________________
૬૦
| ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ગાયનું અને આકડાનું દૂધ દૂધરૂપે સમાન હોવા છતાં એ બન્નેમાં ભેદ છે. ગાયના દૂધમાં દહીં-ઘીરૂપે બનવાની યોગ્યતા છે અને આકડાના દૂધમાંથી દહીં-ઘી બનતાં નથી. સ્ત્રીરૂપે બધી સ્ત્રીઓ સમાન હોવા છતાં સંતાનોત્પત્તિની દૃષ્ટિએ માતા બનવાની યોગ્યતાવાળી સ્ત્રી અને જેનામાં માતા બનવાની યોગ્યતા નથી એવી વંધ્યા સ્ત્રી એમ બે ભેદ પડે છે. એ જ પ્રમાણે જીવરૂપે બધા સમાન હોવા છતાં મોક્ષગમનની યોગ્યતા અને અયોગ્યતાના કારણે ભવ્ય અને અભિવ્ય એવા ભેદો પડે છે.
અહીં કોઈ શંકા કરે કે ભવ્યપણું એ જીવનો સ્વાભાવિક ધર્મ હોય તો પછી તેને પણ જીવપણાની જેમ નિત્ય માનવો જોઈએ અને ભવ્યપણાને જો નિત્ય માનવામાં આવે તો જીવનો મોક્ષ કદી થઈ જ ન શકે, કારણ કે મુક્ત જીવોમાં ભવ્ય-અભવ્યના ભેદ જ નથી. જીવનું ભવ્યત્વ સ્વાભાવિક છે તો પછી જીવનો મોક્ષ થતાં તેના ભવ્યત્વનો નાશ કઈ રીતે માની શકાય? સ્વભાવનો નાશ કઈ રીતે થાય?
આ શંકાનું સમાધાન આ પ્રમાણે છે - ઘટનો પ્રાગભાવ હોવાથી, એટલે કે ઘટની ઉત્પત્તિ થયા પહેલાં ઘટનો અભાવ હોવાથી, ઘડાના આકારે નહીં વિદ્યમાન એવી માટી એ સ્વાભાવિક દ્રવ્ય છે; તોપણ પોતાના આકારના નાશના કારણરૂપ સામગ્રીના સામર્થ્યથી, અર્થાત્ ઘટને ઉત્પન્ન કરનાર કુંભાર વગેરેની પ્રાપ્તિ થવાના કારણે ઘટરૂપ કાર્ય ઉત્પન્ન થવાથી, તે ઘટનો પ્રાગભાવ (માટીનો આકાર) નાશ પામે છે. આ વાતમાં કાંઈ વિરોધ આવતો નથી. તેવી રીતે આત્માના પારિણામિક ભાવથી ઉત્પન્ન થયેલું ભવ્યત્વ, આત્મા જ્યારે મુક્ત દશા પ્રાપ્ત કરે છે ત્યારે નાશ પામે છે. સમ્યકત્વની પ્રાપ્તિ વગેરે સામર્થ્યવાળા કારણનું સંપૂર્ણપણું થવાથી ભવ્યત્વ નાશ પામે છે, છતાં પણ આ વાતમાં કોઈ પણ પ્રકારનો વિરોધ આવતો નથી.
આ પ્રમાણે ઘટનો પ્રાગભાવ (ઘટનો અભાવવિશેષ) સ્વાભાવિક હોવા છતાં પણ તે અભાવનો નાશ થવાનાં કારણો, જેવાં કે કુંભાર, દંડ વગેરે ઉપસ્થિત થાય તો તે અભાવનો નાશ થઈ જાય છે; તેમ જીવના ભવ્યત્વના નાશમાં કારણભૂત એવી મુક્તિની પ્રાપ્તિ થતાં તેના ભવ્યત્વનો નાશ થવામાં કશો વિરોધ આવતો નથી. જેવી રીતે ઘટનો પ્રાગભાવ અનાદિસ્વભાવરૂપ હોવા છતાં પણ તેનો નાશ, ઘટની ઉત્પત્તિ થવાથી થાય છે; તેવી જ રીતે જીવનો ભવ્યત્વસ્વભાવ અનાદિ હોવા છતાં પણ જ્ઞાન અને ક્રિયાથી મુક્તિ પ્રાપ્ત થતાં તેનો નાશ થાય છે.
બીજી એક દલીલ એવી છે કે ભલે ભવ્યત્વનો નાશ થઈ જાય, પણ તેમ માનવામાં એક બીજો દોષ છે. તે એ કે સંસારમાંથી ભવ્યત્વનો ક્યારેક ઉચ્છેદ થઈ જશે. જેમ ધાન્યના કોઠારમાંથી થોડું થોડું ધાન્ય કાઢવામાં આવે તો કોઠાર ખાલી થઈ જાય છે, તેમ ભવ્ય જીવો ક્રમશઃ મોક્ષમાં જવાથી સંસારમાં ભવ્ય જીવોનો અભાવ થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org