________________
૩૯૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
યથાર્થતા દૃષ્ટિગોચર થાય છે. તેમનાં કાવ્યોમાં અલંકારનો પ્રવેશ કૃત્રિમ રીતે થયો નથી અને તેથી તેમની કોઈ પણ રચના ક્લિષ્ટ બની નથી. કર્મબંધનથી દુ:ખી થતા જગતના જીવોનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કારુણ્યવૃત્તિથી પ્રેરાઈને તેમણે આત્મકલ્યાણના લુપ્તપ્રાય માર્ગની સુગમ અભિવ્યક્તિના પ્રયોજન અર્થે જ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું નિર્માણ કર્યું અને એ દરમ્યાન તેમની અદ્ભુત કવિત્વશક્તિ અને ભાષાપ્રભુત્વના કારણે જે અલંકારો સ્વયં ઉપસ્થિત થયા, તેનો યથોચિત ઉપયોગ અનાયાસે થઈ ગયો. તેમના લખાણમાં અલંકાર રાસાયણિક પ્રક્રિયાની જેમ એકરૂપ બની ગયેલા દેખાય છે. શ્રીમાં કાવ્યોમાં વાજ્રાલ કે શબ્દાડંબર અર્થે અલંકાર પ્રયુક્ત થયા નથી અને તેથી જ તેમાં અલંકારોનો ખડકલો જોવા મળતો નથી. અત્યંત અલ્પ સંખ્યામાં અને યથોચિત રીતે તેમના દ્વારા પ્રયોજાયેલ અલંકારોનું પ્રયોજન માત્ર મર્મને વેધક બનાવવાનું જ છે. અલંકારે તેમના કાવ્યને સાર્થક નથી કર્યું, બલ્કે તેમણે અલંકારનો યોગ્ય પ્રયોગ કરી અલંકારને સાર્થકતા બક્ષી છે.
અલંકારથી વાણી શક્તિવંત, સમૃદ્ધ, રમણીય, રસાત્મક, આહ્લાદક અને ચિત્રાત્મક બની, સદ્યસ્પર્શી બને છે. આંતર ચેતનાની સૂક્ષ્મ અને તરલ એવી અનુભૂતિને ભાષા દ્વારા પૂર્ણપણે પ્રગટ કરવાનું કાર્ય સરળ નથી. માત્ર અનુભૂતિનાં વિધાનો દ્વારા કવિતા સિદ્ધ થતી નથી. સંવેદનાનાં સૂત્રો પોકારવાથી તે ઉપદેશ કે ઓઘવાણી બની શકે, પણ સ્વાનુભૂતિનો અનુભવપ્રેરક ઉદ્ગાર ન બને. આવા વખતે અનેક શબ્દોથી ન પડે એવો પ્રભાવ એક ઉચિત અલંકારથી સર્જાય છે. સૂક્ષ્મ એવી અનુભૂતિનું ચમત્કૃતિવાળું, સુંદર, મૂર્ત, ઇન્દ્રિયોને સ્પર્શે એવું રૂપ અલંકારથી પ્રગટ થાય છે; અર્થાત્ અલંકાર રસને અભિવ્યક્ત કરી પાઠકને તેનો અનુભવ કરાવે છે.
પોતાની અનુભૂતિને પ્રગટ કરવા માટે કવિને આપોઆપ અંતરના પ્રેરણાબળે અલંકાર સ્ફુરી આવે છે, તેથી જ અલંકાર કાવ્યનું બાહ્ય અંગ ન રહેતાં સર્જનપ્રક્રિયાનો જ એક અંશ બની જાય છે. કાવ્યસર્જન વખતે કયો અલંકાર કેટલી વાર અને ક્યાં ક્યાં વાપરવો એ અગાઉથી નક્કી થયેલું હોતું નથી. કાવ્યોત્પત્તિની આ એક ગૂઢ અને રહસ્યમય બાબત છે, તેથી અલંકારની સંખ્યા કે તેના પ્રકાર અંગે એટલું જ કહી શકાય કે કવિની કલ્પનાશક્તિને જે જે અલંકાર જ્યારે ઉચિત લાગે, તે તે અલંકાર ત્યારે કાવ્યમાં ઉચિત ગણાય. અલંકારોના અતિપ્રયોગથી કાવ્ય કંઈ વધુ સૌંદર્યવાન બનતું નથી કે અલ્પ પ્રયોગથી તે ઓછું સુંદર કે કદરૂપું બનતું નથી; બલ્કે પૂર્ણ ઔચિત્યથી પ્રયોજાયેલો એક જ અલંકાર જે સિદ્ધ કરી શકે છે, તે કોઈક વાર અનેક અલંકારો પણ સિદ્ધ ન કરી શકે એવું પણ બને. આમ, કયો અલંકાર ક્યાં અને કઈ રીતે વાપરવો એ સર્વ કવિની ઔચિત્યબુદ્ધિ ઉપર આધાર રાખે છે. જ્યાં શ્રીમદ્ જેવી પ્રતિભાવંત
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org