________________
ગાથા-૧૩૩
૧૩૯
હિંદુઓના ગોળાના પાણી જેવો હોઈ તેને મન તેના પોતાના સિવાય બીજાં બધાં પાણી અસ્પૃશ્ય હોય છે. તેને પોતાનો જ સ્વાદ અને પોતાનું જ રૂપ, ગમે તેવું હોવા છતાં, ગમે છે અને પ્રાણાંતે પણ બીજાના ગોળાને હાથ લગાડતાં રોકે છે.’૧
અહીં એ ધ્યાન રાખવું ઘટે છે કે પંથ ખરાબ નથી, પરંતુ તેનો આગ્રહ ખરાબ છે. જો શુદ્ધ ધર્મ સધાતો હોય તો ગમે તે પંથનું અનુસરણ થતું હોય, તે યથાર્થ માર્ગે જ છે. જો પંથની અંદર ધર્મમય જીવન હોય તો જીવનું કલ્યાણ થવાનું જ, કારણ કે એમાં પ્રકૃતિભેદના કારણે હજારો ભિન્નતાઓ હોવા છતાં ક્લેશ નહીં હોય, પ્રેમ હશે; અભિમાન નહીં હોય, નમ્રતા હશે; શત્રુભાવ નહીં હોય, મિત્રતા હશે; ઉકળાટ નહીં હોય, ખમવાપણું હશે. ગચ્છ-મત હતા, છે અને રહેશે; તેમાં સુધારવા જેવું કે કરવા જેવું કંઈ હોય તો તે એટલું જ છે આગ્રહના કારણે તેમાંથી વિખૂટો પડેલો ધર્મનો પ્રાણ ફરી તેમાં પૂરવો.
ગચ્છ-મતમાં ધર્મનો પ્રાણ ફૂંકવા માટેની ખાસ શરત એ છે કે દૃષ્ટિ સત્યાગ્રહી જોઈશે. સત્યાગ્રહી દષ્ટિનું લક્ષણ એ છે કે દરેકની બધી બાજુઓ જોવાની અને તેમાં જે પણ સત્ય દેખાય, તે બધાનો સમન્વય કરવાની વૃત્તિ હોવી જોઈએ. જે જીવમાં સત્યાગ્રહી દષ્ટિ હોય છે તેનામાં પોતે જે માનતો અને કરતો હોય તેની યથાર્થ સમજ હોય છે. પોતાની માન્યતા બીજાને સમજાવતાં તેને જરા પણ આવેશ કે ગુસ્સો નથી આવતા અને સમજાવતી વખતે પણ એ માન્યતાની ખૂબીઓની સાથે જો કોઈ ખામી હોય તો એની પણ તે વગર સંકોચે કબૂલાત કરે છે. જેમ પોતાની દૃષ્ટિ સમજાવવાની ધીરજ હોય છે, તેમ બીજાની દૃષ્ટિ સમજવાની પણ તેટલી જ ઉદારતા અને તત્પરતા હોય છે.
આવું દૃષ્ટિ-ઉદારતાનું તત્ત્વ હોય તો કોઈ એક સંપ્રદાયને સ્વીકાર્યા છતાં જીવમાં સાંપ્રદાયિકતા નથી આવતી. સાંપ્રદાયિકતા એટલે સંપ્રદાયનું અવિચારી બંધન, મોહ. કોઈ એક સંપ્રદાયનો સ્વીકાર કરવામાત્રથી જીવ સાંપ્રદાયિક નથી બની જતો. સાંપ્રદાયિકતા તો સંકુચિત અને એકપક્ષીય અંધષ્ટિમાંથી ઉદ્ભવે છે. કોઈ પણ સંપ્રદાયની ધૂંસરી સ્વીકારી તેના મોહમાં અંધ થઈ જવાથી સાંપ્રદાયિકતા ઊપજે છે. પ્રામાણિક માર્ગ દૃષ્ટિની ઉદારતાનો છે, કારણ કે એમાં સંપ્રદાયનો સ્વીકાર કરવા છતાં મિથ્યા અસ્મિતાનું તત્ત્વ નથી હોતું, એકાંતિક વલણ નથી હોતું. સંપ્રદાય સ્વીકારીને તેમાં અંધપણે બદ્ધ થઈ જવું એ સમભાવનો ઘાત છે, જ્યારે દૃષ્ટિની ઉદારતામાં સમભાવ સચવાય છે. દૃષ્ટિરાગ, મતમોહ જીવને સત્યની નજીક આવતાં અટકાવે છે, જ્યારે દૃષ્ટિની ઉદારતામાં સત્યની સમીપ લઈ જવાનો ગુણ છે.
૧- પંડિત સુખલાલજી, ‘દર્શન અને ચિંતન', ધર્મ અને પંથ વ્યાખ્યાન, પૃ.૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org