________________
ષડ્રદર્શનપરિચય - જૈન દર્શન
૫૪૩ છે. બૌદ્ધ દર્શનના અનાત્મવાદની સખત આલોચના કરવામાં જૈન અને વેદાંત એક થઈ જાય છે. આત્મા અનાદિ-અનંત છે એવી વેદાંતની વાતમાં જૈન દર્શન સૂર પુરાવે છે, છતાં જૈન અને વેદાંતી એક નથી. વેદાંતનો ‘એકમેવ અદ્વિતીયવાદ' પણ જૈન દર્શનને માન્ય નથી. વેદાંતની આ માન્યતાના ખંડનમાં સાંખ્ય દર્શનની જેમ જૈન દર્શન પણ આત્માનું અનંતત્વ અને અનાદિત્વ સ્વીકારે છે અને આત્મા(પુરુષ)નું બહુતત્ત્વ સ્વીકારે છે. વળી, સ્વાધીન આત્માની સાથે વળગેલા એક વિજાતીય પદાર્થનું પણ અસ્તિત્વ સ્વીકારે છે. સાંખ્ય અને જૈન દર્શન અને વિજાતીય પદાર્થના વળગાડથી આત્માને છૂટો પાડવો તેને મોક્ષ કહે છે. પરંતુ સાંખ્ય દર્શનમાં શુદ્ધ પરિપૂર્ણ પરમાત્માને સ્થાન નથી. જૈનોના ઈશ્વર જગતના સખા નથી, પણ તે આદર્શરૂપ તો છે જ. આ બાબતમાં તેનામાં અને યોગ દર્શનમાં કિંચિત્ સામ્ય જણાય છે. જૈન દર્શને પણ વૈશેષિક દર્શનની જેમ પરમાણુ, દિશા અને કાળનું અનાદિ-અનંતપણું માન્યું છે. ન્યાય દર્શનની જેમ જૈન દર્શનમાં પણ તકદિ તત્ત્વોની છણાવટ જોવા મળે છે. સ્યાદ્વાદ અથવા સપ્તભંગીનું પ્રતિપાદન કરી યુક્તિવાદના ક્ષેત્રમાં જૈન દર્શન એક અનોખું સ્થાન મેળવે છે. ટૂંકમાં જૈન દર્શન એક સ્વતંત્ર દર્શન છે. તે હિન્દુ ધર્મની કે બૌદ્ધ ધર્મની શાખા નથી. વળી, જૈન દર્શન માત્ર એક સુવ્યવસ્થિત વિચારધારા જ નથી, પરંતુ તેથી વધુ, સંસારનાં બંધનો જેમણે તજી દીધાં છે એવા અનેક જીવોને આધ્યાત્મિક શાંતિ આપતી એક જીવનપ્રણાલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org