________________
ગાથા-૧૧૭
૬૧૫
બહાર ફાંફાં મારવાથી કદી કોઈને સુખ મળ્યું જ નથી.
જીવને પુણ્યોદયે કંઈક અનુકૂળતા પ્રાપ્ત થાય છે, જેને તે સુખ માને છે. આ કહેવાતા સુખના આલાદ પછી પરિણામે અનંત દુ:ખની પ્રાપ્તિ થાય છે. વિષયસુખના ક્ષણિક આનંદ પછી પરિણામે દુ:ખ જ મળે છે, કારણ કે - ૧) જેમ જેમ ભૌતિક સુખનાં સાધનોનો ભોગ-ઉપભોગ થાય છે, તેમ તેમ તૃષ્ણા વધતી જાય છે. વધતી તૃષ્ણાને સંતોષવા માટેનાં સુખનાં સાધનો પુણ્યના અભાવે ન મળવાથી દુ:ખ વધતું જ જાય છે. ૨) ભોગ-ઉપભોગ સમયે રાગાદિ થવાથી અશુભ કર્મોનો બંધ થાય છે. એ અશુભ કર્મોનાં ઉદયકાળે અત્યંત દુઃખનો અનુભવ થાય છે. ૩) ભોગ્ય વસ્તુને મેળવવા હિંસાદિ પાપનાં કાર્યો કરવા પડે છે. એ પાપનાં કાર્યોથી અશુભ કર્મોનો બંધ થાય છે. એ કર્મોનાં વિપાકકાળે દુ:ખ ભોગવવું પડે છે. ૪) લોભપૂર્વક અધિક ભોગ કરવાથી વ્યાધિ, અપકીર્તિ આદિનું દુઃખ આવે છે. ૫) ભોગમય જીવન જીવવાથી આત્મિક સાધના ન થઈ શકે અને તેથી પરિણામે પરલોકમાં દુઃખ ભોગવવું પડે છે.
વિષયસુખનો અનુભવ તો તેનાં સાધનો મળે ત્યારે થાય, પરંતુ તે પહેલાં જ એ વિષયસુખની ઝંખનાના કારણે પણ કેટલું દુઃખ છે? વિષયસુખનાં સાધનો મેળવવામાં અપાર માનસિક અને શારીરિક તાપ હોય છે. આ પ્રમાણે વિષયસુખ પામ્યા પહેલાં અને પછી તાપ-દુઃખ રહ્યા જ કરે છે. વિષયસુખના અનુભવ વખતે પણ તાપ ચાલુ જ હોય છે, કારણ કે – ૧) ભોગ-ઉપભોગકાળે ઇષ્ટ સુખના વિરોધી પ્રત્યે દ્વેષભાવ રહેવાથી મનમાં દ્વેષરૂપી તાપ રહ્યા કરે છે. ૨) ભોગઉપભોગકાળે ભૌતિક સાધનોનો વિયોગ ન થાય તે માટે અપાર ચિંતા રહે છે તથા રોગાદિના ભયરૂપી તાપ રહ્યા કરે છે. ૩) ગમે તેટલું વિષયસુખ પ્રાપ્ત થવા છતાં ઇન્દ્રિયો તૃપ્ત નહીં થવાથી વિષયોને મેળવવા ઇન્દ્રિય સદા ઉત્સુક રહે છે, તૃષ્ણા રહ્યા જ કરે છે.
આ પ્રમાણે અનેક પ્રકારે ભૌતિક વસ્તુઓથી પ્રગટ થતું સુખ દુઃખરૂપ જ છે એમ જ્ઞાનીઓનું કહેવું છે.
અનાદિ કાળથી જીવ બહારના પદાર્થની હોંશમાં હણાઈ રહ્યો છે. પર તરફના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org