________________
ગાથા-૧૩૭
૨૫૧
થાય છે. આમ સમજીને સાધક શાંત ભાવમાં રહે છે. તે પોતાના ત્રિકાળી અસ્તિત્વનું અવલંબન લે છે.
શુષ્કજ્ઞાની જીવ પરમાર્થસ્વરૂપ બોધવચનો તો બોલે છે, પણ તેના અંતરમાં મોહદશા તો જેવી ને તેવી જ હોય છે. તેવા જીવોને શ્રીમદે અત્રે ‘પામર' કહ્યા છે. આ પામર શુષ્કજ્ઞાની જીવો અંદર કાંઈક અને બહાર કાંઈક હોય છે. તેઓ અંદરથી અને બહારથી જુદા હોય છે. તેઓ સુંદર બનાવટી મહોરું પહેરે છે. અંદરની કુરૂપતા છુપાવી, તેઓ અત્યંત કુશળતાથી સ્વયંની સચ્ચાઈને અન્યથી છુપાવે છે, પરંતુ કુરૂપતાને ઢાંકવાથી ક્યારે પણ સાચું સૌંદર્ય પ્રાપ્ત થતું નથી. તેવો ઢાંકપિછોડો આત્મઘાતી નીવડે છે. જે ઘા સંતાડવામાં આવે છે, તે સંતાડવાથી મટતા નથી, ઊલટા ઘાતક બને છે. જે કુરૂપતાને ઢાંકવામાં આવે છે તે નષ્ટ નથી થતી, બલ્કે વધતી જાય છે. જે દોષ છુપાવવામાં આવે છે તે ટળતા તો નથી, બલ્કે વધતા જાય છે. આવી ચેષ્ટા તો ઉપરથી સુગંધી પદાર્થો છાંટી અંદરની દુર્ગંધ ઢાંકવા બરાબર છે.
સુગંધી પદાર્થો છાંટવાના નહીં પણ દુર્ગંધી પદાર્થો દૂર કરવાના પક્ષમાં જ્ઞાનીઓ છે. કુરૂપતાને જડમૂળથી નાશ કરીને સૌંદર્યને જાગૃત કરવાના પક્ષમાં તેઓ છે. તેમ ન થાય તો બધું નકામું છે. સઘળો શાસ્ત્રાભ્યાસ રેતી પીલીને તેલ કાઢવાના પ્રયાસની જેમ વ્યર્થ છે. દંભમાંથી બહાર નીકળ્યા વિના ગમે તેટલો શાસ્ત્રાભ્યાસ કરવામાં આવે, તે દ્વારા માત્ર આત્મા સંબંધી બોલી શકાશે, આત્મહિતથી તો દૂર જ રહેવાશે. તેથી જે ઢાંકેલું છે તેને ઉઘાડવાનું જ્ઞાનીપુરુષો કહે છે. તે ગમે તેટલું ખરાબ હોય, પણ તેને ઢાંકવાની ચેષ્ટા ન કરતાં તેને યથાર્થ રીતે ઓળખવા યોગ્ય છે.
પોતાની કુરૂપતાને ઓળખવાનું સામર્થ્ય જ્યાં સુધી ન આવે ત્યાં સુધી માણસ પોતાના આત્મિક સૌંદર્યને ખીલવી શકતો નથી. જે માણસ પોતાની કુરૂપતાને જોઈ શકે છે, તે પોતાને સુંદર પણ બનાવી શકે છે. સુંદરતા ખીલવવા માટે કુરૂપતાનો બોધ થવો આવશ્યક છે. જેમ શારીરિક સ્વાસ્થ્ય માટે રોગને એની સોએ સો ટકા સચ્ચાઈમાં પકડવો પડે છે; તેમ આત્મિક સ્વાસ્થ્ય માટે આંતરિક રોગોને પૂરેપૂરા જાણવા, સમજવા પડે છે. રોગને ઢાંકવાનું રોગના હિતમાં હોય છે, રોગીના હિતમાં નહીં. ઉપચાર માટે સાચું નિદાન અત્યંત જરૂરી છે. નિદાન વિના ઉપચાર થઈ શકતો નથી. જીવ પોતે જેવો છે તેવો પોતાને યથાર્થપણે જાણી લે તો એનું રૂપાંતરણ થઈ શકે છે. સ્વનિરીક્ષણ એ પરિવર્તનશૃંખલાની પહેલી કડી છે.
આત્મક્રાંતિનું પહેલું પગથિયું પોતાની જાતને સાચા સ્વરૂપમાં સમજવામાં અને સ્વીકારવામાં છે. પરંતુ જો જીવ દોષો છુપાવી અસત્યનો ઉપયોગ કરે તો તેને સત્ય હાથ લાગી શકતું નથી. સત્યનું ભવન માત્ર સત્યના પાયા ઉપર જ ઊભું રહી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org