________________
૩૨૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન વહાલપ-મીઠાશ લાગતી હોય તો તે સમ્યજ્ઞાન નથી, વાચાજ્ઞાન છે. ભાંતિગતપણે સુખસ્વરૂપ ભાસે છે એવા સંસારી પ્રસંગો અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વહાલપ વર્તે છે ત્યાં સુધી તેને જ્ઞાનદશા પ્રગટતી નથી. સાચા સુખ વિષે વાંચવા-સાંભળવાબોલવા છતાં જીવ તે બોધની યથાર્થ પ્રતીતિ તથા તેની નિરંતર જાગૃતિ ન કેળવે તો તેની દશા બદલાતી નથી. આમ, સમ્યજ્ઞાનીની અને વાચાજ્ઞાનીની દશામાં આકાશપાતાળનો ભેદ હોય છે.
જ્ઞાનીને સુખ પોતાના સ્વભાવમાં જ છે એવું શ્રદ્ધાન હોય છે. તેઓ સંયોગોથી પોતાને સુખી-દુઃખી માનતા નથી. તેમની દૃષ્ટિ સમ્યક્ હોવાથી સંયોગો ને તેમને સુખરૂપ લાગે છે, ન દુ:ખરૂપ લાગે છે. તેમને પ્રતીતિ હોય છે કે સંયોગો સુખરૂપ નથી, સુખનું કારણ પણ નથી; તેમજ દુઃખરૂપ પણ નથી કે દુ:ખનું કારણ પણ નથી. સ્વભાવના આશ્રયથી સુખ છે અને દુઃખનું કારણ છે સંયોગના આશ્રયથી ઉત્પન્ન થતા જીવના વિકારી ભાવો. વાચાજ્ઞાની સંયોગોમાં ઇષ્ટ-અનિષ્ટબુદ્ધિ કરે છે. પરમાં સુખ કે દુઃખ આપવાની શક્તિ નથી, પરથી મને કોઈ લાભ કે નુકસાન નથી' એવી તત્ત્વજ્ઞાનની વાતો અનેક વાર કરવા છતાં તેને તેવું શ્રદ્ધાન હોતું નથી. તે તત્ત્વની વાતો કરે છે, પણ તે વાતો તત્ત્વશ્રદ્ધાનમાં પલટાતી નથી. વિપુલ શાસ્ત્રાભ્યાસ હોવા છતાં બહિર્મુખ વલણના કારણે તે અનુકૂળ સંયોગથી સુખ અને પ્રતિકૂળ સંયોગથી દુઃખ માને છે, એટલે દુઃખ દૂર કરીને સુખ પ્રાપ્ત કરવા માટે તે અનુકૂળ સંયોગો મેળવવાના પ્રયત્નો કરે છે. પ્રતિકૂળ સંયોગોને દૂર કરીને, અનુકૂળ સંયોગોને પ્રાપ્ત કરીને સુખી થવાની ઇચ્છાથી તે સઘળાં પ્રયત્નો કરે છે. તે પોતાનું આખું જીવન ઇષ્ટ સંયોગોની પ્રાપ્તિ પાછળ વેડફી નાખે છે.
જ્ઞાની પોતાના ધ્રુવ ચિદાનંદસ્વભાવમાં લીનતા કરી અવસ્થામાં પૂર્ણતા પ્રગટાવવા માંગે છે, જ્યારે વાચા જ્ઞાની બહારમાં સંયોગોની પૂર્ણતા કરવા માંગે છે; પરંતુ બહારના સંયોગોની પૂર્ણતા કદી થઈ શકતી નથી. પુણ્યના ફળરૂપે પ્રાપ્ત થયેલા સંયોગમાં પૂર્ણતા હોતી જ નથી. પુણ્ય પોતે ખંડ ખંડરૂપ વિકારભાવથી ઉત્પન્ન થયેલું છે, તેથી તેની ફળરૂપ સામગ્રીમાં પૂર્ણતા હોઈ શકતી જ નથી. આત્માના પરિપૂર્ણ જ્ઞાનાનંદસ્વભાવની પ્રતીતિ કરીને તેમાં લીન થતાં જ પર્યાયમાં જ્ઞાન-આનંદની પૂર્ણતા પ્રગટે છે.
પોતાનો ત્રિકાળી સ્વભાવ અસંયોગી છે અને સ્ત્રી-પુત્રાદિ સર્વનો સંયોગ ક્ષણિક છે, એમ સ્વભાવના ભાનપૂર્વક જ્ઞાની સંયોગોને અસ્થિર જાણે છે; પણ વાચાજ્ઞાનીને પોતાના આત્માની તો શ્રદ્ધા નથી અને સંયોગોની અનિત્યતાને પણ તે યથાર્થપણે જાણતો નથી. વસ્તુસ્વરૂપના ભાન વિના મોહથી તે સંયોગોને સ્થિર રાખવા માંગે છે. તે સંયોગોને સ્થિર રાખવા ચાહે છે અને એ જ દિશામાં તે સતત પ્રયત્નશીલ રહે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org