SearchBrowseAboutContactDonate
Page Preview
Page 802
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૨૭ ૭૬૯ ભક્તિયોગરૂપ સંગ છે. આવા આત્મારામ પુરુષ તો સદા આત્મામાં લીન રહે છે, પરંતુ નિષ્કારણ કરુણાથી અન્ય જીવનું કલ્યાણ કરવા જ તેઓ તેને સત્સમાગમ બક્ષે છે. સ્વવિહારી સદ્ગુરુ પોતે તો નિઃસ્પૃહ પુરુષ છે, પરંતુ પરમ કારુણ્યવૃત્તિથી જ તેઓ વચનયોગમાં પ્રવૃત્ત થાય છે અને વાણીમાં જેટલું આવી શકે તેટલું કહી મૌન થઈ જાય છે. સદ્ગુરુ જીવનું દુઃખ નાશ કરવા દિવ્ય વાણી દ્વારા તેને સ્વરૂપનું ભાન કરાવે છે. તેઓ અમદષ્ટિ વરસાવી પ્રેરણા કરે છે કે હે જીવ! ભ્રાંતિજન્ય સર્વ દુઃખોનો અંત ત્યારે જ શક્ય છે જ્યારે તું તારા ત્રિકાળી સ્વરૂપમાં દક્ષ બને. તે અર્થે તારે માત્ર અંતર્દષ્ટિ કરવાની છે. અંતર્મુખ થતાં દુ:ખ સ્વયમેવ નાશ પામે છે. તું જિંદગીભર લક્ષ્મી અને અધિકાર પાછળ દોડતો રહ્યો છે, પરંતુ તે મળવા છતાં તને સુખ-શાંતિ પ્રાપ્ત નથી થયાં. તું આજ સુધી દુઃખ અને અશાંતિ જ ભોગવતો રહ્યો છે, માટે પ્રમાદ છોડી હવે સ્વસ્વરૂપને ભજ. આ જીવનમાં આત્માનો લક્ષ સૌથી પ્રથમ કર્તવ્ય છે. દેહથી ભિન્ન, સ્વપરપ્રકાશક, પરમજ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા, તેમાં નિમગ્ન થવા યોગ્ય છે. અંતર્મુખ થઈ, સ્થિર થઈ, તે આત્મામાં જ રહેવાથી અનંત અપાર આનંદ અનુભવાશે. ત્રિકાળી જ્ઞાયકના આશ્રયે અનંત સુખમય સ્વપરિણતિ પ્રગટશે.' સદ્ગુરુનો ઉપદેશ અનુભવ સહિત હોવાથી એ ઉપદેશ અન્ય જીવને જાગૃત કરે છે. સગુરુની વીતરાગવાણી જીવને નિશદિન મોક્ષમાર્ગમાં પ્રેરે છે. પરમકૃપાળુ સદ્ગુરુની વાણી જીવને મોક્ષમાર્ગે દિશા આપે છે, વેગ આપે છે, સંવેગ આપે છે, સંકલ્પબળ આપે છે. એના પ્રકાશમાં જીવ પોતાના ચૈતન્યદેવનો ચમત્કાર તરત પકડી શકે છે. સદ્ગુરુનાં અમોઘ રામબાણ જેવાં વચનામૃતને જે સત્પાત્ર જીવ ઉલ્લસિત ભાવથી સાંભળે છે, તે જીવ જડ-ચેતનને યથાર્થપણે ભિન્ન સ્વરૂપે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે. જીવને નિજસ્વરૂપનું ભાન કરાવી, શુદ્ધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર કોઈ હોય તો તે એકમાત્ર સગુરુ અને તેમની બોધવાણી છે. એ વાણી મૃતને સજીવન કરે છે. સંજીવની ઔષધિરૂપ એ વચનનાં ઊંડાણ, રણકાર અને પડકાર કાંઈક જુદા જ છે. પ્રબળ પુરુષાર્થ જગાવી મિથ્યાત્વના તો એ ભૂકા કરી નાંખે છે. સદૈવ સ્વરૂપનો મહિમા ગાનાર આ વચનોનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન આત્માને ઉજ્વળતા અર્પ ભવસાગર પાર કરાવે છે. અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર પરમશાંતરસપ્રતિપાદક તેમનો બોધ સદૈવ પૂર્વાપર અવિરોધ હોય છે અને એ એકમાત્ર આત્માર્થને જ ઉપદેશે છે. એમાં કોઈ નય ક્યારે પણ દુભાતો નથી. અહો! સદ્ગુરુની આશગંભીરતા, ધીરજ, ઉપશમ અને અચળ આત્મસામર્થ્ય! અહો! અહો! વારંવાર અહો! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy