________________
૩૧૬
“શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તેઓ પોતામાં સુખી, શાંત, તૃપ્ત હોવાથી તેમને પર પાસે કોઈ અપેક્ષા રહેતી નથી. જેમ પોતાના ઘરમાં જેને સારો, સ્વાદિષ્ટ આહાર મળી રહેતો હોય તેને પડોશીના રસોડાની વાનગી માટે ઉત્કંઠા થતી નથી; તેમ જ્ઞાની પોતામાં સુખી, શાંત, તૃપ્ત હોવાથી પરમાંથી સુખ-શાંતિ ખેંચવાની ચેષ્ટામાં પડતા નથી. તેમનો ઉપયોગ પરમાં ભટકતો નથી, સુખ માટે બહાર દોડતો નથી. તેમની પૌગલિક પદાર્થો પ્રત્યેની તમામ દોડ મટી ગઈ હોય છે. સ્વરૂપની ખુમારી નિરંતર રહેતી હોવાથી બધી દોડ શાંત થઈ જાય છે. તેમનું વ્યક્તિત્વ અત્યંત શાંતતાને પામે છે. નિજ ઐશ્વર્યનું ભાન થતાં સંસાર અસુંદર અને ક્ષણભંગુર લાગે છે.
સર્વ મત-પંથના અને સર્વ દેશ-કાળના જ્ઞાની પુરુષોએ દશ્ય જગતને અસાર અને ક્ષણભંગુર કહ્યું છે. કોઈ પણ ધર્મ-મતના સફળ સાધકોનાં મુખમાંથી, તેઓ સ્વાનુભવ પામ્યા ત્યારે પોતે જે અનુભવ્યું તેના વિષે જે ઉદ્ગાર નીકળે છે, તેના શબ્દો ભલે જુદા હોય પણ તેનો ધ્વનિ એક જ હોય છે કે આત્માના વૈભવ આગળ જગતનો વૈભવ અરમણીય અને અસ્થિર છે.
જૈન પરંપરાના પ્રાચીન પ્રબુદ્ધ આચાર્યોએ પણ દશ્ય જગતની આભાસિકતાની વાત કરી છે. આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી જણાવે છે કે આત્મજ્ઞાનસંપન્ન મહાનુભવોને સમસ્ત દશ્ય જગત સ્વપ્નવત્, ગાંધર્વનગર (સંધ્યા સમયે આકાશમાં વાદળાં અને સૂર્યકિરણો વડે સર્જાતા નગર આદિના આભાસો) તુલ્ય કે મૃગજળ જેવું ભાસે છે.' કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીએ યોગશાસ્ત્ર' ગ્રંથમાં સ્વાનુભવના આધારે નિરૂપણ કરતાં કહ્યું છે કે “અમનસ્કતા પ્રાપ્ત થાય છે ત્યારે યોગીને શરીર પોતાથી છૂટું પડી ગયું હોય, બળી ગયું હોય, વિલય પામી ગયું હોય કે જાણે હોય જ નહીં તેવું લાગે છે.”૨ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ “સમાધિશતક'માં અસંદિગ્ધ શબ્દોમાં ગાય છે કે –
ભવ-પ્રપંચ મન-જાલકી, બાજી જૂઠી મૂલ;
ચારપાંચ દિન સુખ લગે, અંત ધૂલકી ધૂલ. ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘યોગદષ્ટિ સમુચ્ચય', શ્લોક ૧૫૬
'मायामरीचिगन्धर्वनगरस्वप्नसंनिभान ।
बाह्यान पश्यति तत्त्वेन भावान श्रुतविवेकतः ।।' ૨- જુઓ : કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીકૃત, યોગશાસ્ત્ર', પ્રકાશ ૧૨, શ્લોક ૪૨
'विश्लिष्टमिव प्लुष्टमिवोडीनमिव प्रलीनमिव कायम् ।
अमनस्कोदयसमये, योगी जानात्यसत्कल्पम् ।।' ૩- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, સમાધિશતક', દુહો ૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org