________________
૪૨
“શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન મોક્ષપદની પ્રાપ્તિ અર્થે અહીં કહ્યું છે કે કષાયાદિનું તીવપણું તેના અનભ્યાસ આદિથી મંદ કરી શકાય છે, ક્ષીણ થઈ શકે છે. જીવને અનાદિ કાળથી કપાયાદિનો અભ્યાસ હોવાથી નિમિત્ત મળતાં જ તેના પૂર્વસંસ્કાર જાગૃત થાય છે અને કષાયનો ઉદય થાય છે. જીવને ક્રોધ, માન આદિ કરવાનો ખૂબ અભ્યાસ છે. જો તે આ અભ્યાસ છોડી દે, એટલે કે તેવાં નિમિત્ત પ્રાપ્ત થાય ત્યારે આત્માનું બળ વાપરી ક્ષમાદિ ધારણ કરે તો તેના ક્રોધાદિ મંદતાદિને પામે છે. કોઈ વ્યક્તિનો પરિચય થઈ ગયા પછી તેનો અપરિચય કરવો હોય તો તે વ્યક્તિ સામી મળે ત્યારે તેને ઓળખતો ન હોય એમ તે વર્તે, અજાણ્યો રહે, આવકાર ન આપે, દાદ ન આપે તો તે વ્યક્તિ સાથેનો સંબંધ છૂટી જાય છે; તેવી રીતે જીવ કષાયાદિનો અપરિચય કેળવે, તેની સાથે જોડાય નહીં, તેનાથી અળગો રહે અને વર્તમાનમાં કષાયાદિરહિત વર્તે તો કષાયાદિ મંદતાને પામે અને અંતે ક્ષીણ થાય. જીવ ઉપશમ દ્વારા કષાયાદિને મંદ કરી શકે છે. સતત અનભ્યાસ આદિથી કષાયાદિ મંદ થતા જાય છે. જો જીવ અનભ્યાસ આદિનો પુરુષાર્થ કરે તો તેના કષાયાદિ મોળા પડતાં પડતાં અંતે ક્ષય પામે છે. કષાયાદિનું ગમે તેવું તીવ્રપણું હોય તોપણ, જેમ સાપ ફૂંફાડો મારે અને લોકો દૂર ભાગી જાય, તેમ આત્મા જાગૃત થાય તો તે કષાયાદિ ભાવ ભાગી જાય છે. જેમ જેમ આત્માનું બળ વધતું જાય છે, તેમ તેમ કષાયોનું બળ ઘટતું જાય છે. જ્યારે જીવ અપૂર્વ બળ પ્રગટાવી સર્વ કષાયોનો ક્ષય કરે છે, ત્યારે તે પરમશુદ્ધ અવસ્થારૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે.
અજ્ઞાની જીવોમાં ક્રોધાદિ વિકારી ભાવોનું તીવ્રપણું હોય છે, જ્યારે સાધકોમાં સપુરુષાર્થના ફળરૂપે તેવા ભાવોનું મંદપણું થાય છે; તેથી સિદ્ધ થાય છે કે ક્રોધાદિ વિકારી ભાવો પ્રત્યે જાગૃત રહેવામાં આવે, તેનો અનભ્યાસ, અપરિચય, ઉપશમ કરવામાં આવે તો ધીમે ધીમે વિકારી ભાવોની માત્રા ઓછી થતી જાય છે અને આ પ્રક્રિયાને નિરંતર અનુસરવામાં આવે તો અંતે વિકારોનો સર્વથા અભાવ થાય છે અને આત્માનો મૂળ શુદ્ધ સ્વભાવ પ્રગટે છે. ચૈતન્યની આવી શુદ્ધ નિર્મળ દશાને મોક્ષ કહેવામાં આવે છે. સર્વ અશુદ્ધિથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ છે. આ પ્રમાણે સમ્યગ્દર્શનના નિવાસસ્થાનરૂપ મોક્ષપદ છે એમ સિદ્ધ થાય છે. છ પદના પત્રમાં શ્રીમદે મોક્ષપદ વિષે પ્રગટ કરેલા ભાવોને શ્રી સહજાનંદઘનજીએ એક પદમાં સુંદર રીતે ગૂંથતાં લખ્યું છે કે – જે જીવનો શુદ્ધ સ્વભાવ, કષાય અભાવ, પરમ-ગુરુ-જનથી;
છે મોક્ષ ચિત્ત-શોધનથી, નય-અનુપચાર કર્તા-ભોક્તા, જીવ કષાય-ભાવે સંસત્ત;
છૂટી શકાય છે તે કષાય વિઘનથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org