________________
૩૦૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
પ્રાપ્તિ થતાં આ જગતમાં કશું જ પ્રાપ્તવ્ય લાગતું નથી; અને તેથી જ્ઞાનીને કોઈ આકાંક્ષા-કામના રહેતી નથી. કંઈક મેળવવું છે કે “કંઈક થવું છે' એવી તૃષ્ણા નાશ થઈ જાય એવું પરિતોષપણું તેમને પ્રગટ્યું હોય છે. તેઓ આત્મતૃપ્ત હોય છે. સ્વરૂપને પામવાથી તેઓ આત્મસંતુષ્ટ થયા હોય છે. સ્વાનુભવના પ્રતાપથી તેઓ સદાકાળ માટે સુખી બની પોતાના સ્વરૂપમાં જ તૃપ્ત રહે છે.
જ્ઞાનીને સ્વાનુભવજન્ય પ્રતીતિ હોય છે કે ઇન્દ્રિયવિષયો કદી પણ તૃપ્તિ આપી શકતા નથી. સુખી થવા માટે તો માત્ર પોતાની અંદર ઠરવાની જ જરૂર છે. પોતાના સુખ માટે પર તરફ મીટ માંડવાની કોઈ આવશ્યકતા નથી. આવી પ્રતીતિના કારણે અનિશ્ચિત ભાવિની ચિંતા ચિત્ત ઉપર સવાર થઈને તેમને વ્યાકુળ બનાવી શકતી નથી. જ્યાં સુધી જીવ પોતાના સત્ય સ્વરૂપનો સ્પર્શ પામતો નથી, ત્યાં સુધી તે ભવિષ્યની આશંકા અને અનિશ્ચિતતાથી ઘેરાયેલો રહે છે. અજ્ઞાની જીવ ભવિષ્યમાં શું થશે એની ચિંતામાં ગૂંચવાયેલો હોય છે. મળશે કે નહીં મળે એવી ચિંતાથી તે પીડાય છે. ભવિષ્યમાં આ મળશે કે તે મળશે એ આશામાં તે દોરડાથી બંધાયેલા પશુની જેમ દોડે છે. જે રીતે ગાયને કોઈ ગળામાં દોરડું બાંધીને ખેંચીને લઈ જાય છે, તે રીતે ભવિષ્યની આશા તેને ખેંચે છે. તેની આંખો કાલ ઉપર ચોંટી હોવાના કારણે તેની ચિંતામાં તે આજને વેડફી નાંખે છે. તેની નજર ભવિષ્ય ઉપર ચોંટી હોવાથી તે વર્તમાનને ચૂકી જાય છે. આમ, અજ્ઞાની જીવ ભવિષ્ય પાસે આશા-અપેક્ષા રાખે છે, તેને ભવિષ્યની ચિંતા થાય છે; પરંતુ જ્ઞાનીને ભવિષ્ય પાસે કશું લેવાનું રહ્યું હોતું નથી. તેઓ ચિંતાથી પર થઈ ગયા હોય છે.
અનુભવ થતાં આત્માના શાશ્વત અસ્તિત્વની એવી દેઢ પ્રતીતિ થઈ જાય છે કે મૃત્યુનો ભય જ્ઞાનીને સતાવતો નથી. જીવનમાં આવતા વિવિધ ઝંઝાવાતોને તેઓ ભયભીત થયા વિના પાર કરી શકે છે. તેઓ ડર્યા વિના જીવનના પડકારોને ઝીલે છે. જીવનમાં જે કંઈ પણ ઘટિત થાય, તેનાથી તેઓ ડરતા નથી. જે કોઈ ઘટના ઉદ્ભવે, તે વખતે તેઓ ભયથી મુક્ત રહી સદા શાંતિપૂર્ણ જ રહે છે. અજ્ઞાનીને સદા મુશ્કેલીનો ભય રહે છે. તે પોતે જ તેનો હાઉ ઊભો કરી નિરંતર તેનાથી ભયભીત રહે છે. તે પોતાને અસુરક્ષિત અનુભવે છે. તેનું મન સુરક્ષિતતા-નિશ્ચિતતા ઇચ્છે છે, પરંતુ તે સુરક્ષા પ્રાપ્ત કરવા માટે પરનું અવલંબન લે છે અને તેથી સુરક્ષા પ્રાપ્ત કરવાનો કોઈ ઉપાય કારગત નીવડતો નથી. જ્ઞાનીએ પોતાના સ્વરૂપનું અવલંબન લીધું હોવાથી તેઓ પોતાને સદા સુરક્ષિત અનુભવે છે. કોઈ પણ સંજોગોમાં તેમને ભય પેદા થતો નથી. સ્વયંને જાણવાથી-અનુભવવાથી તેમનો ભય વિલીન થયો હોય છે.
જ્ઞાની પોતાના અસ્તિત્વથી પરિચિત થયા હોવાથી અન્યના અસ્તિત્વ પ્રત્યે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org