________________
૧૧૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
નિરૂપણ તો શું, જ્ઞાન પણ એકસાથે નથી થઈ શકતું. છદ્મસ્થ એક સમયમાં બધું જાણી શકતા નથી. ચિત્રકાર દ્વારા ચિત્રિત થતા ચિત્ર અને અરીસા દ્વારા પ્રતિબિંબિત થતા ચિત્રમાં જેવો ફરક છે તેવો ફરક ક્રમિક દર્શન, અર્થાત્ છાદ્મસ્થિક દર્શન અને અક્રમિક દર્શન, અર્થાત્ કેવળદર્શનમાં છે. ક્રમિક છે તે એક પછી એક છે (by and by), જ્યારે અક્રમ છે તે સમુચ્ચય છે (all at one time).
છદ્મસ્થનું જ્ઞાન એકસાથે અનંત ધર્મોને જાણી શકતું જ નથી, કારણ કે તેનું જ્ઞાન મર્યાદિત છે. તેને વસ્તુસ્વરૂપનું જ્ઞાન ક્રમશઃ જ થાય છે. જેમ કોઈ માણસને હાથીનું વજન કરવું હોય, પરંતુ તેની પાસે ત્રાજવું નાનું હોય તથા વજનનું કાટલું એક જ હોય અને તે પણ માત્ર ૧૦ કિલોગ્રામનું, તો તે આ સંજોગોમાં કઈ રીતે હાથીનું વજન કરી શકશે? હાથીને નદીકિનારે લઈ જઈ એક હોડીમાં ચઢાવી દેવામાં આવે, હોડી પાણીમાં કેટલી ડૂબી એનું નિશાન કરી લેવામાં આવે, હાથીને બહાર કાઢી તે હોડીને નાના પથ્થરોથી ભરવામાં આવે કે જેથી તે નિશાન સુધી હોડી ડૂબે અને પછી તે પથ્થરોને કાઢી પ્રાપ્ત સાધનોથી જોખવામાં આવે તો હાથીનું વજન જાણી શકાય. જો મોટો યાંત્રિક કાંટો હોય તો હાથીનું વજન એકસાથે થઈ જાય. તેવી રીતે કેવળીનું જ્ઞાન બધું એકસાથે ગ્રહણ કરે છે, જ્યારે છદ્મસ્થને ક્રમશઃ વસ્તુનું જ્ઞાન થાય છે. જ્યારે કોઈ પણ વસ્તુવિષયક વિચાર છદ્મસ્થને ઉત્પન્ન થાય છે ત્યારે તે વિષયમાં અંશે અંશે વિચાર ઉત્પન્ન થાય છે અને અંતે તે સમગ્રતામાં પરિણમે છે. પ્રમાણ દ્વારા પ્રકાશિત થયેલી વસ્તુના વિષયમાં જે અંશે અંશે સ્પર્શતી માનસિક વિચારપ્રક્રિયા થાય છે તે નય છે, શબ્દમાં ઉતારવામાં આવતી કે ઉતારવા લાયક જે જ્ઞાનક્રિયા તે નય છે. આમ, વિચારની ઉત્પત્તિનો ક્રમ અને તેનાથી થતો વ્યવહાર તે બન્ને દૃષ્ટિએ પ્રમાણની પ્રરૂપણાથી નયની પ્રરૂપણા ભિન્નપણે કરવી અનિવાર્ય બને છે.
વસ્તુ અનંતધર્માત્મક હોવા છતાં પ્રત્યેક સમયે અનંત ધર્મોની વિવક્ષા હોતી નથી. જીવની રુચિ, પ્રવૃત્તિ આદિ પ્રસંગવશાત્ કોઈ એક ધર્મને જ તે મુખ્ય કરે છે. કોઈ વાર વસ્તુના સામાન્ય સ્વરૂપને તે ગ્રહણ કરે છે તો કોઈ વાર વસ્તુના વિશેષ સ્વરૂપ તરફ તેની દૃષ્ટિ જાય છે. માટે જ જ્ઞાતાના અભિપ્રાયને પણ નય કહે છે. અભિપ્રાય બતાવનાર શબ્દ, વાક્ય કે સિદ્ધાંત એ સર્વ નય કહી શકાય.૧
વસ્તુ અનંતધર્માત્મક હોવાથી તે ખૂબ જટિલ છે. તેને જાણી શકાય છે, પણ વાણીમાં મૂકવી કઠિન છે, તેથી તેના એક એક ધર્મનું ક્રમપૂર્વક નિરૂપણ થાય છે. કયો ધર્મ પહેલો કહેવો અને કયો ધર્મ પછી કહેવો એવો કોઈ નિયમ નથી. વસ્તુના ૧- જુઓ : આચાર્યશ્રી દેવસેનજીકૃત, ‘આલાપપદ્ધતિ', શ્લોક ૯ ‘શ્રુતવિવો વા, જ્ઞાતુરભિપ્રાયો વા નયઃ ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org