________________
૨૪૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
ઉદ્ભવતાં તે જ્ઞાનીની આશાતના કરે છે. સ્વયં અપરાધી થઈ અનંત જ્ઞાનીનો દ્રોહ કરે છે અને પોતાનું અનંતું અહિત કરી બેસે છે.
સત્ય આજ સુધી કહી શકાયું નથી. સત્ય કોઈ ઉપાયે કહી શકાતું નથી. વિશેષાર્થ જે સત્ય છે, જે સાર્થક છે તેને માત્ર અનુભવી શકાય છે, તેને બતાવવાનો
તેને શબ્દમાં કહેવા-સમજાવવાનો કોઈ પણ ઉપાય છે જ નહીં. સત્ય કોઈ રીતે શબ્દોમાં અભિવ્યક્ત થઈ શકતું નથી. સત્ય એક અનુભવ છે અને તે અનુભવ ઉપલબ્ધ થાય છે ત્યારે જીવના ચિત્તમાંથી બધા જ શબ્દો સરી પડ્યા હોય છે. જ્યારે જીવ નિઃશબ્દ થાય છે ત્યારે જ તેને સત્યનો સાક્ષાત્કાર થાય છે. નિઃશબ્દમાં જે જણાયું હોય તેને શબ્દમાં કહેવાનો કોઈ પણ ઉપાય કેવી રીતે સંભવે? જ્ઞાનોપયોગ જ્યારે અંતર્મુખ થઈ અતીન્દ્રિય અને નિર્વિકલ્પ બને છે ત્યારે જ એ સ્વરૂપની પકડ કરે છે. હવે જ્યાં વિકલ્પ જ નથી, વિચાર જ નથી, ત્યાં વાણી કઈ રીતે એ વિષયને પકડી શકે?
જેમ આકાશને બાંધવાનો કોઈ ઉપાય નથી, તેમ સત્ય પણ આકાશની જેમ અમર્યાદિત અને અનંત છે. જેમ આકાશને ગાંઠડીમાં બાંધી શકાતું નથી, તેમ સત્યને શબ્દોમાં બાંધી શકાતું નથી. ભાષા મનુષ્યનિર્મિત છે, તેના નિયમો મનુષ્યનિર્મિત છે; તો તેની શક્તિ મનુષ્યની સીમિત બુદ્ધિથી વધારે ઊંચી કેવી રીતે હોઈ શકે? સત્ય બુદ્ધિથી પણ પર છે, તો તે ભાષામાં કઈ રીતે આવી શકે? સીધી લાકડીને પાણીમાં નાખવામાં આવે તો તે વાંકી દેખાય છે. ગમે તેટલી કુશળતાપૂર્વક નાખવામાં આવે તોપણ તે વાંકી જ દેખાય છે. પાણીનું માધ્યમ જ એવું છે કે જેથી લાકડી વાંકી દેખાય છે. લાકડી વાંકી થતી નથી પણ વાંકી દેખાય છે. તેમ ભાષાનું માધ્યમ જ એવું છે કે તે સત્યને જેમ છે તેમ પ્રગટ નથી કરી શકતું. શબ્દમાં આવીને સત્ય પૂર્ણ નથી રહેતું, અધૂરું રહે છે. સત્યનો અનુભવ શબ્દો દ્વારા યથાર્થપણે બતાવી શકાતો નથી; પરંતુ જીવની બધી સમજ માત્ર શબ્દો દ્વારા થાય છે, તેથી જ્ઞાનીઓ શબ્દો મારફત સત્ય તરફ ઇશારો કરે છે. સત્યને શબ્દોમાં પૂર્ણપણે કહી શકાતું નથી, પરંતુ તેની અનુભૂતિની ઝંખના જગાડવા જ્ઞાનીઓ શબ્દો દ્વારા સત્ય તરફ ઇશારો કરે છે. આ વાત એક ઉદાહરણ વડે સ્પષ્ટ થશે.
એક મહાકવિ સમુદ્રતટે ફરવા ગયા હતા. પ્રભાતનો સુંદર સમય હતો. આકાશમાંથી સૂરજનાં સોનેરી કિરણો વરસી રહ્યાં હતાં. ખૂબ શાંતિ હતી. શીતળ હવા હતી. આહ્લાદક વાતાવરણ હતું. તેઓ મુગ્ધ બની નાચવા લાગ્યા. ત્યાં તેમને પોતાની પ્રેમિકા કે જે દૂરના ગામમાં બીમાર હતી, તે યાદ આવી. તેમને થયું, ‘જો અહીં મારી પ્રેમિકા હોત તો આ બધાં નયનરમ્ય દૃશ્યોનો આનંદ તે પણ માણી શકત, આ સૌંદર્યનું રસપાન તે પણ કરી શકત. પરંતુ તે તો બહુ દૂર છે. તેને આ અનુભવ કેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org