________________
3७८
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ઉપયોગી થાય એવું માર્ગદર્શન આપ્યું છે.
આત્માને વિશુદ્ધ કરવાના વિશિષ્ટ ઉદ્દેશથી લખાયેલ આ પદ્યરત્ન રહસ્યજ્ઞાનનો ભંડાર છે. તેની કાવ્યચમત્કૃતિ અને ઉપદેશપદ્ધતિ ખૂબ અસરકારક છે. આખો ગ્રંથ વિચારબોધક તો છે જ, તેની સાથે કલાત્મક પણ છે. તેમાં તત્ત્વજ્ઞાન, ભક્તિ અને આત્માનુભવના સચોટ નિરૂપણની સાથે સાથે ભાષાની સરળતા અને તેનું લાલિત્ય પણ સ્પષ્ટપણે તરી આવે છે. કાવ્યસાહિત્ય લાગણીને સ્પર્શ કરનારું હોવાથી તે જીવનને રસમય બનાવે છે અને તેમાં પણ આવું અધ્યાત્મલક્ષી કાવ્ય તો જીવન જીવતાં શીખવે છે, ધર્મબુદ્ધિ જાગૃત કરે છે, વિવેક વધારે છે, વૈરાગ્ય પ્રગટાવે છે, ચારિત્રને ઘડે છે. આ રીતે જીવ ક્રમે ક્રમે પોતાનો ઉત્કર્ષ સાધી શુદ્ધ આત્મપદ પ્રગટાવે છે. શ્રીમદ્ભા અંત:કરણમાંથી ફુરેલી અને ગુણતરંગોથી ઊછળતી આ ભવ્ય કાવ્યરૂપ ગંગા કળિકાળના પાપસમૂહને ધોઈ નાખે છે. તેમાં ડૂબકી મારનાર અનેક મનુષ્યો કૃતાર્થ થયા છે, થાય છે અને થશે. તેના અભ્યાસથી તત્ત્વની પ્રાપ્તિ થાય છે, આત્માની સિદ્ધિ થાય છે. સાધકજીવનને સફળ બનાવવા તેનો સ્વાધ્યાય પરમ આધારભૂત છે.
આબાલવૃદ્ધ સમજી શકે તેવી સરળ ભાષામાં રચાયેલ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' આત્મજ્ઞાન થવા માટેનું ખરેખર અભુત અને અમોઘ શાસ્ત્ર છે. આ ગ્રંથ અવશ્ય તત્ત્વજ્ઞાનના સાહિત્યની ગરિમાને વધારવાવાળો છે. જે સ્થાન વૈદિક ધર્મમાં ‘શ્રીમદ્ ભગવદ્ગીતા' પામ્યું છે, તે જ સ્થાન જૈન ધર્મમાં “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' પામી શકે એટલી તેની સમર્થતા છે. તેની એક એક પંક્તિ ગંભીર ભાવોથી ભરેલી છે. શાસ્ત્રોનો મર્મ તારવી શ્રીમદે મોક્ષમાર્ગનું તર્કસંગત અને અનુભવસિદ્ધ પ્રતિપાદન કર્યું છે. તેના અધ્યયનથી જિજ્ઞાસુઓને અખૂટ પ્રેરણા મળશે એમાં કોઈ સંદેહ નથી. સરળ, સચોટ અને પ્રવાહી ભાષાશૈલીમાં લખાયેલો આ ગ્રંથ અધ્યાત્મના અનુરાગીઓને, તત્ત્વજ્ઞાનસમુદ્રના મરજીવાઓને, સંસારસમરાંગણના સુભટોને, સાહિત્યના રસિકોને તેમજ ભાષાક્ષેત્રના અભ્યાસીઓને રસ પડે તેવી સામગ્રીથી સભર હોવાથી તે દ્વારા સર્વને લાભ થાય એમ છે.
| ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો અદ્ભુત મહિમા લક્ષગત થવા અર્થે હવે તેનું સાહિત્યિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન કરીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org