________________
ગાથા-૧૩૬
૨૩૩
તે પ્રગટે છે. જ્યાં આત્મા સ્વયં પુરુષાર્થ વડે સમ્યગ્દર્શનાદિ રૂપે પરિણમે છે, ત્યાં તેને કોઈ નિમિત્ત રોકનાર કે મદદગાર નથી, માટે નિમિત્તની કાંઈ જ જરૂર નથી. સમાધાન - ૨
જોવા માટે જેમ આંખની જરૂર છે, તેમ પ્રકાશરૂપ નિમિત્તની પણ જરૂર છે. સૂર્ય, ચંદ્ર, મણિ, દીપક આદિના પ્રકાશનું નિમિત્ત હોય તો જ આંખ જોઈ શકે છે. ઉપાદાન જ જો જોવાનું કામ કરતું હોય તો અંધારામાં કેમ જોઈ શકાતું નથી? તે વખતે જોવાની શક્તિ કેમ કામ કરતી નથી? માટે પ્રકાશરૂપી નિમિત્ત વિના જોઈ શકાય નહીં. તેમ સમ્યગ્દર્શનાદિ આત્મસ્વભાવના આશ્રયે પ્રગટે છે, પણ તેને પ્રગટવા માટે યોગ્ય નિમિત્તની આવશ્યકતા રહે છે, તેથી નિમિત્તનો નિષેધ કરવો યોગ્ય નથી.
આમ, ઉપાદાન અને નિમિત્તની સંધિથી કાર્યસિદ્ધિ થાય છે. દલીલ - ૩
નિમિત્તના અભાવે મુક્તિનો અભાવ નથી, પરંતુ ઉપાદાનની જાગૃતિના અભાવે મુક્તિનો અભાવ છે. નિમિત્ત ઉત્કૃષ્ટ હોય છતાં ઉપાદાન સુલટાય નહીં તો કાર્ય થાય નહીં. અનંતી વાર મનુષ્યદેહ, આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, પાંચ ઇન્દ્રિયોની પૂર્ણતા, નીરોગી શરીર, ભગવાનની - સદ્ગુરુની સાક્ષાત્ હાજરી વગેરે નિમિત્ત મળ્યાં છતાં ઉપાદાન પોતે સુલટાયું નહીં, તેથી મોક્ષપ્રાપ્તિ થઈ નહીં. સુદેવ, સુગુરુ, સુશાસ્ત્રરૂપ નિમિત્તો આ જીવને અનંતી વાર મળ્યાં પણ જીવ (ઉપાદાન) પોતે પલટાયો નહીં, તેથી જ તે સંસારમાં ભટકે છે. અનંતી વાર પૂજાપાઠ, દીક્ષા વગેરે ધાર્મિક પ્રવૃત્તિ કરી, પણ સ્વરૂપ ન સમજ્યો તેથી ધર્મ ન થયો. જો દેવ-ગુરુ કલ્યાણ કરતા હોત તો જીવ સાક્ષાત્ ત્રિલોકીનાથ પાસે અનંતી વાર ગયો છતાં કેમ કલ્યાણ થયું નહીં? પોતે જો સવળો પુરુષાર્થ કરે તો આત્માની પરમાત્મદશા પોતે જ પોતામાંથી પ્રગટ કરી શકે છે, તેમાં કોઈ નિમિત્ત મદદરૂપ થઈ શકતું નથી. સમાધાન - ૩
કલ્યાણ થવા માટે ઉપાદાનની જાગૃતિની આવશ્યકતા તો છે જ, પરંતુ તે સાથે ઉત્તમ નિમિત્તોની પણ આવશ્યકતા છે. જો ઉપાદાનની જાગૃતિથી જ મુક્તિ થતી હોય તો ઉપાદાન તો બધા જીવોમાં છે, તો પછી તેમની મુક્તિને રોકનાર કોણ છે? કેમ સર્વ જીવ મુક્ત થતા નથી? બધા જીવોમાં અનંત શક્તિઓ પડી છે, પણ તે શક્તિ પ્રગટ થવા અર્થે મનુષ્યભવ, આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, પાંચ ઇન્દ્રિયોની પૂર્ણતા, નીરોગી શરીર, જિનેશ્વર ભગવાન, સદ્ગુરુ આદિ નિમિત્તોના યોગની આવશ્યકતા છે. ઉપાદાન પલટાયા વિના સુદેવાદિ નિમિત્તોનો યોગ થયો છતાં કલ્યાણ ન થયું, પણ તેથી કાંઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org