત થાય છે. વિવેકના કારણે તે મુક્ત પ્રતીત થાય છે. બંધ અને મોક્ષ વાસ્તવમાં પ્રકૃતિનો થાય છે. અવિવેકી પુરુષના કારણે પ્રકૃતિનું સક્રિય થવું તે બંધ છે અને વિવેકી પુરુષના કારણે પ્રકૃતિની ક્રિયાનું વિરત હોવું તે મોક્ષ છે. પુરુષ ન બંધનમાં પડે છે, ન બંધનથી મુક્તિ પામે છે. પુરુષનો પ્રકૃતિ સાથે આકસ્મિક સંબંધ થાય છે અને તેથી બંધ ઔપાધિક છે. જેમ સફેદ સ્ફટિક લાલ ફૂલના સંયોગથી લાલ દેખાય છે, તેમ નિત્યશુદ્ધ અને બુદ્ધ પુરુષ બુદ્ધિની વૃત્તિ, દુઃખની છાયા ગ્રહણ કરવાથી બદ્ધ પ્રતીત થાય છે. પુરુષ પરમાર્થે તો દુઃખથી નિત્યમુક્ત છે. દુઃખનું પ્રતિબિબ તેના ઉપર પડવાથી તથા તે પ્રતિબિંબથી પોતે ભિન્ન છે એવું વિવેકજ્ઞાન ન ધરાવતો હોવાથી તે દુઃખનો ભોક્તા દેખાય છે, પરંતુ પુરુષનો બંધ કાલ્પનિક છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org