________________
૨૩)
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આમ, સદ્ગુરુ કશું જ નહીં કરતા હોવા છતાં જીવ ઉપર અનંત ઉપકાર કરે છે. સ્વરૂપ પ્રાપ્તિરૂપ કાર્યની સિદ્ધિનું કારણ આત્મા પોતે છે, પણ સદ્ગુરુ એના પુષ્ટ નિમિત્ત છે. જવાબદાર કારણ તો ઉપાદાન છે, નિમિત્ત નથી; પરંતુ નિમિત્ત સહાયક અવશ્ય બને છે. જીવ તો સદૈવ વિદ્યમાન છે, તેનું ઉપાદાન પણ સર્વદા વિદ્યમાન છે, પરંતુ સદ્દગુરુરૂપી નિમિત્ત વિના તેને શાંતિનો, આનંદનો, અંતર્મુખતાનો અનુભવ થતો નથી. તેથી સ્વની ઉપલબ્ધિ માટે વિદ્યમાન સ્વાનુભવી મહાત્માની આવશ્યકતા સમજી શકાય એવી છે. અનંતું હિત સાધવાની આ યાત્રામાં સદ્ગુરુની પ્રાપ્તિ અત્યંત આવશ્યક છે.
ઉપાદાન-નિમિત્તનું સાચું સ્વરૂપ સમજાતાં સદ્દગુરુનું સ્વરૂપ, તેમની ભક્તિનું સ્વરૂપ અને તે ભક્તિના ફળનું સ્વરૂપ યથાર્થપણે સમજાય છે. યથાર્થ સમજણથી યથાર્થ પુરુષાર્થ ઊપડે છે. ‘એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં, અર્થાત્ નિમિત્ત ઉપાદાનનું કાંઈ કરી શકે નહીં' અને 'નિમિત્ત વિના ઉપાદાન નિર્બળ છે' આ બને તથ્યને સમજવા માટે એક સચોટ દષ્ટાંત છે. એક વખત એક સાધુ એક ખાલી ટાંકા પાસે બેઠા હતા. તેમાં પડેલું જીવડું બહાર નીકળવા મથામણ કરી રહ્યું હતું. ટાંકાની સીધી દીવાલ ઉપર એ થોડું ચઢતું કે પાછું નીચે ગબડી પડતું. સાધુએ જોયું કે નીચે પડ્યા પછી એ જીવડું ફરી ઉપર ચડવા પ્રયત્ન કરે છે, પણ થોડું ઊંચે ગયા પછી એ પાછું નીચે પડી જાય છે. ઘણી વાર આ ક્રમ ચાલતો રહ્યો. એની આ મથામણ જોઈને સાધુને એની દયા આવી. સાધુએ ઊઠીને એક લાકડી લીધી અને એને ટાંકામાં દીવાલને ટેકે ત્રાંસી મૂકી દીધી. જરા વારમાં પેલું જીવડું લાકડી ઉપર થઈને સડસડાટ ટાંકાની બહાર આવી ગયું. એ એના પુરુષાર્થ વડે બહાર નીકળ્યું કે સાધુએ મૂકેલી લાકડીના સહારે? જો સાધુએ લાકડી ન મૂકી હોત તો? અને લાકડી મૂક્યા પછી જીવડાએ એનો સહારો ન લીધો હોત તો? ટાંકામાંથી એ બહાર નીકળી શક્યું એમાં ઉપાદાન અને નિમિત્તની સંધિ સ્પષ્ટ જણાય છે. નિમિત્તે જીવડાને બહાર કાઢવા માટે કોઈ પુરુષાર્થ કર્યો ન હતો, પુરુષાર્થ તો એ જીવડાનો જ હતો; છતાં પણ નિમિત્ત વિના તે બહાર નીકળી પણ શક્યું ન હોત. આમ વિરુદ્ધ લાગતાં બે તથ્યોનો આ દષ્ટાંત અવિરુદ્ધ નિર્ણય આપે છે. એક પણ પક્ષનો અનાદર તે મિથ્યા નિર્ણયનું કારણ છે. શ્રી મનોહરલાલજી વર્ણજી ઉપાદાન-નિમિત્તના અવિરુદ્ધ નિર્ણય બાબત લખે છે –
‘નિમિત્ત ઉપાદાનમાં કંઈ કરતું નથી. આ સ્વરૂપ (સ્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ)ની અપેક્ષાએ નિર્ણય છે. નિમિત્ત સાનિધ્ય વિના ઉપાદાનમાં વિકાર પરિણમન થઈ શકતું નથી. આ વિષમકાર્યની વિધિની અપેક્ષાએ નિર્ણય છે. બન્ને નિર્ણય અવિરુદ્ધ નિર્ણય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org