________________
ગાથા-૧૪૨
૩૬૫ વેદના વધતાં - વ્યાકુળતા આદિ વધતાં તે બીજાની મદદ ઇચ્છે છે. તે મૃત્યુથી બચવા દવા, દાક્તર, દીકરાદિનો આશ્રય લે છે. જો કે તે ગમે તેનો આશ્રય લે તોપણ મૃત્યુ જે સમયે, જે સ્થળે, જે રીતે આવવાનું છે તે નિશ્ચિત જ હોય છે. તે રોકવા કોઈ સમર્થ નથી. કોઈ દેવી, દેવતા, ઇન્દ્ર, ચન્દ્ર, નરેન્દ્ર, નાગેન્દ્ર કે જિનેન્દ્ર પણ તેમાં ફેરફાર કરી શકે એમ નથી. મૃત્યુથી કોઈ તેની રક્ષા કરી શકતું નથી. તે મૃત્યુ સમયે દેહને જ વળગી રહેવાની કોશિશ કરે છે. તેની વૃત્તિ દેહમાં જ ચોંટેલી રહે છે. આથી વિપરીત, જ્ઞાની પુરુષને દેહનો વિયોગ થવાનો પ્રસંગ આવે છે ત્યારે તેઓ બીજા કોઈનો આશ્રય કરતા નથી. ભયનો પ્રસંગે ઉપસ્થિત થતાં જેમ કાચબો તુરંત પોતાના અંગો સંકોરી લે છે, તેમ જ્ઞાની પોતાના ઉપયોગને સંકોરીને દેહ સહિત સર્વ સંગને પરિહરે છે. દેહને પકડી રાખવાની તાણ કે તેના વિયોગની વ્યાકુળતા તેમના ચિત્તમાં ઉદ્ભવતી નથી. મૃત્યુ સમયે શાંતિપૂર્વક તેઓ દેહમાંથી વિદાય લે છે. તેઓ શાંતિ અને આનંદપૂર્વક તેમની વર્તમાન દેહપર્યાયનો અંત નિહાળે છે. તેઓ મૃત્યુ સમયે સમાધિ સહિત દેહને છોડે છે, અર્થાત્ સમાધિમરણ કરે છે.
સ્વમાં જ પોતાપણું સ્થાપ્યું હોવાથી જ્ઞાનીપુરુષ નિરંતર શાંતિ અને આનંદમાં રહે છે. તેઓ શાશ્વત આત્માના નિર્વિકારી, અતીન્દ્રિય આનંદમાં લીન રહે છે. નિજ સિદ્ધપદના અનુભવરસથી તેમની પરિણતિ છલોછલ હોવાથી તેમને જગતના પદાર્થો મોહક લાગતા જ નથી. પોતાનો જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા અનુભવમાં આવ્યો હોવાથી બાહ્ય પદાર્થો અને પ્રસંગોમાં તેમને કિંચિત્ પણ સુખ-શાંતિ-સલામતી ભાસતાં નથી. તેમને બહારના બીજા કોઈ પદાર્થના પરિગ્રહનું કે સંકલ્પ-વિકલ્પનું પ્રયોજન હોતું નથી. જ્યારથી સમ્યગ્દર્શન થયું ત્યારથી જ અનંત નિધાનવાળો આત્મા તેમણે પકડી લીધો છે, સર્વસિદ્ધિસંપન્ન એવો ચૈતન્યદેવ તેમને પોતામાં જ જણાયો છે. જેના અનુભવથી, જેના ચિંતનથી, જેની સેવાથી કેવળજ્ઞાન અને સિદ્ધપદ મળે છે એવો આત્મદેવ તેમને પ્રાપ્ત થયો છે, ચૈતન્યચિંતામણિ પ્રાપ્ત થયો છે, તો પછી તેઓ બીજાને શા માટે ચિંતવે? તેઓ પોતાના ધ્યેયરૂપ શુદ્ધાત્માને જ ચિતવે છે, સેવે છે, અન્યને નહીં.
જ્ઞાનીને પૂર્ણાનંદ પ્રભુ પ્રાપ્ત થયો હોય છે, તેથી તેમને બહારના કોઈ પણ પદાર્થની વાંછા રહેતી નથી. સહજ સમાધિના સ્વામી, આત્મામાં જ નિમગ્ન એવા જ્ઞાનીને આત્મામાં જ પરિતોષપણું લાગે છે, તેથી તેમને જગતના પદાર્થો પ્રાપ્ત કરવાની કે ભોગવવાની જરા પણ ઇચ્છા થતી નથી. તેઓ રુચિપૂર્વક કે આયોજનપૂર્વક પરવસ્તુઓનો પરિચય કરવામાં ઉત્સુક બનતા નથી. પરપરિચયમાં તેમની વૃત્તિ ઉદાસીન રહે છે. આવી ઉદાસીન દશાનું જ્વલંત ઉદાહરણ શાસ્ત્રકાર શ્રીમદ્ પોતે જ હતા. તેમની વિદેહી દશાનું દર્શન તેમના શબ્દોમાં કરીએ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org